ખાલિસ્તાની આતંકવાદી : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ શનિવારે મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ પન્નુ, અમૃતસર અને ચંદીગઢમાં સ્થિત પ્રોપર્ટી જપ્ત કરી છે. પન્નુ વિરુદ્ધ પંજાબમાં 22 ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં ત્રણ રાજદ્રોહના કેસનો પણ સમાવેશ થાય છે. પન્નુ હાલ અમેરિકામાં રહે છે. ત્યાંથી તે સતત વીડિયો જાહેર કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે.
પંજાબમાં એનઆઈએ દ્વારા પન્નુની જે મિલકતો જપ્ત કરવામાં આવી છે, તેમાં અમૃતસર જિલ્લાની સીમમાં આવેલા તેના મૂળ ગામ ખાનકોટમાં 46 કનાલ કૃષિ મિલકત અને ચંદીગઢના સેક્ટર 15, સીમાં તેના ઘરનો સમાવેશ થાય છે. જપ્તી બાદ હવે પન્નુનો મિલકત પરનો અધિકાર જતો રહેશે અને મિલકત સરકારની રહેશે.
NIA એ પન્નુના ઘરની બહાર બોર્ડ લગાવીને સ્પષ્ટ કર્યું છે કે, હવે આ સંપત્તિ પર તેનો કોઈ અધિકાર નથી. તે હવે સરકારી મિલકત બની ગઈ છે. આ હવેલીનો ચોથો ભાગ અગાઉ NIA કોર્ટના આદેશ પર જોડવામાં આવ્યો હતો. આ સાથે અમૃતસરના ખાનકોટ ગામમાં પન્નુની 46 કનલ ખેતીલાયક જમીન પણ જપ્ત કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે જુલાઈ 2020 માં પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો અને તેના માટે ઇન્ટરપોલ રેડ નોટિસની વિનંતી કરી હતી. પન્નુનું સંગઠન “પંજાબ સ્વતંત્રતા જનમત” દ્વારા ભારત વિરુદ્ધ અલગતાવાદી ભાવનાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારત સરકારે આ પ્રવૃત્તિઓને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી છે અને કેનેડાની સરકારને તેની સામે પગલાં લેવા જણાવ્યું છે.
કોણ છે ગુરપતવંત સિંહ પન્નુ?
ગુરપતવંત સિંહ પન્નુ મૂળ પંજાબના ખાનકોટનો છે. હાલ તે અમેરિકાનો નાગરિક છે. પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યા બાદ તે વિદેશ ગયો હતો. ત્યારથી તે કેનેડા અને અમેરિકામાં રહે છે. વિદેશમાં રહીને પણ તે ખાલિસ્તાની ગતિવિધિઓ ચાલુ રાખે છે. આ ઉપરાંત તે સમયાંતરે ભારત વિરોધી વીડિયો પણ જાહેર કરે છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ની મદદથી તેણે શીખ ફોર જસ્ટિસ ઓર્ગેનાઈઝેશન (SFJ) નામનું સંગઠન પણ બનાવ્યું છે, જેના પર 2019 માં ભારતે પ્રતિબંધ મૂક્યો હતો.





