Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી પક્ષોને પોતાની તાકાત બતાવવા માટે સત્તાધારી પાર્ટી ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. બીજી તરફ વિપક્ષી દળો પણ કોઈ કસર છોડવા માંગતા નથી. આવી સ્થિતિમાં વિપક્ષી પાર્ટીઓ પોતાની બીજી બેઠક 17-18 જુલાઈએ બેંગલુરુમાં કરવા જઈ રહી છે. જ્યારે ભાજપે 18 જુલાઈએ દિલ્હીમાં યોજાનારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની બેઠક માટે પોતાના જૂના અને નવા સહયોગીઓને પણ આમંત્રણ આપ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 19 પક્ષોએ એનડીએની બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ એનડીએના સાથી પક્ષોને પત્રો મોકલ્યા છે. જેમાં અજિત પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથ અને જીતનરામ માંઝીના હિન્દુસ્તાની અવામ મોર્ચા જેવા નવા સાથીઓનો પણ સામેલ છે. તેમને 18 જુલાઇના રોજ સંમ્મેલન માટે આમંત્રણ અપાયું છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકને 2024ની લોકસભાની ચૂંટણીના પહેલા શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના બે દિવસ પહેલા જ એનડીએની બેઠક થઇ રહી છે.
એનડીએની બેઠકમાં સામેલ થશે પીએમ મોદી
એનડીએની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. આથી ભાજપ દ્વારા શાસક ગઠબંધનના શક્તિ પ્રદર્શનને પ્રદર્શિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન આ પહેલીવાર છે જ્યારે એનડીએની બેઠક આ સ્કેલ પર થઈ રહી છે. 2024ની ચૂંટણી માટે ભાજપ તેના ભૂતપૂર્વ સાથી પક્ષો સાથે વાટાઘાટો શરૂ કરવા અને એનડીએને પુનર્જીવિત કરવા માટે પોતાના હાલના સાથી પક્ષો સાથેના સંબંધોને મજબૂત કરવા માટે પરત ફર્યો છે.
આ પાર્ટીઓ એનડીએની બેઠકમાં ભાગ લેશે
આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના ઉપરાંત એનડીએના સહયોગી દળોમાં બિહારના ઘણા નાના પક્ષો તેમજ પૂર્વોત્તર ક્ષેત્રના કેટલાક શાસક સહયોગીઓનો સમાવેશ થાય છે. જેમાં ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની એલજેપી (રામ વિલાસ), ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી, સંજય નિષાદની નિષાદ પાર્ટી (તમામ બિહારથી), અનુપ્રિયા પટેલના નેતૃત્વવાળી અપના દળ (સોનેલાલ), હરિયાણાની જેજેપી, પવન કલ્યાણના નેતૃત્વવાળી જનસેના, આંધ્રપ્રદેશની એઆઇએડીએમકે, ઝારખંડની ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ), મેઘાલયથી કોનરાડ સંગમાની એનસીપી, નાગાલેન્ડથી એનડીપીપી, સિક્કિમથી એસકેએફ, જોરમથાંગાથી મિઝો નેશનલ ફ્રન્ટ અને અસામથી એ.જૂ.પી. આ બેઠકમાં ભાગ લેશે.
આ પણ વાંચો – મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ, અજિત પવાર અને અન્ય બળવાખોર નેતાઓ શરદ પવારને મળ્યા
17-18 જુલાઈએ બેંગલુરુમાં વિપક્ષની બેઠક
વિરોધ પક્ષોની આગામી બેઠક 17 અને 18 જુલાઈએ બેંગલુરુમાં યોજાવાની છે. આ પહેલા વિપક્ષની સંખ્યા વધારવાના પ્રયાસરૂપે કોંગ્રેસે આ બેઠક માટે વધુ બે નાના પક્ષોને આમંત્રણ મોકલ્યું છે. કોંગ્રેસે બેંગલુરુની બેઠક માટે યુપીની અપના દલ (કમેરાવાદી) અને તમિલનાડુથી એક પ્રાદેશિક પક્ષને પણ આમંત્રણ આપ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અપના દલ (કે)ના પ્રમુખ કૃષ્ણા પટેલ વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. આ સાથે જ બેંગલુરુ બેઠકમાં આમંત્રિત પાર્ટીઓની સંખ્યા 26 થઈ ગઈ છે. આ પહેલા 23 જૂને બિહારના પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક થઈ હતી. છેલ્લી બેઠક બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના આહવાન પર થઈ હતી.
આ બેઠકમાં 16 જેટલા પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી 15 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આરએલડીના જયંત ચૌધરી ફેમિલી ફંક્શનને કારણે મિટિંગમાં ભાગ લઈ શક્યા ન હતા. આ બેઠકમાં આ રાજકીય પક્ષોના 30થી વધુ નેતાઓએ ચૂંટણીની સામાન્ય રણનીતિ પર ચર્ચા કરી હતી.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ હાજર રહેશે
વિરોધ પક્ષોની બીજી બેઠક કોંગ્રેસના નેતૃત્વમાં બેંગલુરુમાં યોજાઈ રહી છે. આ બેઠક અગાઉ શિમલામાં યોજાવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેને ખસેડવામાં આવી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 17 જુલાઈએ બેંગલુરુમાં વિપક્ષી દળો માટે રાત્રિભોજનું આયોજન કર્યું છે અને આ બેઠક 18 જુલાઈએ થશે. આ બેઠકમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સામેલ થશે.
વિપક્ષોની આ બેઠકમાં બધા મુખ્ય વિપક્ષી નેતા સામેલ થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું બેઠકમાં જવાનું નક્કી ન હતું. જોકે હવે તે પણ બેઠકમાં સામેલ થવાના છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ટીએમસીના સૂત્રોના હવાલથી જણાવ્યું કે મમતા બેનરજી 17 જુલાઇએ વિપક્ષના રાત્રીભોજમાં સામેલ થશે નહીં. કારણ તે તેમને સર્જરી પછી પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જોકે તે 18 જુલાઇએ વિપક્ષી દળોની બેઠકમાં ભાગ લેશે.





