જમ્મુ- કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ વિવાદ સર્જાયો છે. જમ્મુ વહીવટી તંત્રે 12 ઓક્ટોબરના રોજ એક વિવાદીત નિર્ણય પાછો ખેંચ્યો છે. જેમાં જિલ્લામાં એક વર્ષ કરતા વધુ સમયથી રહેતા લોકોને રહેઠાણનું પ્રમાણપત્ર આપવાના પગલાને રદ કર્યું હતું. આ રહેઠાણના ઓળખળપત્રથી જમ્મુમાં રહેતા લોકો ત્યાં મતદાતા તરીકે મતદાર યાદીમાં નોંધણી કરાવી શક્યા હતો. જો કે વિપક્ષના ઉગ્ર વિરોધને પગલે આદેશ આખરે રદ કરવામાં આવ્યો છે. ભાજપ સિવાયના તમામ મુખ્ય રાજકીય પક્ષોએ આ આદેશની ટીકા કરતા ભારે હોબાળો મચાવ્યો હતો.
શું આદેશ હતો?
મંગળવારે, જમ્મુના ડેપ્યુટી કમિશનર/જિલ્લા ચૂંટણી અધિકારી અવની લવાસાએ એક આદેશ જારી કરીને જિલ્લાના તમામ તહસીલદારને એવા લોકોને રહેવાસી પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કર્યા છે જેઓ આ વિસ્તારમાં એક વર્ષ કરતા વધુ સમયથી રહેતા હોય પરંતુ તેમની પાસે રહેઠાણના દસ્તાવેજી પુરાવા નથી, તેઓ જમ્મુ- કાશ્મિરમાં ચાલી રહેલી મતદાર સુધારણા યાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવી શકશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આ પ્રમાણપત્ર ફિલ્ડ વેરિફિકેશન પછી જારી કરવાના હતા. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, એવા ભારતીય નાગરિકો માટે કે જેમની પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો નથી તેઓ – “એક વર્ષ માટેના પાણી/વીજળી/ગેસ કનેક્શન, આધાર કાર્ડ, રાષ્ટ્રીયકૃત/શિડ્યુલ્ડ બેંક/પોસ્ટ ઑફિસની વર્તમાન પાસબુક, ભારતીય પાસપોર્ટ, જમીનની માલિકીના દસ્તાવેજો, કિસાન બહી, રજિસ્ટર્ડ રેન્ટ/લીઝ ડીડ (ભાડૂતના કિસ્સામાં), પોતાના મકાનના કિસ્સામાં રજિસ્ટર્ડ સેલ ડીડ સહિતનો રેકોર્ડ” — તેમની ફીલ્ડ વેરિફિકેશન પછી મતદાર તરીકે નોંધણી કરાવી શકાય છે.
દસ્તાવેજોના અભાવે કેટલાક “પાત્ર” લોકોને મતદાર તરીકે નોંધણી કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની બાબત ધ્યાને આવ્યા બાદ સત્તાધીશો દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
વર્ષ 2021નો વિવાદ
મંગળવારના આદેશથી કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદારો તરીકે “બહારના લોકો” ના સમાવેશને લઈને પહેલેથી જ પ્રવર્તી રહેલી ચિંતાઓ ફરી વધી ગઈ છે. વર્ષ 2019માં કલમ-370 નાબૂદ થવાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં મતદાર તરીકેની નોંધણી માટેના નિયમો બદલાયા.
ઓગસ્ટ 2021 માં, જ્યારે કલમ 370 નાબૂદ થયા પછી પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીર મતદાર યાદીમાં સુધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હિરદેશ કુમારે જણાવ્યું હતું કે 25 લાખ નવા મતદારો નોંધાયાની અપેક્ષા હતી.
ચૂંટણી અધિકારીએ ટાંક્યુ હતું કે જેઓ “સામાન્ય રીતે જમ્મુ-કાશ્મીરમાં રહે છે” અને 1 ઑક્ટોબરના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના થઇ ગયા છે તેઓ મતદાન કરવાને પાત્ર હતા, કારણ કે સામાન્ય રીતે જમ્મુ-કાશ્મીરમાં રહેતા કર્મચારી, વિદ્યાર્થી અથવા મજૂર સહિત કોઈપણ અહીં મતદાર બનીને હવે મતદાન કરી શકશે.
કુમારનું આ નિવેદન દેખીતી રીતે ભારતના રજિસ્ટ્રાર જનરલની ધારણાઓ ઉપર આધારિત હતું કે, 1 જુલાઈ, 2022ના રોજ J&Kમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા 98.96 લાખ થવાની સંભાવના હતી, જ્યારે તેના નોંધાયેલા મતદારો માત્ર 76 લાખ હતા, જે 22.93,603નો તફાવત દર્શાવે છે.
કલમ-370 નાબૂદ થયા પહેલાની સ્થિતિ
5 ઓગસ્ટ, 2019 પહેલાં, જમ્મુ-કાશ્મીર રાજ્ય પાસે પોતાનો જમ્મુ અને કાશ્મીર રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ્સ એક્ટ, 1957 હતો, જેમાં વિધાનસભા ચૂંટણી માટે મતદારો તરીકે માત્ર જમ્મુ-કાશ્મીરના (રાજ્યનો વિષય) જ મૂળભૂત રહેવાસીઓની જ નોંધણી કરવાની જોગવાઈ હતી.
લોકસભાની ચૂંટણીઓ માટે, જેને રાજ્ય બહારનો વિષય માનવામાં આવતો હતો, તેમાં પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ, વાલ્મિકીઓ, ગોરખાઓ વગેરે, જેઓ ઘણી પેઢીઓથી અહીં રહેતા હતા, તેમને મતદાર તરીકે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
કલમ-370 નાબૂદ થયા પછીની પરિસ્થિતિ
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ- 96 હેઠળ જારી કરાયેલા તેના જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (રાજ્યના કાયદાઓની સ્વીકાર્યતા) ઓર્ડર, 2020 દ્વારા આ તમામ રાજ્ય બહારના વિષયો જમ્મુ અને કાશ્મીરના નિવાસી બન્યા છે.
તેમાં જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિ જે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં 15 વર્ષથી માટે રહે છે, અથવા સાત વર્ષથી અભ્યાસ કરે છે અને અહીંથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી છે, તેમને જમ્મુ અને કાશ્મીરના રહેવાસી ગણવામાં આવશે.
ઉપરાંત જમ્મુ-કાશ્મીરની માટે ધી રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ-1950 અને 1951 લાગુ પડવાથી, કોઈપણ ભારતીય નાગરિક કે જેની ઉંમર 18 વર્ષની થઇ ગઇ છે અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં “સામાન્ય રીતે નિવાસ કરી રહ્યા છે” તે સ્થાનિક મતદાર યાદીમાં નોંધણી કરવાને પાત્ર છે.
કાયદો શું કહે છે?
ધી રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ-1950ની કલમ 19 મુજબ, દરેક વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોય અને સામાન્ય રીતે કોઈ મતવિસ્તારમાં રહેતી હોય તે મતદાર તરીકે ત્યાંન મતદાર યાદીમાં નોંધણી કરાવી શકે છે.
જો કે, એવી સ્પષ્ટતા કરે છે કે “તેના કાયમી રહેઠાણના સ્થાળેથી હંગામી ધોરણે ગેરહાજર રહે છે, તો આના કારણે ત્યાંનો સામાન્ય નિવાસી રહેતો નથી”.
આ કાયદાની કલમ-20 “ઓર્ડિનરી રેસિડન્ટ” નો અર્થ સમજાવતી વખતે કહે છે કે કોઈ વ્યક્તિ માત્ર તે આધાર પર મતવિસ્તારમાં મૂળ નિવાસી માનવામાં આવશે નહીં કે જ્યાં તે રહેઠાંણ માટેનું ઘર ધરાવતો હોય અથવા તેના કબજામાં હોય. આ સંદર્ભમાં, એવો નિર્દેશ કરે છે કે કોઇ વ્યક્તિ માનસિક બિમારીઓની સારવાર માટે કોઈ સંસ્થામાં, અથવા કોઈપણ જગ્યાએ જેલમાં અથવા અન્ય કાનૂની કસ્ટડીમાં અટકાયતમાં છે, તે સામાન્ય રીતે ત્યાંનો રહેવાસી માનવામાં આવશે નહીં.
વિપક્ષોનો વિરોધ
“ઓર્ડિનરી રેસિડન્ટ” ને વ્યાખ્યાયિત કરવા માટે કાયદામાં પૂરી પાડવામાં આવેલ કોઈપણ સમય મર્યાદાની ગેરહાજરીમાં ભાજપ સિવાયના તમામ જમ્મુ અને કાશ્મીર પક્ષોએ નવા મતદારો તરીકે “બહારના લોકો” ની નોંધણી સામે વાંધો ઉઠાવ્યો છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રવિન્દર શર્માએ કહ્યું, “અમારો પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ, વાલ્મિકીઓ અથવા ગોરખા જેવા લોકોની નોંધણીના વિરોધી નથી જે પેઢીઓથી જમ્મુ અને કાશ્મીરમાં રહે છે. પરંતુ “ઓર્ડિનરી રેસિડન્ટ” તરીકે લાયક બનવા માટે કોઈપણ સમય મર્યાદાની ગેરહાજરીમાં લોકોને માત્ર એક વર્ષ કે તેથી વધુ સમય સુધી અહીં રહેવાના આધારે મતદાર તરીકે નોંધણી કરવી, અને તે પણ રહેઠાંણના કોઈપણ દસ્તાવેજી પુરાવા વગર, તે વાત સ્વીકાર્ય નથી.
તેમાં પ્રવાસી શ્રમિકોનો પણ સમાવેશ થાય છે જેઓ તેમના મૂળભૂત સ્થળે મતદાતા તરીકે નોંધાયેલા છે. પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ, 1950ની કલમ 17 જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ મતદારક્ષેત્રમાં મતદાર તરીકે નોંધણી કરાવી શકાતી નથી.”
શર્માએ દાવો કર્યો હતો કે મતદાર નોંધણીની આવી પ્રણાલી માત્ર ભાજપના ફાયદા માટે છે.
પીપલ્સ એલાયન્સ ફોર ગુપ્કર ડિક્લેરેશન (જેમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને અવામી નેશનલ કોન્ફરન્સનો સમાવેશ થાય છે)એ 15 સભ્યોની પેનલ બનાવી છે, જેમાં કોંગ્રેસ અને શિવસેના જેવા પક્ષોના નેતાઓ અને જમ્મુ સ્થિત ડોગરા સ્વાભિમાન સંગઠનનો પણ સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર તરીકે બહારના લોકોને સામેલ કરવાના કોઈપણ પગલાંને રોકવાનો છે.
ભાજપ શું વિચારે છે?
ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, જ્યારે પહેલાંથી જ તમામ ભારતીય નાગરિકોને તેમના જન્મસ્થળથી ભારતમાં જ્યાં રહેતા હોય તે સ્થળે તેમના મતાધિકારને ખસેડવાની છૂટ છે. તેમણે એ વાત અંગે નિરાશા વ્યક્ત કરી કે જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓએ “વિરોધ કરવા માટે વિરોધ પક્ષના રાજકારણીઓને બિનજરૂરી રીતે બહાનું આપી દીધુ છે”.
ભાજપના એક નેતાએ કહ્યું, “પહેલા તે હિરદેશ કુમાર હતા જેમણે ઓગસ્ટમાં એવું કહીને રાજકીય તોફાન ઉભું કર્યું હતું કે મતદાર યાદીમાં 20-25 લાખ નવા મતદારો ઉમેરવામાં આવશે. આ વિવાદ શાંત થાય તેની પહેલા તાજેતરમાં તહસીલદારનો નવો આદેશ આવ્યો. જ્યારે કાયદો આ મુદ્દે સ્પષ્ટપણે સ્પષ્ટ છે ત્યારે આવા આદેશની શું જરૂર હતી?