ok sabha election 2024 survey: લોકસભા ચૂંટણી 2024 માટે તમામ પાર્ટીઓએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. પ્રાદેશિક પક્ષો પણ તેમની ભૂમિકાને મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. જેથી તેમને થોડી યોગ્ય પસંદગી મળી શકે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત હેટ્રિક નોંધાવવાની કોશિશ કરી રહ્યું છે, જેથી તે કેન્દ્રમાં સત્તા કબજે કરી શકે. બીજી તરફ પીએમ મોદીના રથને રોકવા માટે ઇન્ડિયા એલાયન્સની 26 વિપક્ષી પાર્ટીઓ આગળ આવી છે.
વિપક્ષી પાર્ટીઓના ‘ઇન્ડિયા’ ગઠબંધન પછી ઈન્ડિયા ટીવી સીએનએક્સે (IndiaTV CNX Survey) દેશની ચૂંટણીનો મૂડ જાણવા માટે એક સર્વે કર્યો છે. જેથી 2024ની લોકસભા ચૂંટણીને લઈને મતદારનું વલણ કઈ તરફ છે તે જાણી શકાય. આ સર્વેમાં કોંગ્રેસ શાસિત રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં એનડીએની સ્થિતિ શું છે? તે જણાવ્યું છે. કારણ કે આ રાજ્યોમાં કોંગ્રેસ પોતાના દમ પર સત્તામાં છે.
રાજસ્થાનમાં એનડીએની સ્થિતિ શું છે?
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનની તમામ 25 લોકસભા સીટો પર જીત મેળવી હતી. આ વખતે ઇન્ડિયા ટીવી સીએનએક્સના સર્વેમાં એનડીએને થોડું નુકસાન થતું જોવા મળી રહી છે, પરંતુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનથી ઘણું આગળ છે. સર્વે મુજબ એનડીએને 21 સીટો મળવાની આશા છે. ઇન્ડિયા ગઠબંધનને કુલ ચાર બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે.
છત્તીસગઢમાં એનડીએને 2019 કરતા ઓછી સીટો મળવાની સંભાવના
છત્તીસગઢમાં લોકસભાની 11 બેઠકો છે. સર્વેમાં એનડીએ ગત વખતની સરખામણીએ ઓછી સીટો મળે તેમ લાગી રહ્યું છે. 2019માં એનડીએને 9 સીટો મળી હતી. સર્વે મુજબ આ વખતે એનડીએને 7 સીટો મળે તેવી સંભાવના છે. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને ચાર સીટો મળવાની આશા છે. આ વર્ષે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે.
આ પણ વાંચો – ઉત્તર પ્રદેશમાં ભાજપની ગઠબંધન પાર્ટીઓ વધી, પરંતુ બેઠકોની વહેંચણી મુશ્કેલ બની શકે છે
હિમાચલમાં એનડીએને ત્રણ બેઠકો મળી રહી છે
સર્વે મુજબ હિમાચલ પ્રદેશની 4 લોકસભાની સીટો માંથી 3 સીટો એનડીએને મળવાનું અનુમાન છે. ઇન્ડિયા ગઠબંધનને લોકસભાની એક બેઠક મળે તેવી શક્યતા છે. 2019માં એનડીએની ફાળે તમામ 4 બેઠકો આવી હતી. 2022ના અંતમાં પહાડી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. જોકે વિધાનસભાની ચૂંટણીની અસર લોકસભામાં થતી હોય તેમ લાગતું નથી.
જાણો કર્ણાટકમાં એનડીએની સ્થિતિ
આ વર્ષની શરૂઆતમાં દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટા અંતરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કોંગ્રેસનું મનોબળ ઊંચું છે. કોંગ્રેસ પાર્ટીને આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં સારું પ્રદર્શન કરવાની આશા છે. તાજા સર્વે મુજબ રાજ્યમાં એનડીએને 28માંથી 20 સીટો મળવાનું અનુમાન છે. ઇન્ડિયા એલાયન્સને 7 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્યને એક બેઠક મળવાની ધારણા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 26 સીટો મળી હતી. કોંગ્રેસ અને જેડીએસને 1-1 સીટો મળી હતી. આ ચાર રાજ્યોમાં લોકસભાની 68 બેઠકો છે. સર્વે મુજબ આ 68 સીટોમાંથી એનડીએને 51 સીટો મળી રહી છે.





