Karnataka Freebies: કર્ણાટકમાં કોંગ્રેસે પાંચ ગેરંટીના આધારે જંગી બહુમતી સાથે સરકાર બનાવી હતી. આ પાંચ ગેરંટીમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે 10 કિલો મફત ચોખા, મહિલાઓને દર મહિને 2000 રૂપિયા, બેરોજગારી ભથ્થું 3000 રૂપિયા અને 1500 રૂપિયા, મહિલાઓ માટે મફત બસ સેવા, 200 યુનિટ મફત વીજળીનો સમાવેશ થાય છે. જનતાએ કોંગ્રેસના આ વચનોને પૂરા દિલથી આવકાર્યા હતા અને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી હતી. પરંતુ હવે સત્ય કંઈક બીજું જ સામે આવી રહ્યું છે.
મફત વચનો અર્થતંત્ર ખરાબ કરે છે!
દેશમાં મફત રેવડી વહેંચવી સામાન્ય વાત છે. ચૂંટણી આવતા જ પાર્ટીઓ દ્વારા અલગ અલગ વાયદાઓ કરવામાં આવે છે. કોઈ મફત ખાવાનું આપે છે, કોઈ વીજળી આપે છે, તો કોઈ વધુ ઉદારતા દાખવે છે અને બાળકો માટે સ્કૂટી-બાઈકની જાહેરાત કરે છે. પરંતુ આ જાહેરાતો અર્થતંત્રને અસર કરે છે, કેવી રીતે રાજ્યો દેવા હેઠળ દબાઇ જાય છે તેનો કોઈ ઉલ્લેખ કરતું નથી. પરંતુ ભારતીય રિઝર્વ બેંકથી લઈને અન્ય ઘણા મોટા અર્થશાસ્ત્રીઓએ સમયાંતરે ચેતવણી આપી છે. દેશના વડાપ્રધાને પણ તેનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેમ છતાં મફતની રેવડીઓ વહેંચાઇ રહી છે, મફતના વચનો કરવામાં આવી રહ્યા છે.
પાંચ ગેરંટી વાળો વાયદો હીટ, વિકાસ પાછળ રહી ગયો
કર્ણાટકની કોંગ્રેસ સરકારે પણ આ જ કારણસર પાંચ ગેરંટીનો દાવ ખેલ્યો હતો. મતોની દ્રષ્ટિએ તે સુપર હિટ રહ્યો હતો, પરંતુ તેની ખતરનાક આડઅસરો હવે આર્થિક દ્રષ્ટિકોણથી દેખાઈ રહી છે. તે ખતરાને તમે આંકડામાં સમજી શકશો. પરંતુ સૌથી પહેલા તો રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના નિવેદન પર ધ્યાન આપવું જરૂરી છે. આ નિવેદન એટલું જ કહેવા માટે પૂરતું છે કે થોડા મહિના સરકાર ચલાવ્યા પછી પણ વિકાસના કામો માટે પૈસા બચ્યા નથી.
ડીકે શિવકુમારનું નિવેદન
મીડિયા સાથે વાત કરતા ડીકે શિવકુમારે કહ્યું કે આ વાત સાચી છે કે ધારાસભ્યો અમને મળવા માંગતા હતા. તેઓ કેટલાક મુદ્દાઓ પર વાત કરવા માંગે છે. આપણે તેમની સાથે આર્થિક મુદ્દાઓ વિશે પણ વાત કરવી પડશે. એ સમજવાની જરૂર છે કે હાલ આપણે પાંચ ગેરંટીઓ પૂરી કરવા માટે 40 હજાર કરોડ રૂપિયા અલગ રાખવા પડે છે. અમે આ વર્ષે વિકાસ પાછળ ખર્ચ કરી શકીશું નહીં. તમે સિંચાઈ અથવા પીડબ્લ્યુડી વિભાગ પર ખર્ચ કરી શકશો નહીં. આપણે જાણીએ છીએ કે ધારાસભ્યોની અપેક્ષાઓ વધારે છે. અમે કહી દીધું છે કે થોડી રાહ જુઓ.
ડીકે શિવકુમારે આ નિવેદન એટલા માટે આપવું પડ્યું કારણ કે એક ચિઠ્ઠી ચર્ચામાં આવી હતી. આ ચિઠ્ઠી કર્ણાટકના ધારાસભ્યોએ લખી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓને તેમના ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ફંડ મળી રહ્યું નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓ દ્વારા તેમની વાત સાંભળવામાં આવી રહી નથી. એ ચિઠ્ઠી વિશે પહેલાં એવું કહેવાયું હતું કે આ એક અફવા છે પરંતુ તે પછી આ વાત સ્વીકારી લેવામાં આવી હતી કે કેટલીક ફરિયાદો ચાલી રહી છે. હવે તે ફરિયાદો પર ડેપ્યુટી સીએમે કહ્યું છે કે વિકાસ માટે પૈસા નથી.