Karnataka Assembly Election 2023 :કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપે મંગળવારે 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ શિગગાંવથી ચૂંટણી લડશે. જ્યારે પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાનો પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. મુખ્યમત્રી બસવરાજ બોમ્માઈએ રાજ્યના પક્ષના નેતાઓ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે નવી દિલ્હીમાં બેઠક કર્યાના કલાકો પછી આ જાહેરાત કરવામાં આવી છે. બીજેપીના નેશનલ જનરલ સેક્રેટરીએ જણાવ્યું કે પ્રથમ લિસ્ટમાં જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી 52 નવા ચહેરા છે.
બીજેપીએ નેશનલ સેક્રેટરી સીટી રવિને ચિકમંગલૂર સીટથી મેદાનમાં ઉતાર્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સામે વરુણા સીટથી વી સોમન્નાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વી સોમન્ના ચામરાજનગર વિધાનસભા સીટથી પણ ચૂંટણી લડશે.
કર્ણાટક સરકારના હેલ્થ મિનિસ્ટર ડોક્ટર સુધાકર ચિકલબપુર વિધાનસભા સીટથી ઉમેદવાર રહેશે. રાજ્ય મંત્રી આર અશોકને પદ્મનાભનગર અને કનકપુરા બે સીટથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. કનકપુરા સીટથી કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો – કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે ના માન્યો બીજેપી હાઇકમાન્ડનો નિર્ણય, કહ્યું – કોઇપણ કિંમતે ચૂંટણી લડીશ
પ્રથમ યાદીમાં 8 મહિલા ઉમેદવારની જાહેરાત
બીજેપી જનરલ સેક્રેટરી અરુણ સિંહ દ્વારા આપેલી જાણકારી પ્રમાણે બીજેપીના પ્રથમ લિસ્ટમાં 32 ઉમેદવાર ઓબીસી સમુદાયના છે. 30 એસસી અને 16 એસટી છે. પ્રથમ યાદીમાં 8 મહિલા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે બીજેપી દ્વારા બાકી રહેલા સીટો પર ઉમેદવારની જાહેરાત એક કે બે દિવસમાં કરી દેવામાં આવશે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ યોજાશે
કર્ણાટકમાં 10 મે ના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 મે ના રોજ પરિણામ જાહેર થશે. કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભાનો કાર્યકાળ 24 મે ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. કર્ણાટકમાં રાજ્યની 224 વિધાનસભા મતવિસ્તારોમાં 5,21,73,579 નોંધાયેલા મતદારો છે. રાજ્યભરમાં 58,282 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 104 સીટો પર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 78 વિધાનસભા સીટો જીતી હતી. કુમારસ્વામીની પાર્ટી જેડીએસને 37 સીટો મળી હતી. કર્ણાટકમાં બીએસપીને 1, કેપીજેપી અને અપક્ષને 1-1 સીટો મળી હતી.