2024ની લોકસભા ચૂંટણીની તસવીર બદલી શકે છે કોર્ટના આ મોટા નિર્ણયો, યૂપી-બિહાર સહિત ઘણા રાજ્યોમાં થશે અસર

Lok Sabha Election 2024 : તમામ પક્ષોની નજર કોર્ટમાં ચાલી રહેલા 5 મોટા કેસ પર છે. આ એવી બાબતો છે જે ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની રણનીતિ પર મોટી અસર કરી શકે છે

Written by Ashish Goyal
Updated : August 03, 2023 12:15 IST
2024ની લોકસભા ચૂંટણીની તસવીર બદલી શકે છે કોર્ટના આ મોટા નિર્ણયો, યૂપી-બિહાર સહિત ઘણા રાજ્યોમાં થશે અસર
2024 લોકસભા ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશમાં રાજકીય પારો વધી રહ્યો છે (તસવીર - એએનઆઈ)

Lok Sabha Election 2024 : 2024 લોકસભા ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશમાં રાજકીય પારો વધી રહ્યો છે. તમામ પક્ષો રાજકીય સમીકરણ બનાવીને ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કડીમાં કોંગ્રેસ વિરોધ પક્ષોને એકજૂથ કરીને સામૂહિક વિપક્ષ તરીકે ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે. 26 પાર્ટીઓના નવા વિપક્ષી ગઠબંધનને ‘ઇન્ડિયા’ નામ આપવામાં આવ્યું છે. સાથે જ ભાજપે પણ ચૂંટણી પહેલા કમર કસી લીધી છે. તો બીજી તરફ એનડીએની સંખ્યા પણ વધીને 38 પાર્ટીઓ સુધી પહોંચી ગઈ છે. આ તમામ પક્ષોનો 5 રાજ્યોમાં નોંધપાત્ર પ્રભાવ છે. વિપક્ષ એક બેઠક એક ઉમેદવારની ફોર્મ્યુલા પર 2024ની લોકસભા ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા તમામ પક્ષોની નજર કોર્ટમાં ચાલી રહેલા મોટા કેસ પર છે. આ એવી બાબતો છે જે ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની રણનીતિ પર મોટી અસર કરી શકે છે.

પૂજા સ્થળોના કાયદામાં ફેરફારની માંગ

વારાણસીનું જ્ઞાનવાપી પરિસર, મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ સિવાય તાજમહેલ સહિત ઘણા ધાર્મિક અને સંરક્ષિત સ્થળો પર વિવાદ ચાલુ છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ 1991 સામે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરી છે. સ્વામીએ કહ્યું છે કે તેમણે સમગ્ર કાયદાને પડકાર્યો નથી પરંતુ માત્ર બે મંદિરોને જ તેના દાયરામાંથી બાકાત રાખવાની માગણી કરી છે. સ્વામીએ પોતાની અરજી પર અલગથી સુનાવણીની અપીલ કરી છે, જેના પર કોર્ટ જલ્દી નિર્ણય લઈ શકે છે. તાજો મામલો જ્ઞાનવાપી મસ્જિદનો છે. એક રીતે જોઈએ તો અહીંની જિલ્લા કોર્ટના નિર્ણય બાદ એએસઆઈનો સર્વે શરૂ થયો છે. જોકે હાલ સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત તેના પર પ્રતિબંધ લાગ્યો છે.

હિન્દુ પક્ષની માંગ છે કે તેમને પરિસરમાં શૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે. મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે પૂજા સ્થળ અધિનિયમ હેઠળ આ કેસોની સુનાવણી કોર્ટમાં થઈ શકતી નથી. ઓગસ્ટ 2021માં હિન્દુ પક્ષે જ્ઞાનવાપી પરિસરની અંદર પ્રાર્થના કરવાની મંજૂરી મેળવવા માટે વારાણસી કોર્ટ પહોંચ્યું હતું. આ નિર્ણયની અસર ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં પડી શકે છે. અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ ભાજપે નારો આપ્યો છે કે અયોધ્યા તો ઝાંકી છે, કાશી-મથુરા બાકી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો છે અને રાજકીય નિષ્ણાંતો માને છે કે દિલ્હીનો રસ્તો યુપીમાંથી પસાર થાય છે. ભાજપ જ્ઞાનવાપી મુદ્દાને રાજકીય રીતે ફાયદો ઉઠાવવા માંગે છે. ભાજપ આ મુદ્દાને હિન્દુ આસ્થા અને હિન્દુ એકતા સાથે જોડીને ચૂંટણી લડી શકે છે.

દિલ્હી વર્સિસ કેન્દ્ર સરકાર

છેલ્લા ઘણા સમયથી દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. લાંબી કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને સનદી અધિકારીઓની બદલી કરવાની સત્તા આપી હતી. આ પછી કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અધ્યાદેશ લાવી હતી. આ અધ્યાદેશ સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ આ કેસની સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં 2 સવાલોના જવાબ શોધવાના છે. પહેલો સવાલ એ છે કે દિલ્હી માટે કાયદા બનાવવાની સંસદની શક્તિઓની મર્યાદા શું છે? બીજો પ્રશ્ન એ છે કે શું સંસદ તેની સત્તાનો ઉપયોગ વહીવટી સેવાઓનું નિયંત્રણ પાછું લેવા માટે કાયદો બનાવવા માટે કરી શકે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ મામલે અનેક વિપક્ષી પાર્ટીઓ પાસે સમર્થન માંગ્યું હતું. કોંગ્રેસે પણ આ મામલે આમ આદમી પાર્ટીનું સમર્થન કર્યું છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : જો વિપક્ષ એક થઈ જાય તો પણ આ 3 મોટા સવાલ પરેશાન કરશે? જવાબ શોધવા મુશ્કેલ

રાહુલ ગાંધીની સદસ્યતાનો કેસ

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ છે? ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. માનહાનિના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. બીજા દિવસે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ સુરત કોર્ટના આ નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે પણ સુરત કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે માનહાનિના કેસની સુનાવણી શરૂ કરી દીધી છે. હાલ રાહુલ ગાંધી જામીન પર બહાર છે. જો રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ ગાંધી 2031 સુધી ચૂંટણી નહીં લડી શકે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ 2024ની ચૂંટણીમાં આ મુદ્દાનો ઉપયોગ કરી શકે છે. કોંગ્રેસ વિપક્ષી એકતાને મજબૂત કરીને ભાજપ પર આકરા પ્રહારો કરી શકે છે. કોંગ્રેસ આ મામલે લોકો પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખી રહી છે.

આર્ટિકલ 370 પર સુનાવણી ચાલુ

5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે સંસદમાં જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી કલમ 370ને રદ કરી દીધી હતી. આ પછી જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો. વિશેષ રાજ્ય હેઠળ રક્ષા, વિદેશ, નાણાં અને સંદેશાવ્યવહારની બાબતો સિવાય ભારતના કોઈપણ કાયદાને લાગુ કરવા માટે જમ્મુ-કાશ્મીર સરકાર બંધાયેલી ન હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ કરવાના અધ્યાદેશ સામે સુપ્રીમ કોર્ટમાં 20 અરજીઓ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ 2 ઓગસ્ટથી આ કેસની સુનાવણી શરૂ કરશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે આતંકવાદને અંકુશમાં લેવા માટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. કેન્દ્રએ કહ્યું કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ આતંકી નેટવર્કને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવ્યું છે. કાશ્મીરમાં પથ્થરમારાની ઘટના હવે ભૂતકાળનો ભાગ બની ગઈ છે. આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી 2024ની રાજનીતિ બદલાઈ શકે છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાને ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. જનસંઘના સમયથી જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો પાર્ટીના ઘોષણાપત્રમાં સામેલ કરવામાં આવ્યો છે. સાથે જ વિપક્ષ આ મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે જે રીતે કલમ 370 હટાવવામાં આવી છે તે ખોટી છે.

જાતિ જનગણના મામલો

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે જાતિય જનગણનાનો આદેશ આપ્યો હતો. તેનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ મુદ્દે પટના હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ આ કેસમાં હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. હાઇકોર્ટનો નિર્ણય કોઇ પણ પક્ષમાં આવી શકે છે પરંતુ આ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે તેવી આશા છે. હાઈકોર્ટના નિર્ણય બાદ આ મુદ્દો ઉત્તર ભારતના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે. વિપક્ષી ગઠબંધન આ મુદ્દે સરકારને ઘેરવા માંગે છે. કેન્દ્ર સરકારે જુલાઈ 2022માં સંસદમાં કહ્યું હતું કે તે જાતિય જનગણના કરાવશે નહીં. જાતિગત વસ્તી ગણતરીના મુદ્દાની સીધી અસર અન્ય પછાત જાતિઓ (ઓબીસી) પર પડે છે.

સીએસડીએસ અનુસાર 2014માં ઓબીસી સમુદાયના 34 ટકા અને 2019માં 44 ટકા વોટ ભાજપને મળ્યા હતા. હિન્દી હાર્ટલેન્ડમાં ઓબીસી સમુદાયનું પ્રભુત્વ છે અને જે પણ ગઠબંધનને ઓબીસી સમુદાયનું સમર્થન મળે તે પાર્ટીને લોકસભાની ચૂંટણી જીતવું નક્કી માનવામાં આવે છે. રાજકીય પક્ષોનું કહેવું છે કે જાતિગત વસ્તી ગણતરીથી કલ્યાણકારી યોજનાનો અમલ કરવામાં સરળતા રહેશે. સાથે જ જાણકારોનું માનવું છે કે આનાથી અનામતના માળખા પર અસર પડી શકે છે. જાતિગત વસ્તી ગણતરી બાદ ઓબીસી જાતિ અનામતમાં પોતાનો દાવો વધારવાની માંગ કરી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ