New Chief Minister : પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ બે રાજ્યો તેલંગાણા અને મિઝોરમના સીએમ નક્કી થઈ ગયા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી કોણ હશે. ભાજપ હાઈકમાન્ડ હજુ પણ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના સીએમ પદ માટે મંથન કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ભાજપ ત્રણ રાજ્યોમાં લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા માંગે છે. મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આ વિષય પર સાડા ચાર કલાક સુધી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી ચીફ જેપી નડ્ડા પણ હાજર હતા.
સમાચાર એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે, ભાજપ ત્રણેય રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે.
તમને જણાવી દઈએ કે, ત્રણ રાજ્યો એમપી, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. શિવરાજ, વસુંધરા અને રમણ સિંહ અહીં સીએમ રહી ચૂક્યા છે. આ રાજ્યોમાં સીએમ ચહેરાની પસંદગી માટે અમિત શાહ અને જેપી નડ્ડાએ ત્યાંના પ્રભારીઓ પાસેથી ફીડબેક પણ લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ નેતૃત્વ ટૂંક સમયમાં આ ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂક કરી શકે છે. આ નિરીક્ષકો તમામ નવા ધારાસભ્યો સાથે બેઠક કરશે.
પૂર્વ મુખ્યમંત્રીઓ સિવાય કોણ છે રેસમાં?
શિવરાજ ઉપરાંત એમપીમાં પ્રહલાદ પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર અને કૈલાશ વિજયવર્ગીયના નામ પર અટકળોનું બજાર ગરમ છે. રાજસ્થાનમાં વસુંધરા ઉપરાંત ઓમ બિરલા, ગજેન્દ્ર શેખાવત, અર્જુન રામ મેઘવાલ, સીપી જોશી, દિયા કુમારી અને બાલકનાથના નામની ચર્ચા થઈ રહી છે. છત્તીસગઢમાં રમણ સિંહ ઉપરાંત અરુણ કુમાર સાઈ, ધરમલાલ કૌશિક, પૂર્વ આઈએએસ ઓફિસર ઓપી ચૌધરી સીએમની રેસમાં માનવામાં આવે છે. જોકે, સીએમ કોણ હશે તે અંગે સ્પષ્ટપણે કશું કહી શકાય તેમ નથી કારણ કે, ભાજપની નેતાગીરી તેના આશ્ચર્ય માટે જાણીતી નથી.





