MP Elections ABP-Cvoter opinion poll : મધ્યપ્રદેશ વિધાનસભાઃ મધ્યપ્રદેશમાં વર્ષ 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં લગભગ પાંચ મહિના બાકી છે. ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં જીત મેળવવી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભાજપ ફરી એકવાર સત્તામાં પાછા ફરવા માંગે છે જ્યારે 15 વર્ષ બાદ માત્ર દોઢ વર્ષ રાજ્યમાં શાસન કરનાર કોંગ્રેસ આ વખતની ચૂંટણી જીતવા માટે એક પણ તક છોડવા માંગતી નથી.
રાજકીય રસાકસી વચ્ચે ABP-CVoterએ મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને જનમાનસની નાડ પાખરવાનો પ્રયાસ કર્યો છે. ઓપિનિયન પોલની મદદથી એ નક્કી કરવામાં આવ્યું છે કે 2023ની ચૂંટણીમાં જનતા કોની સાથે જવા માંગે છે. 230 સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભામાં સત્તા માટે કાંટેકી ટક્કરની સાથે ત્રિશંકુ વિધાનસભા બને તો નવાઈ નહીં.
ABP-CVoter સર્વે શું કહે છે
ABP-CVoterના સર્વે મુજબ મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી 2023માં ભાજપને 106 થી 118 બેઠકો મળવાની સંભાવના છે, તો 108 થી 120 બેઠકો કોંગ્રેસ હાંસલ કરી શકે છે. જો બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) આ વર્ષે મધ્યપ્રદેશમાં પોતાનું ખાતું ખોલવામાં સફળ રહે છે, તો તેને 1 થી 4 સીટો મળી શકે છે. આ સર્વેમાં મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટ શેરની દ્રષ્ટિએ નજીકની સ્પર્ધા હોવાનું પણ બહાર આવ્યું છે, જેમાં બંને પક્ષોને કુલ મતના 44 ટકા મત મળવાની ધારણા છે.
2018ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 109 બેઠકો જીતી હતી અને જાદુઈ આંકથી સાત ઓછી પડી હતી. બીજી તરફ કોંગ્રેસ 114 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જે બહુમતથી માત્ર બે બેઠક ઓછી છે.
સિંધિયાના બળવાથી પડી ભાંગી કમલનાથની સરકાર
ચૂંટણીમાં બહુમતી હાંસલ કરવામાં નિષ્ફળ રહેવા છતાં કોંગ્રેસ 15 વર્ષ બાદ મધ્યપ્રદેશમાં સત્તા હાંસલ કરવામાં સફળ રહી અને કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. જો કે માત્ર એક વર્ષથી થોડાક વધારે સમય બાદ કમલનાથના જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાનો સામનો કરવો પડ્યો, જે તેમના સમર્થનમાં 22 ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઇ ગયા. સિંધિયાના આ બળવાથી મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પડી ભાંગી અને ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાણ ફરી મુખ્યમંત્રી બન્યા.
આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણી : ગુજરાતની 3 સહિત 10 બેઠકો પર 24 જુલાઈએ ચૂંટણી યોજાશે
તો બીજી બાજુ, કોંગ્રેસે ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં સત્તા પર પાછા ફરવાની કસમ ખાઇ છે. આ વખતે પણ વિરોધ પક્ષોની એકતા જોવી રસપ્રદ રહેશે. સાથે જ કોંગ્રેસ અને ભાજપ સામે આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી પણ ચૂંટણી લડશે. જો કે, ત્રણેય વિપક્ષી દળો બિહારના સીએમ નીતિશ કુમાર દ્વારા પ્રસ્તાવિત 2024ની લોકસભા ચૂંટણી માટે એક સંયુક્ત વિરોધ મંચ સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.





