ઝારખંડના 22 જિલ્લાઓના 264 વિસ્તારોને દૂષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. શનિવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની યોજાયેલા બેઠકમાં રાજ્યના 22 જિલ્લાના 226 તાલુકાઓને ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કર્યા અને ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરાઇ છે. જો કે રાહત ઘોષણમાંથી સિમડેગા અને પૂર્વ સિંઘભૂમ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યા છે.
ખેડૂતો માટે 1200 કરોડ રૂપિયાનું રાહત પેકેજ
ઝારખંડ સરકાર દૂષ્કાળગ્રસ્ત 226 તાલુકાઓના 30 લાખથી વધુ ખેડૂતોને પ્રત્યેક 3,500 રૂપિયા ચૂકવશે, જેની પાછળ લગભગ 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રાજ્ય સરકારે જણાવ્યુ કે, ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારને પણ મદદ માટે પત્ર લખશે. જે 226 તાલુકાઓને દૂષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે તેમાં 154 વિસ્તારોની સ્થિતિ અત્યંત ગંભિર છે તો 74 વિસ્તારોમાં આંશિક દૂષ્કાળ છે. જ્યાં પાકને 50 ટકાથી વધારે નુકસાન થવાની દહેશત છે તેવા વિસ્તારોને ગંભીર નુકસાનવાળી શ્રૈણીમાં મુકવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું: “ઝારખંડમાં કુલ 226 તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત છે. આવી કપરી પરિસ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોને દુષ્કાળમાં રાહત આપવાની રાજ્યની નૈતિક જવાબદારી છે. અમે ખેડૂતોને રાહત આપવા માટે 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ કરીશું અને તેનાથી 30 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે.
વરસાદ ન પડવાથી દૂષ્કાળ
ચોમાસાની સીઝનમાં વરસાદના અભાવે ઝારખંડમાં દૂષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ 1 જૂનથી 15 ઓગસ્ટ સુધીના 18 જિલ્લાઓમાં અત્યંત ઓછો વરસાદ પડ્યો છે. કૃષિ વિભાગના મૂલ્યાંકન મુજબ આ વર્ષે 15 ઓગસ્ટ સુધી 5.4 લાખ હેક્ટર જમીનમાં ડાંગરની વાવણી કરવામાં આવી હતી, જે ગત સિઝનના સમાન સમયગાળા માટે 16.3 લાખ હેક્ટર કરતા 9 ટકા ઓછી છે.
કેન્દ્ર સરકાર પાસે 10 હજાર કરોડની રાહત માંગી
શનિવારે યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ જમાવ્યુ કે, દૂષ્કાળમાં ખેડૂતોને રાહત આપવા માટે 10 હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે. જેની માટે તમામ વિભાગોને અલગ-અલગ એક પ્રસ્તાવ તૈયાર કરવા જણાવ્યુ છે. આ વિભાગોના પ્રસ્તાવ પર વિચારણા કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કેન્દ્ર સરકારને વિનંતી કરશે.