Liz Mathew : ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં એક ડગલું આગળ વધાર્યું છે. શાસક ભાજપ વિવિધ રાજકીય પક્ષો, ખાસ કરીને કોંગ્રેસના અનેક નેતાઓને પોતાની પાર્ટીમાં જોડવાની તૈયારીમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ હેતુ પક્ષને મજબૂત બનાવવાનો છે. સાથે જ ભાજપ પોતાના પક્ષમાં આવવા માટે નેતાઓની પસંદગી કરતા વિપક્ષને પણ નબળો પાડવાનો પ્રયાસ કરશે.
ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે ભાજપ એવા વિસ્તારોમાં પક્ષને મજબૂત કરવા માટે નવા પ્રવેશ કરનારાઓનું સ્વાગત કરી રહ્યું છે જ્યાં તે ચૂંટણીલક્ષી અને વૈચારિક રીતે નબળી છે. ચૂંટણી પહેલા આવા ભાગીદારીના કાર્યક્રમોથી સમગ્ર ચૂંટણીનો માહોલ વધુ સારો બનશે. પરંતુ આ વખતે મુખ્ય લક્ષ્ય કોંગ્રેસ હશે અને મુખ્ય પ્રભાવશાળી નેતાઓ બહાર જવાથી આ મુખ્ય ક્ષેત્રોમાં કોંગ્રેસને નબળી પડી જશે.
ભાજપના નેતૃત્વએ નવા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરી લીધી છે. જેને જ્વાઇનિંગ કમિટી કહેવામાં આવે છે. આ સમિતિમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અને મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ સામેલ છે. આ નેતાઓ સંભવિત નેતાઓની તપાસ કરશે અને તેના પર નિર્ણય લેશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓના પ્રમુખ ટીકાકાર રહ્યા છે. સત્તાવાર રીતે નહીં પરંતુ તેમના ભાષણ પરથી લાગી રહ્યું છે કે રાહુલ પોતાને વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે. તેઓ મોદી સામે વિપક્ષના મોટા ચહેરા તરીકે ઉભરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપની વ્યૂહરચના પણ રાહુલ ગાંધીને રાજકીય રીતે નબળા પાડવાની અને તેમની પાર્ટીમાં તેમનો પ્રભાવ ઘટાડવાની રહી છે.
તાજેતરના વર્ષોમાં ભાજપે રાહુલની ટીમમાંથી અનેક યુવા નેતાઓને સામેલ કરી લીધા છે અને તેમને મહત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા છે. આ યાદીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જેઓ હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન છે, યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ઉત્તર પ્રદેશ સરકારમાં જાહેર બાંધકામ મંત્રી જિતિન પ્રસાદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહનો સમાવેશ થાય છે.
સચિન પાયલટ અને મિલિંદ દેવરાને પણ સામેલ કરવાના ભાજપ તરફથી કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં સફળ રહ્યા ન હતા. જોકે દેવરા આખરે ગયા રવિવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા, જે મહારાષ્ટ્રમાં ભાજપનો સાથી પક્ષ છે. કોંગ્રેસની નેતાગીરી પાયલટને જાળવી રાખવામાં સફળ રહી અને તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી બનાવ્યા. ભાજપના એક નેતાએ કહ્યું કે આ નેતાઓની કોંગ્રેસમાંથી બહાર નીકળવાથી હવે રાહુલ ગાંધી પર ખરાબ અસર પડશે. આ તેમની નિષ્ફળતાઓને ઉજાગર કરશે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ કેરળમાં ભાજપના કાર્યકર્તાઓને આપ્યો જીતનો મંત્ર, કહી આવી વાત
પોતાની અગાઉની રણનીતિમાં ભાજપે કોંગ્રેસનાંથી આવેલા ઘણા નેતાને મહત્વની જવાબદારીઓ સોંપી છે. તેમાં કેટલાક વર્તમાન સીએમ – હિમંત બિસ્વા સરમા (આસામ), એન બિરેન સિંહ (મણિપુર) અને પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશ) અને પૂર્વ સીએમ – નારાયણ રાણેનો સમાવેશ થાય છે. અન્ય ઉમેદવારોમાં કેપ્ટન અમરિંદર સિંહ (પંજાબ), વિજય બહુગુણા (ઉત્તરાખંડ), એસ એમ કૃષ્ણા (કર્ણાટક) અને દિગંબર કામત (ગોવા)નો સમાવેશ થાય છે.
એવા સમયે જ્યારે ભાજપ પોતાનો સમર્થન આધાર વધારવા માટે કેરળમાં ખ્રિસ્તીઓને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ સમુદાયના કેટલાક અગ્રણી ચહેરાઓને સામેલ કર્યા છે, જેમાં કે જે આલ્ફોન્સ (જેઓ કેન્દ્રીય મંત્રી બન્યા હતા), ટોમ વડક્કન અને અનિલ એન્ટનીનો સમાવેશ થાય છે. અનિલ એન્ટની કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીના પુત્ર છે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમના નેતાઓ કોંગ્રેસના કેમ્પમાંથી જોડાઈ શકે તેવા અનેક સંભવિત લોકોના સંપર્કમાં છે. જેમાંથી કેટલાક હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનમાં ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. એક બીજેપી નેતાએ કહ્યું કે કેટલાક આ મહિને ભાજપમાં જોડાશે અને કેટલાક ચૂંટણી નજીક આવશે ત્યારે જોડાશે.
નેતાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ વિરોધી પક્ષમાંથી નેતાઓને પસંદ કરવા માટે કોઈ ચોક્કસ માપદંડ નથી. પરંતુ જો કોઈને અંદર લાવવા હોય તો તેના બહાર નીકળવાથી તેના પુરોગામી સંગઠનને નબળું પાડવું જોઈએ અને ભાજપની તરફેણમાં અભિગમ બનાવવો જોઈએ.” ‘
તેમણે અવિભાજિત આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડીનું ઉદાહરણ આપ્યું હતું, જેઓ ગયા વર્ષે ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે રાજ્યમાં તેમનો કોઈ મોટો પ્રભાવ નથી પરંતુ તેઓ રેડ્ડી સમુદાયના અન્ય લોકોને તેમના પગલે ચાલવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.





