Madhya Pradesh Elections 2023 : મધ્ય પ્રદેશના રાજકારણમાં નેતાઓની ભૂમિકા હોય છે, પાર્ટીઓનું વર્ચસ્વ હોય છે અને જનતાનો જનાદેશ દર પાંચ વર્ષે સરકાર બનાવવાનું કામ કરે છે. પરંતુ આ તમામ ભૂમિકાઓ વચ્ચે મધ્ય પ્રદેશની ધરતી પર ‘બાબા’ પોલિટિક્સનો પોતાનો એક અલગ ખેલ હોય છે. સરકાર ગમે તે હોય, પણ કથાકારો અને બાબાઓની સક્રિયતા અટકતી નથી કે તેમના વગર કોઈ નેતાની રાજનીતિ પૂર્ણ માનવામાં આવતી નથી.
મધ્ય પ્રદેશ હિન્દુ બહુમતી ધરાવતું રાજ્ય છે જ્યાં દર વખતે ધર્મની રાજનીતિ વેગ પકડે છે. તે ધર્મ સાથે બાબાઓનો મજબૂત સંબંધ છે. રાજકારણમાં આમ પણ માહોલ બનવો વધારે જરૂરી માનવામાં આવે છે. આ ધર્મગુરુઓ કે બાબાઓ આ જ પ્રકારનો માહોલ ઊભો કરવામાં પોતાની ભૂમિકા ભજવે છે. ચૂંટણીની મોસમમાં આ બાબાઓથી કોને ફાયદો થાય છે તે અંગે અલગથી ચર્ચા થાય છે, પરંતુ એવું જોવામાં આવ્યું છે કે દરેક પક્ષ અને દરેક નેતા પણ તે કથાકારો પાસે જાય છે, તેમના કાર્યક્રમોનું આયોજન કરે છે અને દર વખતે ધાર્મિક ધ્રુવીકરણનો પ્રયાસ જોવા મળે છે.
હાલ મધ્ય પ્રદેશની ચૂંટણી માટે પ્રચાર છે જોરશોરથી ચાલી રહ્યો છે. ઘણા બાબાઓ જમીન પર સક્રિય થઇ ગયા છે. આ લિસ્ટમાં બાગેશ્વર ધામ એટલે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રદીપ મિશ્રા, પંડોખર સરકાર, જયા કિશોરી જેવા કથા વાચકના નામ સામેલ છે. મોટી વાત એ છે કે આ બાબાઓ કોઇ એક પક્ષ સાથે સંકળાયેલા નથી, પરંતુ તેમની રાજનીતિ અનુકૂળતા પ્રમાણે બદલાતી રહે છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને મળશે કેટલી બેઠકો? રાહુલ ગાંધીએ કરી આ ભવિષ્યવાણી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છિંદવાડામાં કમલનાથના કહેવાથી પોતાની કથાનું આયોજન કર્યું હતું. આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણથી લઇ ભાજપના અન્ય નેતાઓએ પણ આશીર્વાદ લેવા ગયા હતા. એટલું કહેવું પૂરતું છે કે જ્યારે બાબાઓની વાત આવે છે ત્યારે દરેક પક્ષ તેમની વિચારધારાથી ઉપર ઉઠીને તેમને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશના રાજકારણમાં હાલ કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વની રણનીતિને સંપૂર્ણપણે વળગી રહી છે. તે કોઈ પણ ભોગે પોતાને હિન્દુ વિરોધી કે મુસ્લિમ તુષ્ટિકરણ પક્ષ તરીકે રજૂ કરવા માંગતી નથી. આ કારણે માત્ર ભાજપ જ નહીં કોંગ્રેસ પણ આ તમામ બાબાઓના કાર્યક્રમોનું સતત આયોજન કરી રહી છે. કમલનાથ ઉપરાંત મહૂમાં કોંગ્રેસના જીતુ ઠાકુરે પણ જયા કિશોરીને એક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું. આવી સ્થિતિમાં ભાજપ આ વિભાગની રેસમાં એકલું દોડતું હોય તેવું લાગતું નથી, કોંગ્રેસ પણ તેને પાછળ છોડી દેવાની તાકાત બતાવી રહી છે.





