Naveed Iqbal : જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સે મહામારીનું સ્વરૂપ લઈ લીધું છે. નશાખોરોની સંખ્યામાં અણધાર્યો વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસે તેની તાજેતરની તપાસમાં શોધી કાઢ્યું છે કે, ખીણના સૌથી મોટા નશા મુક્તિ કેન્દ્રમાં ડ્રગ્સના વ્યસની યુવાનોની સંખ્યામાં 75 ટકાનો વધારો થયો છે. અને આ માત્ર એક જ વર્ષમાં ખુબ વધી ગયું છે.
ખીણનું સૌથી મોટું વ્યસન મુક્તિ કેન્દ્ર શ્રીનગરની SMHS (શ્રી મહારાજા હરિ સિંહ) હોસ્પિટલમાં ચાલે છે. માર્ચ 2022 થી માર્ચ 2023 સુધીમાં, 41,110 ડ્રગ એડિક્ટ યુવાનો કેન્દ્રમાં પહોંચ્યા હતા. માર્ચ 2021 થી માર્ચ 2022 ની વચ્ચે આ આંકડો 23,403 હતો.
હવે બીજા શબ્દોમાં કહીએ તો, માર્ચ 2022 થી માર્ચ 2023 વચ્ચે, દર 12 મિનિટે એક દર્દી, દર કલાકે પાંચ દર્દી અને દરરોજ 114 દર્દી ઓપીડીમાં આવ્યા છે. 90 ટકા ડ્રગ એડિક્ટ્સ 17 થી 30 વર્ષની વયજૂથના છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ પોલીસ અધિકારી મહાનિર્દેશક દિલબાગ સિંહે તેને આતંકવાદ કરતા પણ ખરાબ ગણાવ્યું છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં સિંહે કહ્યું કે, એ સ્પષ્ટ હોવું જોઈએ કે, ડ્રગ્સ એક મોટી સમસ્યા છે. સમાજ હાલમાં જે ડ્રગ્સનો ખતરો અનુભવી રહ્યો છે, તે આતંકવાદ કરતાં પણ મોટો છે. જો આપણે અત્યારે ધ્યાન નહીં આપીએ તો ઘણું મોડું થઈ જશે.
જમ્મુ અને કાશ્મીરના પોલીસ જનરલે ખીણને ડ્રગ્સથી પ્રભાવિત પ્રદેશ બનાવવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. તે કહે છે, “પાકિસ્તાની એજન્સીઓ હવે આતંકવાદ ફેલાવવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરી રહી છે. આ કારણે આતંકવાદ અને સામાજિક અપરાધ મિશ્રિત થઈ રહ્યા છે. પાકિસ્તાન આ રીતે જમ્મુ-કાશ્મીરના લોકોને શાંતિનો માર્ગ પસંદ કરવા બદલ સજા આપી રહ્યું છે.
પંજાબનું ઉદાહરણ આપતા સિંહ કહે છે, “પંજાબમાં પણ આવું જ થયું હતું. આતંકવાદ તો ઘણા સમય પહેલા ખતમ થઈ ગયો છે, પરંતુ ડ્રગ્સની સમસ્યા પહેલા કરતા પણ ભયાનક છે. અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.
બે મહિનામાં, ધ ઈન્ડિયન એક્સપ્રેસે બારામુલાથી શ્રીનગર, કુપવાડાથી અનંતનાગ સુધીના અનેક વ્યસન મુક્તિ કેન્દ્રોની મુલાકાત લીધી. ટીમે અસરગ્રસ્ત પરિવારો, ડોકટરો, મનોચિકિત્સકો, કાઉન્સેલરો, અમલદારો અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી, જેથી તે જાણવા માટે કે ડ્રગ્સ જમ્મુ અને કાશ્મીરમાં શું તબાહી મચાવી રહ્યું છે. આ સાથે સત્તાવાર દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી છે.
25 ટકા બેરોજગાર ડ્રગ વ્યસની
15 થી 30 વર્ષની વય જૂથના યુવાન પુરુષોમાં ડ્રગનો ઉપયોગ સૌથી વધુ પ્રચલિત છે. 2022-23માં જમ્મુ અને કાશ્મીર સરકારના સહયોગથી ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ, કાશ્મીર (ઈમહેન્ક્સ-કે) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેનાં પરિણામો દર્શાવે છે કે 25% ડ્રગ વ્યસની બેરોજગાર છે, 15% સ્નાતક છે, 14% મધ્યવર્તી, 33% મેટ્રિક્યુલેટેડ છે અને માત્ર 8% અભણ છે.
છેલ્લા 18 મહિનામાં, કાશ્મીર વિભાગના 10 માંથી આઠ જિલ્લામાં વ્યસન મુક્તિની સારવાર સુવિધા (ATF) મળી છે. બાકીના બે જિલ્લાઓમાંથી એક (કુપવાડા)માં વ્યસન મુક્તિ કેન્દ્ર છે અને બીજા (ગાંદરબલ)માં ટૂંક સમયમાં એટીએફ હશે. ATF એ આ સમયગાળા દરમિયાન પાંચ જિલ્લાઓ – બાંદીપોરા, બડગામ, શોપિયાં, કુલગામ અને પુલવામામાં 6,000 દર્દીઓની સામૂહિક રીતે સારવાર કરી છે.
4માંથી 3 વ્યસની હેરોઈન લેતા હોય છે
પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે, વર્ષ 2019માં 103 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ સંખ્યા 2022 માં બમણાથી વધુ 240 કિલોગ્રામ પર સેટ છે. કાશ્મીરમાં ચારમાંથી ત્રણ ડ્રગ્સ એડિક્ટ હેરોઈનનો ઉપયોગ કરે છે. 2022 માં, પોલીસે 1,850 FIR નોંધી અને 2,756 ધરપકડ કરી. 2019ની સરખામણીમાં ધરપકડ અને એફઆઈઆર બંનેમાં 60 ટકાનો વધારો થયો છે.
હેરોઈન સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ડ્રગ્સ છે, તો તે સૌથી મોંઘી પણ છે. Imhanks-K ના સર્વેમાં જાણવા મળ્યું છે કે, હેરોઈનનો વ્યસની વ્યક્તિ દર મહિને સરેરાશ 88,183 રૂપિયા ખર્ચે છે.
સરકારનું શું કહેવું છે?
જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ડ્રગની સમસ્યા અને તેના ઉકેલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “આ મુદ્દા પર અમારું સંપૂર્ણ ધ્યાન છે. સૌથી પહેલા ડ્રગ્સના સપ્લાયની ચેનલને તોડી પાડવી જોઈએ. બીજું જાગૃતિ કેળવવી અને ત્રીજું છે પીડિત સાથે ગુનેગાર જેવું વર્તન ન કરવું અને પુનર્વસનની તકો પૂરી પાડવી. તેના નેટવર્કને નિશાન બનાવીને વધુ ધરપકડ કરવામાં આવી છે. અમે તેમની સામે પણ કાર્યવાહી કરી છે, જેઓ સરકારમાં હોઈ શકે છે. આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.