Justice Rohit B Deo resigns : બોમ્બે હાઈકોર્ટમાં એક અજીબોગરીબ ઘટના જોવા મળી હતી. હાઈકોર્ટના જસ્ટિસ તેમની કોર્ટમાં આવ્યા હતા. જ્યારે કોર્ટ ચાલી રહી હતી ત્યારે તેમણે અચાનક જ કોર્ટમાં હાજર રહેલા તમામ લોકોની માફી માંગી અને પછી કહ્યું હતું કે તે નોકરીમાંથી રાજીનામું આપી રહ્યા છે. તેમની વાત સાંભળીને બધા ચોંકી ગયા હતા. કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે ન્યાયાધીશ ઓપન કોર્ટમાં તેમના રાજીનામાની જાહેરાત કરશે. આ પ્રકારની પહેલી ઘટના છે જ્યારે કોઈ જજે કોર્ટરૂમમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હોય. આ પહેલા આવું જોવા મળ્યું નથી.
નોકરીમાંથી રાજીનામું આપનાર જસ્ટિસનું નામ રોહિત બી દેવ છે. જ્યારે તેમના રાજીનામાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ નાગપુર બેન્ચમાં બેઠા હતા. રાજીનામાની જાહેરાત દરમિયાન તેમણે કોર્ટમાં હાજર લોકોને કહ્યું હતું કે જો તેમણે કોઇને કંઇ દુ:ખ પહોંચાડ્યું હોય તો તે તેના માટે માફી માંગું છું. જો તેમના કારણે કોઇને ઠેસ પહોંચી હોય તો તેઓ માફી માંગે છે.
રોહિત બી દેવ 2017માં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બન્યા હતા
જસ્ટિસ રોહિત બી દેવ 2017માં હાઈકોર્ટ પહોંચ્યા હતા. જજ બન્યા પહેલા તેઓ એડવોકેટ જનરલ હતા. તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ સેવા આપી હતી. તેઓ 4 ડિસેમ્બર 2025ના રોજ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થવાના હતા. પરંતુ તે પહેલા તેમણે હાઇકોર્ટની નોકરી છોડી દીધી છે.
આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, જ્ઞાનવાપી પરિસરમાં ASIનો સર્વે ચાલુ રહેશે
જી એન સાઇબાબાને ડિસ્ચાર્જ કરનાર બેન્ચના સભ્ય હતા જજ રોહિત
જસ્ટિસ રોહિત બી દેવનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેમણે માઓવાદી સાથેના કનેક્શનના આરોપી જીએન સાઈબાબાને ડિસ્ચાર્જ કરી દીધા. આ નિર્ણય ગયા વર્ષે લેવામાં આવ્યો હતો. જોકે તેમના આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે જી એન સાઈબાબાને છોડી મુકનાર બેન્ચે યોગ્ય નિર્ણય લીધો નથી. રોહિત નાગપુર બેન્ચના સભ્ય હતા જેમણે ચુકાદો આપ્યો હતો.
જસ્ટિસ દેવે સમૃદ્ધિ એક્સપ્રેસ વે ના મામલામાં મહારાષ્ટ્ર સરકારના વિવાદાસ્પદ નિર્ણય પર પણ રોક લગાવી દીધી હતી. આ કિસ્સો ઘણો ચર્ચામાં રહ્યો હતો. જસ્ટિસ રોહિતે ચુકાદામાં કહ્યું કે કોન્ટ્રાક્ટરોને લઈને સરકારે જે પ્રસ્તાવ આપ્યો છે તે ખોટો છે.





