ભાજપે ગ્રાઉન્ડ લેવલે પણ મોટા ફેરફારોની કરી તૈયારી! 80 ટકા જિલ્લાઓમાં કરશે આ કામ

lok sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપ (BJP) ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં જિલ્લા લેવલે પણ ફેરફાર કરવા જઈ રહી છે. રાજ્યમાં 80 ટકા જેટલા નવા જિલ્લા પ્રમુખ બનાવવામાં આવશે.

Written by Kiran Mehta
Updated : July 07, 2023 15:54 IST
ભાજપે ગ્રાઉન્ડ લેવલે પણ મોટા ફેરફારોની કરી તૈયારી! 80 ટકા જિલ્લાઓમાં કરશે આ કામ
લોકસભા ચૂંટણી 2024 - ભાજપ ઉત્તર પ્રદેશમાં જિલ્લા પ્રમુખોમાં ફેરફાર કરશે

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ ગતિએ શરૂ કરી દીધી છે. 2014 અને 2019ની જેમ આ વખતે પણ ભાજપનું ખાસ ફોકસ યુપી પર છે. આ મહિને બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ ઉત્તર પ્રદેશની બાબતો માટે નવા પ્રભારીની નિમણૂક કરવા જઈ રહ્યું છે. આ સિવાય યુપી ભાજપે 2024ની લોકસભા ચૂંટણી પહેલા નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ રાજ્યના 80 ટકા જિલ્લાના વર્તમાન પ્રમુખોને બદલવા જઈ રહી છે. સંગઠનની દૃષ્ટિએ ભાજપે યુપીને 6 પ્રાદેશિક એકમો અને 98 જિલ્લાઓમાં વહેંચી દીધું છે.

યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ માર્ચમાં રાજ્યના પદાધિકારીઓ અને છ પ્રદેશ પ્રમુખોની 45 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા જિલ્લા પ્રમુખોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સંગઠનના કામમાં અનુભવ અને પક્ષના કામની સમજને ધ્યાનમાં રાખીને નવા જિલ્લા પ્રમુખોની પસંદગી કરવામાં આવશે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, જિલ્લાના એકમોએ પાર્ટીનું કામ હવે ગ્રાઉન્ડ લેવલે મૂક્યું છે. આ સમયે મોટાભાગના જિલ્લાના પ્રમુખોએ તેમની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ કરી છે. ઘણા જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખોને 4 થી 5 વર્ષ થઈ ગયા છે, તેથી લગભગ 80 ટકા જિલ્લાઓના પ્રમુખો બદલાય તે નિશ્ચિત છે.

નવા જિલ્લા પ્રમુખોની 15મી જુલાઈએ જાહેરાત થઈ શકે છે

તેમણે માહિતી આપી હતી કે, નવા જિલ્લા પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમના નામની જાહેરાત 15 જુલાઈના રોજ ‘મહાજન સંપર્ક અભિયાન’ સમાપ્ત થયા બાદ કરવામાં આવશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે, પાર્ટીએ લગભગ ચાર મહિના પહેલા જિલ્લાઓમાં પ્રમુખો બદલવાની યોજના બનાવી હતી, પરંતુ નાગરિક ચૂંટણીઓને કારણે, આ કામ થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું.

ભાજપના એક નેતાએ કહ્યું કે, હવે નગરપાલિકાની ચૂંટણીઓ થઈ ગઈ છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેથી જિલ્લા પ્રમુખોના નામ આપવામાં વિલંબથી જિલ્લામાં સમિતિઓની રચનામાં વિલંબ થશે. પાર્ટી ઈચ્છે છે કે, નવા જિલ્લા પ્રમુખ અને તેમની ટીમ લોકસભા ચૂંટણીના ઓછામાં ઓછા 8 મહિના પહેલા ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાનું શરૂ કરે.

આ પણ વાંચો – BJP Maharashtra : ‘જોડ-તોડ’ સાથે મહારાષ્ટ્રમાં ભાજપનું વિસ્તરણ, બીજેપીમાં પાયાના સ્તરે અસંતોષનો ગણગણાટ શરૂ

ઘણા વરિષ્ઠ નેતાઓને પ્રમોશન મળી શકે છે

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ચૂંટણી મેનેજમેન્ટના કામમાં કેટલાક વરિષ્ઠ નેતાઓને પ્રમોટ કરવામાં આવી શકે છે. હાલમાં યુપીના પ્રભારી રાધા મોહન સિંહ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તેઓ બિહારના સાંસદ પણ છે. એક નેતાએ કહ્યું કે, રાજ્યોના પ્રભારી માટે કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી કારણ કે, રાધા મોહન સિંહે બિહારમાં પણ તેમની ચૂંટણીની તૈયારી કરવાની છે, તેથી કેન્દ્રીય નેતૃત્વ યુપી માટે નવા પ્રભારીની શોધમાં છે. નવા પ્રભારીના નામની જાહેરાત આ મહિનાના અંતમાં થઈ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ