લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાનો હવે સમય આવી ગયો છે, માત્ર થોડા દિવસો બાકી છે. આ દરમિયાન પીએમ મોદી પોતાના કામમાં ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે. વડાપ્રધાને બુધવારે કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં તેમણે પોતાના તમામ મંત્રીઓને આગામી 100 દિવસ માટે એક એક્શન પ્લાન અને પાંચ વર્ષનો રોડમેપ આપવાનું પણ કહ્યું છે. મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું કે, કોણ મંત્રી બનશે કે નહીં, તે વિશે વધુ વિચારશો નહીં અને દરેકે પોતાનો રોડમેપ આપવો જોઈએ.
પીએમ મોદીએ આપેલી સૂચનાઓ ગયા અઠવાડિયે બીજેપીના રાષ્ટ્રીય સંમેલનમાં તેમણે જે કહ્યું હતું તેને પુનરાવર્તિત કરે છે. અહીં તેમણે કહ્યું હતું કે, પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ 100 દિવસમાં તમામ મતદારો સાથે જોડાઈ જવું જોઈએ. તેમણે પોતાના કાર્યકર્તાઓને પણ અપીલ કરી હતી કે, સત્તામાં પાછા ફરવા માટે મતદારોમાં આત્મવિશ્વાસ વધારવો જોઈએ. જેમાં પીએમએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ત્રીજો કાર્યકાળ પણ દેશની સેવા માટે જ રહેશે.
મંત્રી પરિષદની આગામી બેઠક
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, તૈયારીઓને વધુ મજબૂત કરવા માટે, પીએમ મોદી 3 માર્ચે કેન્દ્રીય મંત્રી પરિષદની બીજી બેઠક બોલાવશે. આ બેઠક ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની સંભવિત તારીખોની જાહેરાત પહેલા થશે. હાલમાં ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયા માટે ઘણા રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યું છે. આગામી મહિને ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો – મતદાન વખતે આંગળી પર લગાવવામાં આવતી શાહી ક્યાંથી આવે છે? ઈલેક્શન ઈંક રસપ્રદ ઈતિહાસ
બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં શેરડીની ખરીદીના ભાવમાં આઠ ટકાનો વધારો મંજૂર કરાયો હતો. તો, શેરડીની ખરીદીનો ભાવ 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો હતો. શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો થયો છે.





