Maharashtra Political Crisis : મહારાષ્ટ્રમાં એનસીપીમાં ચાલી રહેલા રાજનીતિક સંકટમાં એક નવો ઘટનાક્રમ સામે આવ્યો છે. અજિત પવાર જૂથે દાવો કર્યો છે કે અજિત પવારે શરદ પવારને એનસીપીના પ્રમુખ પદેથી હટાવી દીધા છે અને પોતે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. જૂથે દાવો કર્યો છે કે 30 જૂને મુંબઇમાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી હતી. જેમાં આ બાબતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠક પ્રફુલ પટેલે બોલાવી હતી. જેમાં શરદ પવારને એનસીપીના પ્રમુખ પદેથી હટાવીને અજીત પવારને અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અજિત જૂથે એવો દાવો પણ કર્યો હતો કે આ બેઠકમાં 31 ધારાસભ્યો હાજર હતા. ચાર એમએલસી પણ હતા. બીજી તરફ શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખે કહ્યું કે 83 વર્ષીય સિંહ હજુ પણ જીવતો છે. તેઓ હજુ પણ સિંહની જેમ લડી રહ્યા છે.
આ પહેલા એનસીપીમાં બળવાના ચોથા દિવસે બુધવારે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથની અલગ-અલગ બેઠક મળી હતી. આ દરમિયાન અજિત પવારે શરદ પવારને વધી રહેલી ઉંમરનો હવાલો આપીને પાર્ટીની કમાન સોંપવાની માંગણી કરી હતી. અજિત પવારે ચૂંટણી પંચને પત્ર લખીને એનસીપીનું નામ અને ચિહ્ન માગ્યું હતું. અજિત પવારે ચૂંટણી પંચને એક પત્ર મોકલીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને તેના ચૂંટણી ચિહ્ન ઘડિયાળ પર પોતાના દાવો કર્યો છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે પાર્ટીનું પ્રતીક અમારી સાથે છે, તે ક્યાંય જશે નહીં. અમને સત્તામાં લાવનારા લોકો અને પાર્ટીના કાર્યકરો અમારી સાથે છે. અમે કોઈને પણ પાર્ટીનું સિમ્બોલ લેવા દઈશું નહીં.
અજીત પવારે પોતાના સમર્થકોને સંબોધિત કરતા શરદ પવારને રાજકારણમાં આગળ ન વધવાની સલાહ આપી હતી. અજિતે કહ્યું કે તમે 83 વર્ષના થઈ ગયા છો. ક્યારેય અટકશો કે નહીં? અમે સરકાર ચલાવી શકીએ છીએ. અમારામાં તાકાત છે છતા તમે અમને તક કેમ નથી આપતા? હું પણ રાજ્યનો મુખ્યમંત્રી બનવા માગું છું. રાજ્યની ભલાઇ માટે રાજ્ય પ્રમુખનું પદ હોવું જરૂરી છે. તો જ હું મહારાષ્ટ્રનું ભલા વિશે વિચાર કરી શકીશ.
આ પણ વાંચો – દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કેવી રીતે ઉદ્ધવ ઠાકરેએ દગો આપ્યો, શરદ પવારે ભજવ્યો ડબલ રોલ
બીજી તરફ વાય.બી.ચવ્હાણ સેન્ટરમાં બોલતાં શરદ પવારે કહ્યું હતું કે જે ધારાસભ્યોએ અલગ થવાનો નિર્ણય લીધો હતો તેમણે અમને વિશ્વાસમાં લીધા ન હતા. અજિત પવાર જૂથે કોઈ પ્રક્રિયાનું પાલન કર્યું નથી. શિવસેના સાથે જે થયું તે એનસીપી સાથે થયું. અજિત પવારના મનમાં જો કશુંક હોય તો તેમણે મારી સાથે વાત કરવી જોઈતી હતી. સહમતી ન હોય તો વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ. શરદ પવારે કહ્યું હતું કે અજિતની વાત સાંભળીને મને દુઃખ થયું છે. ભૂલ સુધારવી એ આપણું કામ છે. જો તમે કોઈ ભૂલ કરી છે તો સજાનો સામનો કરવા માટે તૈયાર રહો.
અજિત પવારના જૂથની બેઠકમાં 30 ધારાસભ્યો અને ચાર એમએલસી હાજર રહ્યા હતા. બેઠકમાં ભાગ લેનારાઓમાં છગન ભુજબળ, હસન મુશ્રીફ, નરહરી ઝિરવાલ, દિલીપ મોહિતે, અનિલ પાટીલ, માણિક રાવ, દિલીપ વાલસે પાટીલ, અદિતિ તટકરે, ધનંજય મુંડે, ધર્મરાવ અત્રામ, અન્ના બંસોડ, નિલેશ લંકે, ઇન્દ્રનીલ નાઇક, સુનીલ શેલકે, દત્તાત્રેય ભરણે, સંજય બંસોડ અને સંગ્રામ જગતાપનો સમાવેશ થાય છે.
આ સાથે જ શરદ પવાર જૂથની બેઠકમાં 13 ધારાસભ્યો અને ચાર સાંસદો પહોંચ્યા હતા. જેમાં ધારાસભ્ય કિરણ લહામાટે, અશોક પવાર, રોહિત પવાર, રાજેન્દ્ર શિંગણે, અનિલ દેશમુખ, જિતેન્દ્ર આવ્હાડ, સંદીપ ક્ષીરસાગર, જયંત પાટીલ, બાળાસાહેબ પાટીલ, સુનીલ ભુસારા, રાજેશ ટોપે, ચેતન ટોપે અને ધારાસભ્ય સુમન પાટીલના સ્થાને તેમનો પુત્ર રોહિત પાટીલ સામેલ છે.
એનસીપી (શરદ પવાર જૂથ)ના નેતા મહેબૂબ શેખે જણાવ્યું હતું કે ધારાસભ્યોએ એક જ સ્થળે રોકાવવાની જરૂર કેમ પડી? શરદ પવાર સાહેબને માનનારા દરેક કાર્યકર્તા આજે પોતાની જાતે અહીં આવ્યા છે. તેમણે (અજિત પવારે) કહ્યું હતું કે અમારી પાસે 40થી વધુ ધારાસભ્યો છે. મારી (અજિત પવારને) અપીલ છે કે તેઓ અમને તેમના ધારાસભ્યોના ફોટા બતાવે. જો તેમની પાસે ધારાસભ્યો છે, તો તેઓ ક્યાં છે? અમારી પાસે કુલ 53 ધારાસભ્યો છે. જે લોકોએ પવાર સાહેબ સાથે દગો કર્યો છે તેમને પાઠ ભણાવવામાં આવશે.





