મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓનું ગઠબંધન ભાજપ માટે કેમ પડકાર બની રહ્યું છે? જાણો

Maharashtra Politics : આવી સ્થિતિમાં શિંદે અને અજિત પવાર બંને પોતાને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈ રહ્યા છે, કારણ કે જે ધારાસભ્યોએ તેમના પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું તેઓ વચન મુજબ ઇનામ માંગી રહ્યા છે. બીજ તરફ ભાજપ 105 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાં પોતાના સાથી પક્ષોને સંતુષ્ટ રાખવા માટે મધ્યસ્થીની ભૂમિકા નિભાવવા સુધી જ સિમિત રહી ગઈ છે

Updated : October 06, 2023 19:20 IST
મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓનું ગઠબંધન ભાજપ માટે કેમ પડકાર બની રહ્યું છે? જાણો
મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ગઠબંધન સરકાર છે (Express file photo by Pavan Khengre)

શુભાંગી ખાપરે : મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ગઠબંધન સરકાર છે. દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી). મહારાષ્ટ્રમાં એનસીપી સરકાર સાથે જોડાયા બાદ છેલ્લા કેટલાક મહિનાઓમાં વહીવટી સ્તરે અને પક્ષ સ્તરે ગઠબંધનની અંદર જે ગજગ્રાહ અને દબાણ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેનું એક પ્રમુખ પાસુ એ છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દિલ્હી માટે દોડવાનું શરૂ કરી દીધું છે. ગુરૂવારે શિંદે 48 કલાકમાં બીજીવાર દિલ્હી પહોંચ્યા હતા. સૂત્રો કહે છે કે મુખ્યમંત્રીની આ મુલાકાત ગઠબંધનની અંદર સત્તા સંઘર્ષના સંકેત આપવા માટે ઘણું બધું કહી જાય છે.

સંખ્યાબળની વાત કરીએ તો એકનાથ શિંદેની આગેવાની હેઠળનું ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે. 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં સત્તા ટકાવી રાખવાનો જાદુઈ આંકડો 145 છે. હાલમાં ભાજપ પાસે 105 ધારાસભ્યો છે, શિવસેના (શિંદે જૂથ) પાસે 40, એનસીપી (અજિત પવાર)ના 40 અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે ગઠબંધનની સંખ્યા 195 છે.

આ સમસ્યાની કેમેસ્ટ્રી શું છે?

આવી સ્થિતિમાં શિંદે અને અજિત પવાર બંને પોતાને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈ રહ્યા છે, કારણ કે જે ધારાસભ્યોએ તેમના પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું તેઓ વચન મુજબ ઇનામ માંગી રહ્યા છે. બીજ તરફ ભાજપ 105 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાં પોતાના સાથી પક્ષોને સંતુષ્ટ રાખવા માટે મધ્યસ્થીની ભૂમિકા નિભાવવા સુધી જ સિમિત રહી ગઈ છે.

એનસીપીની અંદરનો એક વર્ગ ઇચ્છે છે કે અજિત પવાર મુખ્યમંત્રી બને, આ પદની તેઓ લાંબા સમયથી ઇચ્છા રાખતા હતા. પરંતુ શિંદેને અધવચ્ચેથી બદલવાનો કોઈ પણ પ્રયાસ અવળો પડી શકે છે. સીએમ પદ ઉપરાંત, લાંબા સમયથી વચન આપવામાં આવેલી અને ખૂબ જ વિલંબિત કેબિનેટ વિસ્તરણની માંગ અને મંત્રીઓ અને નિગમ પદોની માંગને કારણે ત્રણેય નેતાઓ વ્યસ્ત રહ્યા છે.

જોકે આ બધાની વચ્ચે ફડણવીસે ગુરુવારે મુંબઈમાં મીડિયાને કહ્યું કે એકનાથ શિંદે પુરા કાર્યકાળ માટે સીએમ રહેશે. 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણી શિંદેના નેતૃત્વમાં યોજાશે.

ગઠબંધન સંઘર્ષ

શિંદેએ 30 જૂન 2022ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિંદેએ ભાજપના ઓપરેશન લોટસમાં બળવાનો કર્યા બાદ શિવસેનાના ભાગલા પડ્યા હતા. શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને 40 ધારાસભ્યોનું સમર્થન હતું. તેમને નાના પક્ષો અને અપક્ષોનું પ્રતિનિધિત્વ કરતા 10 ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું હતું. ભાજપ-શિંદે સેના ગઠબંધનમાં શિંદે અને ફડણવીસ સહિત 20 કેબિનેટ મંત્રીઓ હતા. એક વર્ષ પછી જુલાઈ 2023માં અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે સરકારમાં જોડાયા હતા અને એનસીપીના અન્ય આઠ નેતાઓને કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – ભાજપે રાહુલ ગાંધીને નવા યુગના રાવણ ગણાવ્યા, કોંગ્રેસ ભડકી, લગાવ્યો ગંભીર આરોપ

પરંતુ મહિનાઓ બાદ ગઠબંધનની અંદર મતભેદોના મૂળમાં શિંદે અને અજિત પવાર બંને પોતાના ધારાસભ્યોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે. બંને નેતાઓનું એવું પણ માનવું છે કે તેમના ધારાસભ્યોને નારાજ કરવાનો કોઈ પણ પ્રયાસ ગઠબંધનની એકતા માટે રાજકીય રીતે નુકસાનકારક સાબિત થશે.

પ્રહાર જન શક્તિના અધ્યક્ષ બચ્ચુ કડુ કહે છે ભાજપ પોતાના સાથી પક્ષોનો ઉપયોગ કરે છે અને પછી તેમને છોડી દે છે. તેઓ તેમના સાથીદારો સાથે પ્રમાણિક નથી. કડુ શિંદેના બળવા દરમિયાન તેમની સાથે ઉભા રહ્યા અને સરકારમાં જોડાયા હતા. કડુ અમરાવતી જિલ્લાના અચલપુર વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. કડુએ એમ પણ કહ્યું હતું કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ અચલપુર મતવિસ્તારની દેખરેખ માટે રાજ્યસભાના સાંસદ અનિલ બોંડેની નિયુક્તિ કરી છે, જે કોઈના વિશ્વાસ સાથે દગો કરવા સમાન છે.

ગણેશ ઉત્સવની ઉજવણી દરમિયાન શિવસેનાના લોકસભાના સાંસદ શ્રીકાંત શિંદેએ જાહેરમાં પોતાની પાર્ટીના સમર્થકોને કહ્યું હતું કે હું કલ્યાણ બેઠક પરથી ચૂંટણી લડવાનો છું. અહીં ફરીથી જીતીશું. શ્રીકાંત શિંદેની આ ટિપ્પણી કલ્યાણ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના અધિકાર અંગે કલ્યાણમાં સ્થાનિક શિવસેના અને ભાજપના નેતાઓ વચ્ચેના વિવાદને ઉકેલવા માટે ભાજપ-શિવસેનાના ટોચના નેતૃત્વએ દરમિયાનગીરી કર્યા બાદ તરત આવી છે.

ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે ત્રણ પક્ષીય ગઠબંધનમાં સંઘર્ષ સ્વાભાવિક છે. સત્તા સંઘર્ષ અને રસાકસીની આશંકા છે પરંતુ આ મતભેદોને કેવી રીતે ઉકેલવા તે જોવું જરૂરી છે. ‘

અજિત પવાર પોતાની વાત પર અડગ છે

અજિત પવારે તાજેતરમાં જ કેબિનેટની બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં ભાગ ન લઈને જિલ્લાના વાલી મંત્રી પદના પુનઃવહેંચણીમાં થઈ રહેલા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. શિંદે અને ફડણવીસે ઝડપથી કાર્યવાહી કરતા એનસીપીના નવ મંત્રીઓમાંથી સાતને જિલ્લા સંરક્ષકની જવાબદારી આપી હતી.

એનસીપીની નજર હવે મંત્રી પદ પર છે. એનસીપી અધ્યક્ષ સુનિલ તટકરેએ કહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ જરૂરી છે. શિવસેના અને એનસીપી બંને ઉમેદવારોએ ખાનગીમાં કેબિનેટ વિસ્તરણમાં વિલંબ અંગે નિરાશા વ્યક્ત કરી છે.

હાલ રાજ્યના મંત્રીમંડળમાં શિંદે, ફડણવીસ અને અજિત પવાર સહિત 29 મંત્રી છે. મહારાષ્ટ્રમાં મંત્રી બનાવવાની મહત્તમ મર્યાદા 43 છે. જેનો અર્થ એ થયો કે હજુ 14 મંત્રીઓને સ્થાન મળી શકે છે. એનસીપીના નેતાઓ અવાજ પણ ઉઠાવતા રહ્યા છે કે અજિત પવારને મુખ્યમંત્રી બનાવવામાં આવે. એનસીપીના મંત્રી આત્રામ ધરમરાવબાબાએ તાજેતરમાં જ કહ્યું હતું કે અજિત પવાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી બનશે.

જુલાઇમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે પણ આવી જ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે અજિત પવારને ભાજપ દ્વારા શિંદેની જગ્યાએ લાવવામાં આવ્યા છે. જો કે ફડણવીસે આ અટકળોને પાયાવિહોણી ગણાવીને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે રાજકીય હરીફો દ્વારા મૂંઝવણ ઊભી કરવા માટે આ એક યુક્તિ અપનાવવામાં આવી રહી છે. ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે રહેવાનું પસંદ કરનારા ધારાસભ્યો બેચેન છે અને વિપક્ષ જાણી જોઈને આ ધારાસભ્યોને પક્ષપલટો ન કરે તે માટે સીએમ બદલવાની અફવા ફેલાવી રહ્યો છે. બાવનકુલેએ કહ્યું હતું કે ત્રણ પક્ષોના ગઠબંધનમાં કોઈ મતભેદ નથી. જો કેટલાક મુદ્દાઓ હોય તો અમારા નેતાઓ દ્વારા ચર્ચાના માધ્યમથી ઉકેલવામાં આવશે.

શિંદે સેનાના મંત્રીએ શું કહ્યું?

શિંદે સેનાના એક મંત્રીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે શિંદે સેના અજિત પવારના વધતા પ્રભાવથી સાવચેત છે. તેમણે કહ્યું કે અમે ડેપ્યુટી સીએમ અને નાણાં મંત્રી તરીકે અજિત પવારની ક્ષમતાને સ્વીકારીએ છીએ, પરંતુ અમે તમામ જિલ્લાઓમાં અમારા અધિકારોનું બલિદાન આપી શકીએ નહીં. નાસિકમાં તે છગન ભુજબળ માટે સંરક્ષકતા ઇચ્છે છે. દાદાસાહેબ ભુસે (શિવસેના)એ શા માટે જિલ્લો છોડવો જોઈએ? એનસીપીને પહેલા જ કેબિનેટમાં મહત્વના ખાતા મળી ચૂક્યા છે. તેઓ બધું જ પોતાની રીતે કરી શકતા નથી.

ભાજપ બેકફૂટ પર?

એનસીપી અને શિવસેના દ્વારા પોતાનો હક માંગતા ભાજપને બેકફૂટ પર જવાની ફરજ પડી છે. ભાજપની દરેક બેઠકમાં ફડણવીસ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને કહે છે કે પોતાની મહત્વાકાંક્ષાઓને બાજુ પર રાખીને 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ કરે. ભાજપે 48 લોકસભા સીટોમાંથી 45 સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે.

શિવસેનાના એક આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે 48 લોકસભા અને 288 વિધાનસભા બેઠકો માટે બેઠકોની વહેંચણીની વાટાઘાટો શરૂ થશે ત્યારે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનશે. સમસ્યાઓથી બચવા માટે ભાજપે ભલામણ કરી છે કે દરેક લોકસભા અને વિધાનસભા મતક્ષેત્રમાં ત્રણ પક્ષોના સભ્યોની એક સંકલન સમિતિ બનાવવામાં આવે. જોકે અસલી પડકાર ત્રણેય પક્ષોને સાથે મળીને કામ કરાવવાનો રહેશે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ