રક્ષા મંત્રી રાજનાથ સિંહે થોડા દિવસો પહેલા સ્વતંત્રતા સંગ્રામ સેનાની સુભાષ ચંદ્ર બોઝને અવિભાજિત ભારતના પ્રથમ પ્રધાનમંત્રી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે બોઝે તે સમયે બ્રિટિશ શાસનથી સ્વતંત્ર આઝાદ હિંદ સરકારનું ગઠન કર્યું હતું.
રક્ષા મંત્રીના નિવેદન પછી અન્ય ભાજપા નેતાઓએ પણ આ પ્રકારની વાત કહી હતી. સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોરે ટ્વિટર પર લખ્યું કે અવિભાજિત ભારતના પ્રથમ પ્રધાનમંત્રી નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહજી ની આ વાત પૂર્ણત: પ્રામાણિક છે. અસલમાં નેહરુને પ્રથમ પ્રધાનમંત્રી બતાવવા ઇતિહાસમાં કૌભાંડ કરવા જેવું છે અને કોંગ્રેસ શાસનમાં આવા કૌભાંડ ઘણા થયા છે.
હવે સવાલ ઉભો થાય છે કે શું સાચે જ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ ન હતા? આખરે કેન્દ્રીય મંત્રીઓના આટલા મોટા નિવેદનની સચ્ચાઇ શું છે?
ખોટું છે રાજનાથ સિંહનું નિવેદન
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન સાચું નથી કારણ કે ભારત-પાકિસ્તાનના ભાગલાની ઔપચારિક જાહેરાત 3 જૂન 1947ના રોજ થઇ હતી. નેહરુ ભારતની અંતરિમ સરકારમાં 6 જુલાઇ 1946ના રોજ પ્રધાનમંત્રી બની ગયા હતા. ભારત 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયું હતું પણ બ્રિટને ભારતીયોના હાથમાં સત્તા એક વર્ષ પહેલા જ સોંપી દીધી હતી. જે અંતર્ગત ભારતમાં અંતરિમ સરકાર બની હતી. નક્કી થયું હતું કે કોંગ્રેસના અધ્યક્ષ જ પ્રધાનમંત્રી બનશે. 6 જુલાઇ 1946ના રોજ નેહરુ કોગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ થયા હતા અને અંતરિમ સરકારમાં પ્રધાનમંત્રી બન્યા હતા. આ પછી ભારતમાં પ્રથમ ચૂંટણી થઇ અને નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પણ બન્યા હતા.
આ પણ વાંચો – નલિનીએ પ્રિયંકા ગાંધીની જેલ મુલાકાત પર કહ્યું- રાજીવ ગાંધીની હત્યા વિશે પૂછ્યા પછી રડી પડી હતી પ્રિયંકા
સુભાષ ચંદ્ર બોઝ ક્યારે બન્યા પ્રધાનમંત્રી?
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં આઝાદ હિંદ સરકારનો ઉલ્લેખ કર્યો છે. બોઝ આ સરકારના પ્રથમ પ્રધાનમંત્રી હતા. હવે એ સમજવું જરૂરી છે કે આઝાદ હિંદ સરકાર શું છે. 1940માં સુભાષ ચંદ્ર બોઝને અંગ્રેજોએ તેમના ઘરમાં જ નજરકેદ કર્યા હતા. જોકે 1941ની શરૂઆતમાં અંગ્રેજોને ચકમો આપી ભાગવામાં સફળ રહ્યા હતા. આ પછી તેમણે દેશની બહારથી આઝાદીની લડાઇ લડી હતી.
21 ઓક્ટોબર 1943ના રોજ સિંગાપુરમાં નિર્વાસિત સરકારના ગઠનની જાહેરાત કરી હતી. તેમણે તેને આઝાદ હિંદ સરકારનું નામ આપ્યું હતું. પોતાને સરકારના હેડ ઓફ સ્ટેટ એટલે પ્રધાનમંત્રી અને યુદ્ધ મંત્રી જાહેર કર્યા હતા. આ સરકારની પોતાની ફોજ (આઝાદ હિન્દ ફોજ), કરન્સી, કોર્ટ, સિવિલ કોડ અને રાષ્ટ્રગાન પણ હતું. સુભાષ ચંદ્ર બોઝની સરકારને 9 દેશો જાપાન, જર્મની, ઇટાલી, ક્રોએશિયા, બર્મા, થાઇલેન્ડ, ફિલિપીન્સ, મંચુરિયા અને રિપબ્લિક ઓફ ચાઇનાએ માન્યતા આપી હતી. આ પ્રકારની સરકારને ‘Government In Exile’ કહેવાય છે. આસાન ભાષામાં આવી સરકારોને દેશની બહાર બનાવેલી સરકાર કહી શકાય છે.
સુભાષ ચંદ્ર બોઝ પહેલા ન હતા
સુભાષ ચંદ્ર બોઝ નિર્વાસિત સરકાર બનાવનાર પ્રથમ વ્યક્તિ ન હતા. તેમના પહેલા ડિસેમ્બર 1915માં મહેન્દ્ર પ્રતાપ અને મૌલાના બરકતઉલ્લા કાબુલમાં ભારતની પ્રથમ નિર્વાસિત સરકાર બનાવી ચૂક્યા હતા. તે સરકારમાં હાથરસના રાજકુમાર મહેન્દ્ર પ્રતાપ સિંહ રાષ્ટ્રપતિ અને મૌલાના બરકતઉલ્લા પ્રધાનમંત્રી હતા. તેમની સરકારને હુકૂમત-એ-મુખ્તાર-એ-હિંદ કહેવામાં આવતી હતી. આ રીતે ભારતની પ્રથમ નિર્વાસિતના પ્રધાનમંત્રી મૌલાના બરકતઉલ્લા હતા.





