લોકસભા ચૂંટણી 2023 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની જીતને રોકવા માટે વિપક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. બિહારની રાજધાની પટનામાં આજે કોંગ્રેસ, ટીએમસી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના સહિત વિપક્ષ એક મંચ પર એક થવા જઇ રહ્યો છે. આ બેઠકનો મહત્વનો મુદ્દો લોકસભા ચૂંટણીમાં મોદીની જીતને રોકવા માટે જ છે. મહા ગઠબંધનની આ બેઠકમાં હાજરી આપવા માટે વિપક્ષના કદાવર નેતાઓ બેઠકમાં પહોંચી રહ્યા છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી ્ને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પટના પહોંચી ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ બેઠકમાં હાજર રહેશે.
ભાજપ સામેના આ જંગમાં જોડાવા માટે મહારાષ્ટ્રથી એનસીપી નેતા શરદ પવાર અને શિવસેના (UBT) ઉદ્ધવ ઠાકરે પણ જોડાશે. સીપીઆઇ નેતા ડી રાજા અને સીપીઆઈએમ નેતા સીતારામ યેચુરી પણ બેઠકમાં જોડાશે. ઝારઝંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
પટનામાં સુરક્ષા વધારી દેવાઇ
બિહારની રાજધાની પટનામાં યોજાનાર મહા ગઠબંધનની આ બેઠકને પગલે પટનામાં સુરક્ષા વધારી દેવાઇ છે. પટના એરપોર્ટથી લઇને મુખ્યમંત્રી નીતિશ કુમારના આવાસ સુધી સુરક્ષા સઘન કરી દેવાઇ છે.
આપ કોંગ્રેસ વચ્ચે બેઠક પૂર્વે મતભેદ
ભાજપ અને મોદી સામે લોકસભા ચૂંટણી 2024 મેદાને જંગમાં એક થવા જઇ રહેલા વિપક્ષ મહા ગઠબંધનની પટના ખાતેની બેઠક પૂર્વે જ વિપક્ષના મતભેદ પણ સપાટીએ આવી રહ્યા છે. આપ નેતા અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસનો મતભેદ દેખાઇ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે માંગ કરી છે કે, આ બેઠકમાં સૌથી પહેલા કેન્દ્રના અધ્યાદેશ પર ચર્ચા કરવામાં આવે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષનું કહેવું છે કે, આ મામલે સંસદમાં ચર્ચા કરવામાં આવે.
અરવિંદ કેજરીવાલ ચાલતી પકડશે…
અરવિંદ કેજરીવાલે આ બેઠકને લઇને ચીમકી પણ ઉચ્ચારી છે કે, બેઠકમાં સૌથી પહેલા કેન્દ્રના અધ્યાદેશ પર ચર્ચા કરવામાં આવે જો આમ નહીં થાય તો તે બેઠક અધ વચ્ચે જ છોડીને ચાલતી પકડી લેશે. જોકે આ બેઠકમાં તે હાજર રહેવાના છે.
ભાજપ સરકાર હટાવો એજન્ડા
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે, આપણે બધા ભાજપ સામે લડવા માટે એક થઇ રહ્યા છીએ અને આપણે એજન્ડા ભાજપ સરકારને હટાવાનો છે. કેન્દ્ર અધ્યાદેશ મામલે આપણે સંસદ સત્ર પહેલા કોઇ નિર્ણય લેશું.
જાન તો છે પરંતુ વરરાજા કોણ?
ભાજપ સામે મોરચો ખોલવા એક થઇ રહેલા મહા ગઠબંધન સામે કટાક્ષ કરતાં ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે, નીતિશ કુમાર 2024 માટે જાન તૈયાર કરી રહ્યા છે પરંતુ જાનમાં વરરાજા પણ હોવો જોઇએ પરંતુ અહીં વરરાજા કોણ છે? અહીં તો બધા જ પોતાને પીએમના દાવેદાર બતાવી રહ્યા છે.
અમિત શાહ બોલ્યા, મોદી ફરી પીએમ
વિપક્ષના મહાગઠબંધન અંગે અમિત શાહે કહ્યું કે, વિપક્ષ ગમે તે કરે પરંતુ તેઓ એક થઇ શકવાના નથી. તેમને જે કરવું હોય એ કરે પરંતુ લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ 300 બેઠકો પર જીતશે અને મોદી વધુ એકવાર વડાપ્રધાન બનશે. રાહુલ ગાંધી સામે નિશાન સાધતાં તેમણે કહ્યું કે, તે દેશમાં નકારાત્મક માહોલ ઉભો કરી રહ્યા છે.