lok sabha elections 2024 : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 2024ની લોકસભા ચૂંટણી નહીં લડે. સૂત્રોએ જણાવ્યું હતું કે યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી લડવાને બદલે પ્રિયંકા ગાંધી દેશભરમાં પાર્ટી અને તેના સહયોગી દળો માટે પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી હવે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર સુધી જ સીમિત નહીં રહે. તે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા રાજ્યસભામાં પણ જઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીને હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં મોકલવાની તૈયારી ચાલી રહી છે.
છત્તીસગઢના રાજ્યસભાના એક સાંસદે પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં જવા માટે રાજીનામું આપવાનું કહ્યું છે. આવી જ ઓફર પાર્ટીના અન્ય બે રાજ્યસભા સાંસદોએ કરી છે. તેમાંથી એક રાજ્યસભાના સાંસદે એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા તેમના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી હતી.
સોનિયા ગાંધીએ પ્રિયંકા ગાંધીની ભૂમિકા પર ચર્ચા કરી
થોડા દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રિયંકા ગાંધીની ભવિષ્યની રણનીતિ પર પાર્ટીના કેટલાક પ્રમુખ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. મોટા ભાગના નેતાઓનો મત હતો કે તે સ્ટાર પ્રચારક તરીકે પાર્ટીને મજબૂત કરી શકે છે. આવી સ્થિતિમાં તેમણે લોકસભા ચૂંટણી ન લડવી જોઈએ. પાર્ટીના નેતાઓએ કહ્યું કે જો તે (પ્રિયંકા ગાંધી) લોકસભા ચૂંટણી લડે છે તો તેમણે પોતાની સીટ પર ધ્યાન આપવું પડશે અને વધુ સમય નહીં આપી શકે. નેતાઓનું માનવું છે કે જો પ્રિયંકા ગાંધી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે તો કોંગ્રેસને વધુ ફાયદો થવાની આશા છે.
કેટલાક નેતાઓનું માનવું છે કે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવી જોઈએ
સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના કેટલાક નેતાઓનું માનવું હતું કે લોકસભા ચૂંટણી લડવાથી પ્રિયંકા ચૂંટણીમાં એક મોટા ચહેરા તરીકે ઉભરી આવશે. મોટા ભાગના નેતાઓનો એવો પણ મત હતો કે કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં કોઈને પણ પીએમના ચહેરા તરીકે રજૂ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી સાથી પક્ષોને યુપીએ ગઠબંધનમાં જોડાવાનો વધુ વિશ્વાસ મળશે.
આ પણ વાંચો – સિદ્ધુએ ભગવંત માનને મુખ્યમંત્રીની ખુરશી ભેટમાં આપી, નવજોત કૌરના દાવા પછી પંજાબની રાજનીતિ ગરમાઇ
પ્રિયંકા ગાંધી યુપી કોંગ્રેસનું પ્રભારી પદ છોડે તેવી શક્યતા
એવી પણ માહિતી મળી રહી છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા યુપી કોંગ્રેસનું પ્રભારીનું પદ છોડી શકે છે. હવે તેમને તે રાજ્યોની જવાબદારી સોંપી શકાય છે જ્યાં કોંગ્રેસ પાર્ટીની સંભાવના વધારે છે અથવા તેમને યુપીની સાથે અન્ય રાજ્યોના પ્રભારી બનાવવામાં આવી શકે છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાની નવી ભૂમિકા નક્કી થશે.
ગાંધી-નહેરુ પરિવારના સભ્યો અમેઠીથી ચૂંટણી નહીં લડે
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે અમેઠી બેઠક પરથી નહેરુ-ગાંધી પરિવારનો કોઈ પણ સભ્ય લોકસભાની ચૂંટણી નહીં લડે તે પણ નક્કી થઈ ગયું છે. ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીને હવે અમેઠી બેઠક પર રસ નથી. કોંગ્રેસ કદાચ આ બેઠક પરથી પોતાનો ઉમેદવાર પણ નહીં ઉતારે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો મહાગઠબંધન થાય તો કોંગ્રેસ આ બેઠક સાથી પક્ષો માટે છોડી શકે તેવી પ્રબળ સંભાવના છે.
સોનિયા ગાંધીની રાયબરેલી સીટને લઈને પાર્ટી હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી નથી. ગઠબંધન થાય તો પણ રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે. યુપીએના અધ્યક્ષ ચૂંટણી નહીં લડે તો નહેરુ-ગાંધી પરિવારની કોઈ નજીકની વ્યક્તિને રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવશે.





