ટાટા-એરબસનો એરક્રાફ્ટ પ્રોજક્ટ મહારાષ્ટ્રમાંથી પડોશી રાજ્ય ગુજરાતમાં ખસેડવામાં આવતા રાજકીય માહોલ ફરી ગરમાયો છે. મહારાષ્ટ્રે છેલ્લા ત્રણ મહિનામાં આશરે કુલ 1.80 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ વાળા ચાર મોટા પ્રોજેક્ટ ગુમાવ્યા છે. પરિણામે મહારાષ્ટ્રે આ પ્રોજેક્ટ્સ મારફતે રાજ્યમાં 1 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરવાની તક ગુમાવી દીધી છે.
જેમાં તાજેતરમાં ગુરુવારે થયેલી જાહેરાતથી મહારાષ્ટ્રને મોટો ફટકો લાગ્યો છે. જેમાં ટાટા-એરબસ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જેની પાછળ 22,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું તે મહારાષ્ટ્રના બદલે હવે ગુજરાતના વડોદરામાં સ્થાપવામાં આવશે. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંત તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ પ્રોજેક્ટને નાગપુરના મિહાનમાં ખેંચી લાવવાની પ્રબળ આશા રાખી રહ્યા હતા અને આ પ્રોજેક્ટથી રાજ્યમાં લગભગ 6,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે તેવી અપેક્ષા હતી. જો કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ખસેડવામાં આવતા તમામ આશા-અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.
મહારાષ્ટ્રમાંથી અન્ય રાજ્યોમાં જતા રહેલા પ્રોજેક્ટોની વાત કરીયે તો તેમાં વેદાંત-ફોક્સકોન કંપનીનો પ્રોજેક્ટ પણ સામેલ છે. આશરે 1.54 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે મહારાષ્ટ્ર રાજ્યના તાલેગાંવ ઔદ્યોગિક વિસ્તારમાં સેમિકન્ડક્ટર ફેબ યુનિટની સ્થાપના થવાની હતી જેના માટે સ્થળ પણ નક્કી થઇ ગયુ હતું. જો કે કોઇ કારણસર કંપનીએ સપ્ટેમ્બરમાં આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતના ધોલેરા ખાતે સ્થાપવાનુ નક્કી કર્યું. એક પ્રાથમિક મુજબ આ પ્રોજેક્ટ અને સંલગ્ન નાના ઉદ્યોગો મારફતે રાજ્યમાં લગભગ 1 લાખ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા હતી.
મહારાષ્ટ્ર બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટ માટેના મુખ્ય દાવેદારો પૈકીનું એક હતું, જે અંદાજે રૂ. 3,000 કરોડનો છે અને લગભગ 50,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા હતી. મહારાષ્ટ્ર દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં રોહા અને મુરુડ તાલુકાઓ પર ભાર આપી રહ્યું હતું અને આ બે તાલુકાઓમાં 5,000 એકર જમીન પણ ફાળવી હતી. જો કે, 1 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકારે બલ્ક ડ્રગ પાર્કના પ્રમોશન માટેની યોજના હેઠળ હિમાચલ પ્રદેશ, ગુજરાત અને આંધ્ર પ્રદેશની દરખાસ્તોને ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી હતી – જે બલ્ક ડ્રગ્સ ઉત્પાદન ઉદ્યોગને ટેકો આપવા માટેની મુખ્ય પહેલ છે.
આવી જ રીતે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં કેન્દ્ર સરકારે ઔરંગાબાદના ઓરિક શહેરમાં 424 કરોડ રૂપિયાના મેડિકલ ડિવાઇસ પાર્ક પ્રોજેક્ટ સ્થાપવાની મહારાષ્ટ્ર સરકારની દરખાસ્તને ફગાવી દીધી હતી, તેના બદલે તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશની દરખાસ્તોને મંજૂરી આપી હતી. જો કે અગાઉની મહા વિકાસ આઘાડી (MVA) સરકારે ઓક્ટોબર 2020માં વિશેષ પ્રોત્સાહનો સાથે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ત્યારે સરકારે 3,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે તેવો અંદાજ મૂક્યો હતો.