Husbands wife property case in Madras high court : પતિની સંપત્તિ- માલ મિલકતમાં પત્નીનો સમાન અધિકાર છે. મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, પતિ ઓફિસ ગયા પછી પત્ની આખા ઘરનું ધ્યાન રાખે છે. સમગ્ર પરિવારની સંભાળ રાખે છે. આપણે તેના કામને ઓછો આંકી શકીએ નહીં. તે પતિની 8 કલાકની નોકરી સમાન છે.
જસ્ટિસ કૃષ્ણન રામાસામીએ એક મિલકતના કેસમાં આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. જો કે, મૂળ અરજદાર મૃત્યુ પામ્યો છે. આ વ્યક્તિએ મિલકતની માલિકીનો દાવો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની લગ્નેતર સંબંધમાં સામેલ છે. પછી તે વ્યક્તિના મૃત્યુ બાદ તેના બાળકોને આ કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશે કહ્યું કે મહિલા બાળકોની સંભાળ રાખવા, રસોઈ બનાવવા જેવા કામ કરીને પરિવાર ચલાવતી હતી.
હાઈકોર્ટે કહ્યું કે પ્રતિવાદી મહિલાએ તેના પતિની દરેક સુવિધાનું ધ્યાન રાખ્યું, જેના કારણે તે કામ માટે વિદેશ જઈ શક્યો. આ ઉપરાંત તે મહિલાએ તેના સપનાનું બલિદાન આપ્યું અને તેણીનું સમગ્ર જીવન કુટુંબ અને બાળકો માટે સમર્પિત કર્યું. કોર્ટે કહ્યું કે, જ્યારે પત્ની પોતાની જવાબદારી નિભાવે છે ત્યારે પતિને તેનું કામ કરવાની સુવિધા મળે છે. તેથી તેણી તેના નફામાં હિસ્સો મેળવવા માટે હકદાર છે.
ન્યાયાધીશે કહ્યું કે, મહિલા એક ગૃહિણી હોવાને કારણે ઘણા પ્રકારની કામગીરી કરે છે. આ કોઇ સામાન્ય કાર્ય નથી. તે કોઈપણ રજા વગર 24 કલાક કામ કરે છે, જેની તુલના તેના કમાઉ પતિની નોકરી સાથે કરી શકાય નહીં જે ફક્ત આઠ કલાક કામ કરે છે.
અદાલતે કહ્યુ કે, પતિ અને પત્નીને પરિવાર રૂપી ગાડીના બે પૈડાં માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પત્ની પતિની કમાણીમાં બરાબરની હકદાર છે. કોર્ટે જણાવ્યું કે, આ કેસમાં જો પત્ની ન હોત તો ચોક્કસપણે તેનો પતિ વિદેશ જઇ શક્યો ન હોત અને કમાણી કરી શક્યો ન હોત. ન્યાયાધીશે અમુક સ્થાવર સંપત્તિમાં બંનેનો સમાન હિસ્સો હોવાનો ચુકાદો આપ્યો છે.