દારૂ પીને વાહન ચલાવનારની હવે ખેર નહીં. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં પોલીસ હવે દારૂ પીને વાહન ચલાવતા ડ્રાઈવરો પર ચાંપતી નજર રાખી રહી છે. દારૂ પીને વાહન ચલાવનારને સબક શીખવવા માટે મધ્યપ્રદેશની ભોપાલ પોલીસે નવી રણનીતિ બનાવી છે. જેમાં દારૂને વાહન ચલાવનારે પોલીસ સમક્ષ કેટવોક કરવું પડશે. ભોપાલ પોલીસે નિર્ણય લીધો છે કે નશામાં ધૂત વાહન ચાલકોએ રસ્તા પર દોરેલી દસ ફૂટ લાંબી સફેદ લાઇન પર કેટવોક કરવું પડશે. આના પરથી ખબર પડશે કે પોલીસના હાથે ઝડપાયેલો વ્યક્તિ દારૂના નશામાં કેટલી હદે વાહન ચલાવે છે.
પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કરે રાજધાની ભોપાલ શહેરના સ્ટેશન હાઉસ અધિકારીઓને સૂચના આપી છે કે હવેથી પોલીસ ચેકિંગ પોઈન્ટ પર જ દારૂ પીનારાઓનું ફિઝિકલ ચેકિંગ કરાશે. કમિશનરની સૂચનાથી ચેકિંગ પોઈન્ટ પર રોડની બાજુ પર દસ ફૂટ લાંબી સફેદ રંગની લાઈન દોરવામાં આવશે. દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતા પકડાયેલ વ્યક્તિએ લથડ્યા ખાધા વગર દોરેલી 10 ફુટ લાઇન પર ચાલવું પડશે. આ દરમિયાન જો પગ લથડાયા, તો તેનો મતલબ એ કે તમે દારૂ પીધો છે. જો તમે લથડ્યા ખાધા વગર વ્યવસ્થિત રીતે ચાલી ગયા તો તો તમને પોલીસ તરફથી ક્લીનચીટ મળશે. ત્યારબાદ પણ જો પોલીસને શંકા જાય તો સ્થળ પર જ બ્રેથ એનાલાઈઝર વડે વાહન ચાલકનું ટેસ્ટીંગ કરવામાં આવશે.
મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી ઉમા ભારતીની સતત ચેતવણીઓ પછી, 19 ફેબ્રુઆરી, 2023ના રોજ મધ્યપ્રદેશની કેબિનેટ બેઠકમાં લિકર પોલિસીને લઈને મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંત્રીમંડળના નિર્ણય અનુસાર મધ્યપ્રદેશમાં ધાર્મિક સ્થળો, હોસ્ટેલ, શૈક્ષણિક સંસ્થાઓથી દારૂની દુકાનો 50 મીટરના બદલે 100 મીટર જેટલી દૂર રાખવાની સૂચના પણ આપવામાં આવી હતી.
2010 પછી મધ્યપ્રદેશમાં દારૂની એક પણ નવી દુકાન નથી ખોલીઃ નરોત્તમ મિશ્રા
માહિતી આપતાં રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, મંત્રીમંડળની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લિકર પોલિસીને નિરુત્સાહજનક બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે 2010થી મધ્યપ્રદેશમાં કોઈ નવી દારૂની દુકાન ખોલવામાં આવી નથી. આ ઉપરાંત નર્મદા સેવા યાત્રા દરમિયાન 64 દુકાનો બંધ કરાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે હવે મધ્યપ્રદેશમાં માત્ર દારૂની દુકાનો પર જ વેચાણ થઈ શકશે. દુકાનો પર બેસીને દારૂ પીરસવાની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે. તમામ દારૂની દુકાનો બંધ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.