opposition meeting in bengaluru : એક તરફ કર્ણાટકના બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાઇ હતી. બીજી તરફ મંગળવારે સાંજે દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની બેઠક ચાલી રહી છે. બંને પક્ષો દ્વારા પોતાની તાકાત સાબિત કરવાના આ પ્રયાસ વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે વિપક્ષ તરફથી વડાપ્રધાન પદનો ચહેરો કોણ હશે?
મોદી સરનેમ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની સજા પર ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળતા કોંગ્રેસના નેતાને લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉભો થાય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી વિરુદ્ધ કોણ ઉમેદવાર હશે? સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ સવાલનો જવાબ માંગવામાં આવ્યો છે, જેના પરિણામો આશ્ચર્યજનક છે.
રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસ સાથે જોડાયેલા મામલામાં રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે દલીલ કરી છે કે તેમની સામે અપરાધિક માનહાનિનો કેસ તેમને પરેશાન કરવા માટે રાજનીતિથી પ્રેરિત પગલું છે. રાહુલ ગાંધીને 2032 પહેલા ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાવાળા મામલામાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) મુજબ કોઈ ગુનામાં દોષિત ઠરેલ અને બે વર્ષની જેલની સજા પામેલ વ્યક્તિ સજાના સમયગાળા દરમિયાન અયોગ્ય જાહેર થાય છે અને તેને વધારાના છ વર્ષ સુધી ચૂંટણી લડવાનો અધિકાર નથી. વિપક્ષી જૂથ માટે રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ચહેરા તરીકે રજૂ કરવામાં કોંગ્રેસની અસમર્થતા પાર્ટીને મૂંઝવણમાં મૂકી રહી છે.
આ પણ વાંચો – વિરોધ પક્ષોના ગઠબંધનનું નામ INDIA રાખવામાં આવ્યું, હવે આગામી બેઠક મહારાષ્ટ્રમાં થશે
રાહુલ ગાંધી નહીં તો વિપક્ષનો પીએમ ચહેરો કોણ?
આનાથી પણ ખરાબ વાત એ છે કે આગામી સમયમાં રાહુલ ગાંધી ભારતના વડાપ્રધાન નહીં બની શકે તે માટે પણ સમાધાન કરવું પડી શકે છે. આ વાત એવા સમયે આવી છે જ્યારે વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી સામે એકજૂથ થઈને મુકાબલો કરવાની રણનીતિ પર મંથન કરી રહ્યું છે. સર્વેના ભાગરૂપે સી વોટરે લોકોને પૂછ્યું હતું કે રાહુલ ગાંધી નહીં તો વિપક્ષના પીએમ ચહેરા તરીકે તેઓ કોને જોવા માગે છે. જોકે સર્વેના પરિણામો વિરોધપક્ષના જવાબો કરતાં વધુ સવાલો ઉભા કરી રહ્યા છે.
ઉદાહરણ તરીકે વિપક્ષી ગઠબંધનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સૌથી આગળ રહી છે. જોકે જ્યારે તેમની અખિલ ભારતીય અપીલની વાત આવે છે ત્યારે સર્વેમાં જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીની ગેરહાજરીમાં માત્ર 10 ટકા ઉત્તરદાતાઓએ મમતાને વડા પ્રધાન પદ માટે સંભવિત દાવેદાર તરીકે જોયા હતા.
અરવિંદ કેજરીવાલ અને નીતિશ કુમારને બરાબર વોટ
એ જ રીતે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી ઝડપથી સૌથી મોટા વિપક્ષી અવાજ તરીકે ઉભરી રહી છે. અરવિંદ કેજરીવાલ મમતાથી એક કદમ ઉપર છે. રાહુલ ગાંધીની ગેરહાજરીમાં 14 ટકા જેટલા ઉત્તરદાતાઓએ સંભવિત પીએમ ચહેરા તરીકેકેજરીવાલને ટેકો આપ્યો છે. બિહારના મુખ્યમંત્રીને પણ 14 ટકા ઉત્તરદાતાઓ દ્વારા પીએમ પદના ચહેરા તરીકે જોવામાં આવે છે. જોકે નીતીશ પોતાને ટોચના પદ માટે સૌથી આગળ રજૂ કરી રહ્યા છે અને કોંગ્રેસ સાથે ભાજપ વિરોધી મોરચો રચવાના પ્રયાસો કરી રહ્યા છે.
સર્વેમાં પ્રિયંકા ગાંધીને મળ્યા સૌથી વધુ વોટ
કોંગ્રેસ માટે રાહતના સમાચાર રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાના રૂપમાં આવ્યા છે, જે વિપક્ષના પીએમ ચહેરા તરીકે શીર્ષ પસંદ તરીકે ઉભરી આવ્યા છે. સી વોટરના સર્વે પ્રમાણે આશ્ચર્યજનક રીતે 33 ટકા લોકો વિપક્ષના પીએમ તરીકે પ્રિયંકા ગાંધીને જોવાનું પસંદ કરશે.
બીજી તરફ બેંગલુરુમાં વિપક્ષની સંયુક્ત બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસને વડાપ્રધાન પદમાં રસ નથી. તેમણે કહ્યું કે મેં એમકે સ્ટાલિનના જન્મદિવસ પર ચેન્નઈમાં પહેલેથી જ કહ્યું હતું કે કોંગ્રેસને સત્તા કે વડા પ્રધાન પદમાં રસ નથી. આ બેઠકમાં અમારો ઇરાદો પોતાના માટે સત્તા મેળવવાનો નથી. તે આપણા બંધારણ, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયના રક્ષણ માટે છે.





