salman khurshid : ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ ગયું છે. સીટોની વહેંચણી અને ગઠબંધનનો આખો મામલો ફાઇનલ થઇ ગયો તો હવે તેના જ વફાદાર નેતાઓને ઝટકો લાગવા લાગ્યો છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદની સીટ સપાના કોટામાં જવાથી તેઓ ઘણા નારાજ છે અને તેમણે આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે તેવા સંકેત પણ આપ્યા છે.
સપા-કોંગ્રેસ ગઠબંધન અને સીટોની વહેંચણીની જાહેરાત બાદ કોંગ્રેસમાં આંતરિક વિદ્રોહ શરૂ થઈ ગયો છે. પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે. સલમાન ખુર્શીદે લખ્યું કે ફર્રુખાબાદ સાથેના મારા સંબંધોમાં કેટલી કસોટીઓનો સામનો કરવો પડશે? સવાલ મારો નથી પણ સવાલ છે આપણા સૌની આવનારી પેઢીઓની જરૂરિયાતોનો. નસીબના નિર્ણયો સામે ક્યારેય ઝૂક્યો નથી. તુટી શકું છું, ઝુકીશ નહીં.
સલમાન ખુર્શીદ લાંબા સમયથી ફર્રુખાબાદ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે
સલમાન ખુર્શીદની નારાજગીની વાત કરીએ તો સપા-કોંગ્રેસ ગઠબંધનના કારણે આ વાત સામે આવી છે. કોંગ્રેસ વચ્ચે થયેલા આ ગઠબંધનમાં કોંગ્રેસને 17 સીટો, સપાને 62 સીટો અને ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદને એક સીટ આપવામાં આવી છે. હવે આમાં ખાસ વાત એ છે કે સલમાન ખુર્શીદની સીટ ફર્રુખાબાદ પણ સપાના ફાળે ગઇ છે. સલમાન ખુર્શીદ લાંબા સમયથી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને આ વખતે પણ લડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સપા-કોંગ્રેસના ગઠબંધનના કારણે તેમને ઝટકો લાગ્યો હતો.
આ પણ વાંચો – આંધ્ર પ્રદેશ : TDP-JSP ગઠબંધન વચ્ચે આ મુદ્દા પર ફસાયો પેંચ, ભાજપ નથી આપી રહ્યું લીલી ઝંડી
સપાના ક્વોટામાં ગઇ બેઠક
સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં તેના 62 સીટોમાંથી અનેક બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે, જેમાં ફર્રુખાબાદ બેઠકનો પણ સમાવેશ થાય છે. સપાએ આ સીટ પરથી ડોક્ટર નવલ કિશોર શાક્યને મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે સલમાન ખુર્શીદ નારાજ થયા છે. સલમાન ખુર્શીદ એટલા નારાજ છે કે એક્સ પર તેમની પોસ્ટથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ પાર્ટીના હાઇકમાન્ડથી બહુ ખુશ નથી.
કોંગ્રેસ કઈ-કઈ બેઠકો પર ચૂંટણી લડશે
કોંગ્રેસને મળેલી લોકસભા સીટોની વાત કરીએ તો તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, ફતેહપુર સીકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયાનો સમાવેશ થાય છે પરંતુ તેની પાસે ફર્રુખાબાદ સીટ નથી અને સલમાન ખુર્શીદ પોતાની પાર્ટીના લોકોથી નારાજ છે કારણ કે તેઓ આ સીટ પર સપાને કેમ સહમત કરી શક્યા નહીં.
સલમાન ખુર્શીદ ગાંધી પરિવારના નજીકના નેતા છે અને યુપીએ સરકાર દરમિયાન દેશના વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમની નારાજગી કોંગ્રેસ પર પણ ભારે પડી શકે છે કારણ કે તેઓ યુપીમાં પાર્ટીનો એક મહત્વપૂર્ણ લઘુમતી ચહેરો પણ છે.





