Mohan Yadav Cabinet : મધ્ય પ્રદેશમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને નવા 28 મંત્રીઓએ આજે શપથ લીધા છે. આ દરમિયાન ભાજપના નેતા અને ગ્વાલિયરથી ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ તોમરે પણ શપથ લીધા હતા. તેમને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના માનવામાં આવે છે. આજે શપથ લેતા પહેલા તેઓ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ઉષ્માભેર મુલાકાત કરતા જોવા મળ્યા હતા. સીએમ મોહન યાદવ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા હતા. આ સમય દરમિયાનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. તસવીરોમાં ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ તોમર જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ ઝૂકીને પ્રણામ કરતા જોઇ શકાય છે. 28 મંત્રીઓમાંથી 12 ઓબીસી, 7 જનરલ, 5 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી 4 મંત્રી બનાવ્યા છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા
ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ તોમર જ્યોતિરાદિત્ય સિંધિયાના વફાદાર છે અને તે 22 કોંગ્રેસ ધારાસભ્યોમાં સામેલ હતા, જેમણે 2020માં કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. જે પછી કમલનાથ સરકાર પડી ભાંગી હતી. તોમર ઉપરાંત સંપતિયા ઉઇકે, તુલસીરામ સિલાવટ, એદલસિંહ કંસાના, ગોવિંદસિંહ રાજપૂત, વિશ્વાસ સારંગ, કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે છ નેતાઓએ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને ચાર નેતાઓએ રાજ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા.
આ નેતાઓના નામ સામેલ
મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રીઓ તરીકે વિજય શાહ, કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ સિંહ પટેલ, રાકેશ સિંહ, કરણ સિંહ વર્મા, રાવ ઉદય પ્રતાપ સિંહ, પ્રદ્યુમન સિંહ તોમર, તુલસી સિલાવટ, એંદલ સિંહ કસાના, નારાયણ સિંહ કુશવાહા, સંપતિયા ઉઈકે, ઉદય પ્રતાપ સિંહ, નિર્મલા ભૂરિયા, વિશ્વાસ સારંગ, ગોવિંદ સિંહ રાજપૂત, ઈન્દર સિંહ પરમાર, નાગર સિંહ ચૌહાણ, ચૈતન્ય કશ્યપ અને રાકેશ શુક્લાએ શપથ લીધા છે.
આ પણ વાંચો – રામ મંદિર : ‘સબકે રામ’થી લઈને ‘અક્ષત’ સુધી, જાણો કેવી રીતે આરએસએસ લોકસભા માટે ભાજપની પિચ તૈયાર કરી રહ્યું છે
કૃષ્ણા ગૌર, ધર્મેન્દ્ર લોધી, દિલીપ જાયસ્વાલ, ગૌતમ ટેટવાલ, લખન પટેલ અને નારાયણ પવારે રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે, જ્યારે રાધા સિંહ, પ્રતિમા બાગરી, દિલીપ અહિરવાર અને નરેન્દ્ર શિવાજી પટેલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
આ પહેલા ભાજપ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાઓ વચ્ચે મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક તબક્કાની બેઠકો યોજાઈ હતી. પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે તેઓ એક કાર્યકર્તા તરીકે કામ કરશે અને કેબિનેટમાં શામેલ નામોનો નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લેવામાં આવ્યો છે.





