લોકસભા ચૂંટણી 2024 : ઉત્તર પ્રદેશમાં ભાજપ કાપી શકે છે એક ચતુર્થાંશ સાંસદોની ટિકિટ! કયા આધારે બનાવવામાં આવી રહ્યું છે લિસ્ટ, જાણો

Loksabha Election 2024 : સૂત્રોએ જણાવ્યું કે ભાજપ વિરોધ પક્ષોના ઉમેદવારો તેમજ સામાજિક પરિબળોને ધ્યાનમાં રાખીને પોતાના ઉમેદવારોની પસંદગી કરશે. સાંસદોની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે ભાજપ પોતાના બુથ લેવલના કાર્યકર્તાઓ પાસેથી મળેલા ફીડબેકને ધ્યાનમાં લઇ રહી છે

July 13, 2023 20:10 IST
લોકસભા ચૂંટણી 2024 : ઉત્તર પ્રદેશમાં ભાજપ કાપી શકે છે એક ચતુર્થાંશ સાંસદોની ટિકિટ! કયા આધારે બનાવવામાં આવી રહ્યું છે લિસ્ટ, જાણો
રિપોર્ટ છે કે વિપક્ષની રણનીતિ અને એન્ટી ઈન્કમ્બન્સીને જોતા ભાજપ યુપીમાં એક ચતુર્થાંશથી વધારે સાંસદોની ટિકિટ કાપી શકે છે (Express Photo)

લાલમની વર્મા : લોકસભા ચૂંટણી 2024ને લઈને વિપક્ષ તરફથી એકતાની વાત કરવામાં આવી રહી છે. વિપક્ષી દળો પોતાની આગળની રણનીતિ માટે બેંગલુરુમાં ભેગા થવાના છે. લોકસભા ચૂંટણીની દ્રષ્ટિએ દેશના સૌથી મહત્વના રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિપક્ષની રણનીતિ શું હશે તે અંગે પણ તમામની નજર બેંગલુરુમાં વિપક્ષની બેઠક પર રહેશે. હવે રિપોર્ટ છે કે વિપક્ષની રણનીતિ અને એન્ટી ઈન્કમ્બન્સીને જોતા ભાજપ યુપીમાં એક ચતુર્થાંશથી વધારે સાંસદોની ટિકિટ કાપી શકે છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ સાંસદોમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ છે. ભાજપના આ સાંસદોમાંથી મોટાભાગના યુપી પશ્ચિમ અને યુપી પૂર્વના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારનું આયોજન કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જે નેતાઓ 75 વર્ષની વયમર્યાદા વટાવી ચૂક્યા છે અથવા જે સાંસદો જનતા અને પક્ષના કાર્યકરોથી દૂર છે અને તેમના વિસ્તારોમાં પ્રભાવશાળી નથી તેમને આ વખતે નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

આ ઉપરાંત એવા નેતાઓની ટિકિટ પણ કપાઈ શકે છે જેમણે 2019માં ભલે મોટા ચહેરાઓને હરાવ્યા હોય પરંતુ વિવાદોને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આવા સાંસદોની યાદી બની ચૂકી છે અને ઉમેદવારોની પસંદગી પહેલા આ યાદી પાર્ટી નેતૃત્વને સોંપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આ સિવાય યોગી સરકારના તે ધારાસભ્યો અને મંત્રીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેમને સામાજિક સંતુલન માટે લોકસભાની ટિકિટ માટે વિચારણા કરી શકાય છે.

કેન્દ્રીય મંત્રીઓને પણ લાગી શકે છે ઝટકો

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ઘણા સાંસદો કે જેઓ હાલમાં મંત્રી છે તેમને ટિકિટથી વંચિત રાખવામાં આવી શકે છે પરંતુ બાદમાં તેમાંથી કેટલાકને રાજ્યસભા દ્વારા સંસદમાં લઈ જવામાં આવી શકે છે. હાલમાં યુપીના 11 સાંસદો મોદી કેબિનેટનો ભાગ છે – લખનઉથી રાજનાથ સિંહ, અમેઠીથી સ્મૃતિ ઇરાની, ચંદૌલીથી મહેન્દ્ર નાથ પાંડે, ગાઝિયાબાદથી વી કે સિંહ, ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ, મુઝફ્ફરનગરથી સંજીવ કુમાર બાલિયાન, મહારાજગંજથી પંકજ ચૌધરી, આગ્રાથી એસપી સિંહ બઘેલ, જાલૌનથી ભાનુ પ્રતાપ સિંહ વર્મા , મોહનલાલગંજથી કૌશલ કિશોર અને ખીરીથી અજય કુમાર મિશ્રા ટેની સામેલ છે.

આ પણ વાંચો – નીતિશ કુમારને ચારેય બાજુથી ઘેરવાનો પ્લાન બનાવી રહ્યું છે ભાજપ, અમિત શાહે આ નેતા સાથે મુલાકાત કરી

સૂત્રોએ જણાવ્યું કે ભાજપ વિરોધ પક્ષોના ઉમેદવારો તેમજ સામાજિક પરિબળોને ધ્યાનમાં રાખીને પોતાના ઉમેદવારોની પસંદગી કરશે. સાંસદોની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે ભાજપ પોતાના બુથ લેવલના કાર્યકર્તાઓ પાસેથી મળેલા ફીડબેકને ધ્યાનમાં લઇ રહી છે. આ ફીડબેકમાં પાર્ટીના કાર્યક્રમોમાં સાંસદોની ભાગીદારી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

એક પ્રમુખ કાર્યક્રમ જેમાં ભાજપના સાંસદોની ભાગીદારી જોવામાં આવી રહી છે, તે જૂન મહિનાથી ચાલી રહેલું મહા જનસંપર્ક અભિયાન છે. આ અભિયાન અંતર્ગત ભાજપના નેતાઓને લોકો પાસે જઈને મોદી સરકારની યોજનાઓ વિશે વાત કરવાની સૂચના આપવામાં આવી હતી.

ભાજપના એક નેતાએ કહ્યું કે દરેક સાંસદ પર ખૂબ નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તે પણ જોવામાં આવી રહ્યું છે કે તેઓએ તેમના એમપીએલએડી ભંડોળનો કેટલો ઉપયોગ કર્યો છે અને શેના માટે ઉપયોગ કર્યો છે. એવા અહેવાલો છે કે કેટલાક સાંસદોને પાર્ટીની મતદારોની પહોંચ પ્રવૃત્તિઓમાં રસ નથી અને તેમની રેલીઓમાં ઓછી ભીડ હોય છે.

તેમણે કહ્યું કે ભાજપે માત્ર પીએમ નરેન્દ્ર મોદીના નામના આધારે જીત મેળવવાના પોતાના આત્મવિશ્વાસને લઇને બીજેપીએ કોઇ ખાસ વિચાર કર્યો નથી. પાર્ટી કોઈ ચાન્સ લેવા માંગતી નથી અને તેથી જ તે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટરને ઘટાડવા અને મતદારોને નવી આશા આપવા માટે નવા ચહેરાઓની પસંદગી કરી શકે છે.

2019માં ભાજપે 62 બેઠકો જીતી હતી

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે યુપીમાં 80માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપના સાથી પક્ષ અપના દળ (એસ)ને 2 બેઠકો મળી હતી. રાજ્યમાં બીજેપી સામે એકજુટ થઇને લડેલા સપા-બસપા ગઠબંધને 15 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસ પાર્ટી માત્ર રાયબરેલી બેઠક પર જ જીત મેળવી શકી હતી. અમેઠીથી રાહુલ ગાંધી હારી ગયા હતા.

ગઠબંધનને લઇને પણ ચાલી રહી છે ચર્ચા

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ ઓમ પ્રકાશ રાજભરની પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. આવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. નિષાદ પાર્ટીને પણ બેઠકો આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાજપે યુપી પશ્ચિમમાં જયંત ચૌધરીની પાર્ટી માટે પણ દરવાજા બંધ કર્યા નથી. પાર્ટીના એક નેતાએ કહ્યું કે જો જયંત ચૌધરી સાથે ગઠબંધન થાય છે તો યુપી પશ્ચિમમાં તે પોતાના કેટલાક જાટ સાંસદોના સ્થાને અન્ય જાતિના ઉમેદવારો ઉતારી શકે છે. પાર્ટીનું માનવું છે કે આરએલડી સાથે આવશે તો તેમને જાટ સમુદાયનું સંપૂર્ણપણે સમર્થન મળશે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ