Madhya Pradesh Assembly Election 2023 : મધ્ય પ્રદેશની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પણ વધુ ઝડપી બનતો જાય છે. હવે આ ચૂંટણી માત્ર વિધાનસભાના દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધન માટે 2024ની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. આ સમયે સપા પ્રમુખ અખિલેશ યાદવ કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. તેના પર એ રીતે નિશાન સાધવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં ઇન્ડિયા ગઠબંધન માટે પણ સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
અખિલેશ યાદવે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
અખિલેશ યાદવ રવિવારે ટીકમગઢમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે રેલીમાં તેમણે કોંગ્રેસને ચાલુ ગણાવી હતી અને ત્યાં સુધી કહ્યું કે પાર્ટી દગો આપી રહી છે. તેમણે કહ્યું કે મને ખબર છે કે તમને અહીંયા રાશન મળતું નથી. જ્યારે રાશન નથી તો ભાજપને મત શા માટે આપો છો? હું કહીશ કે કોંગ્રેસને પણ મત ન આપો, તે ખૂબ જ ચાલુ પાર્ટી છે. તમે કોંગ્રેસથી સાવચેત રહેશો કે નહીં?
આ પણ વાંચો – પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું – પુત્રને સેટ કરવામાં મધ્ય પ્રદેશને અપસેટ કરવામાં લાગ્યા છે
જાતિગત જનગણના પર કોંગ્રેસની પોલ ખોલી?
રેલીમાં અખિલેશે જાતિગત વસ્તી ગણતરીને લઈને પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ માત્ર મતોને કારણે જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી રહી છે. હાલના સમયે તે મત ભાજપને મળી રહ્યા હોવાથી તેને પાછા મેળવવા માટે જાતિ ગણતરીની માંગ થઇ રહી છે. સપા તો હંમેશાં આ સમાજના હક માટે ઉભી રહી છે. અખિલેશને કોંગ્રેસ પર એમ જ ગુસ્સો આવ્યો નથી. એમપીની રાજનીતિમાં થોડા દિવસ પહેલા એક ખેલ થયો હતો જેના કારણે સપાને છેતરાયાની લાગણી થઈ હતી.
અખિલેશ કેમ કોંગ્રેસ પર કરી રહ્યા છે પ્રહાર?
આ પહેલા સપા કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા જઈ રહી હતી. બેઠકોની વહેંચણીની અનેક મિટિંગો પણ એક સાથે થઈ હતી, સપાને આશા હતી કે કોંગ્રેસ કેટલીક બેઠકો આપશે પરંતુ જ્યારે યાદી બહાર આવી ત્યારે સપાને એક પણ જગ્યાએ ટિકિટ આપવામાં આવી ન હતી. જેના કારણે વિવાદ વધ્યો હતો અને અખિલેશ યાદવે કોંગ્રેસ પર નિશાન સાધવાનું શરૂ કર્યું હતું.





