Karnataka Politics : જનતા દળ (સેક્યુલર) ના નેતા એચ.ડી. કુમારસ્વામીએ આવો દાવો કર્યો છે, જે બાદ કર્ણાટકના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ દાવો કર્યો છે કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર ટૂંક સમયમાં પડી જશે. તેમણે કહ્યું કે, સત્તાધારી કોંગ્રેસના એક પ્રભાવશાળી મંત્રી કેન્દ્ર દ્વારા તેમની સામે નોંધાયેલા કેસોને ટાળવા માંગે છે, જેના કારણે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.
એટલું જ નહીં, પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ એવો પણ દાવો કર્યો હતો કે, મંત્રી 50 થી 60 ધારાસભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે અને ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ ભાજપના નેતાઓના સંપર્કમાં છે અને વાતચીત ચાલી રહી છે.
એચડી મીડિયા સાથે વાત કરતા કુમારસ્વામીએ કહ્યું કે, કોંગ્રેસ સરકારમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ખબર નથી કે આ સરકાર ક્યારે પડી જશે. તેમણે કહ્યું, “કોંગ્રેસના એક મંત્રી 50-60 કોંગ્રેસના ધારાસભ્યોના સમર્થન સાથે ભાજપમાં જોડાઈ શકે છે. કર્ણાટક સરકાર જલ્દી પડી શકે છે. કંઈ પણ થઈ શકે છે.” જેડી(એસ) ના નેતા અને પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ કહ્યું કે, કોઈનામાં ઈમાનદારી અને વફાદારી બાકી નથી.
કર્ણાટકમાં ગમે ત્યારે મહારાષ્ટ્ર જેવું કંઈક થઈ શકે છે – કુમારસ્વામી
કુમારસ્વામીએ કહ્યું કે, એક પ્રભાવશાળી મંત્રી તેમની સામે નોંધાયેલા કેસમાંથી બચવા માટે બેતાબ છે. કેન્દ્રએ તેમની સામે એવા કેસ નોંધ્યા છે જેમાંથી છટકવાની કોઈ શક્યતા નથી. જ્યારે કુમારસ્વામીને નેતાનું નામ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, નાના નેતાઓ પાસેથી આવા સાહસિક પગલાની અપેક્ષા રાખી શકાય નહીં, માત્ર પ્રભાવશાળી લોકો જ આ કરી શકે છે. જેડીએસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું, “કર્ણાટકમાં ગમે ત્યારે મહારાષ્ટ્ર જેવું કંઈક થઈ શકે છે. વર્તમાન રાજકીય વાતાવરણને ધ્યાનમાં રાખીને કંઈ પણ થઈ શકે છે.”
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2023માં જેડીએસ અને ભાજપ વચ્ચે ગઠબંધન થયું હતું. ભાજપને આશા છે કે, તે JDS સાથે કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરશે.





