મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. દશેરના દિવસે ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના જૂથોએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શિવસેના ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે. દશેરાના દિવસે યોજાયેલી રેલીમાં બંને નેતાઓએ એકબીજા ઉપર ભારે કટાક્ષ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને કટપ્પા કહીને ગદ્દાર ગણાવ્યા હતા તો બીજી તરફ એકનાથ શિંદેએ આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ ગદ્દારી નહીં પરંતુ ગદર છે.
મહારાષ્ટ્રમાં શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. સત્તાની રેસમાં ઉદ્ધવ ઠાકરે સાથે વિદ્રોહ કરીને એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવી લીધી હતી. અસલી શિવસેના કોની હશે એ અંગે ચૂંટણી પંચ નિર્ણય કરશે. પરંતુ આ સાથે દશેરાના દિવસે એકનાથ અને ઉદ્ધવ ઠાકરે બંને જૂથોએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.
એકનાથ શિંદેને મળ્યો ઉદ્ધવ ઠાકરેના મોટાભાઈનો સાથ
ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને કટપ્પા ગણાવ્યા હતા અને દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે બીજી તરફ શિંદેએ ચોખ્ખું કહી દીધું કે ગદ્દારી નહીં પરંતુ ગદર છે. શિવસેનાના બંને જૂથોએ દશેરાની રેલીનું આયોજન કર્યું હતું. એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરેનો સાથ મળ્યો છે. જયદેવ ઠાકરે પોતાની પત્ની અને પુત્ર સાથે એકનાથ શિંદે જૂથની દશેરા રેલીમાં પહોંચ્યા હતા.
જયદેવ ઠાકરેએ પોતાના સંબોધનમાં એકનાથ શિંદેની બિન્દાસ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓ હંમેશા મને પસંદ છે. હવે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે. આ સંબંધે હવે તેમને સમ્માન સાથે એકનાથ રાવ કહેવું પડે છે. તેમણે મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેની નીતિઓના વખાણ કર્યા હતા. અને કહ્યું હતું કે તેઓ ગરીબો, ખેડૂતો અને દલિતો માટે સારું કામ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે ઉપર સાધ્યું નિશાન
આ ઉપરાંત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે મહારાષ્ટ્રના મતદારોએ તેમને અને બીજેપીને વિધાનસભા ચૂંટણીમાં પસંદ કર્યા પરંતુ તમે કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધ કરીને દગો આપ્યો હતો. શિંદેએ કહ્યું હતું કે, ઉદ્ધવ કોંગ્રેસ – એનસીપીની ધૂન પર નાચે છે. તેમણે કહ્યું કે અમે ગદ્દારી નથી કરી. ગદ્દારી તો 2019માં થઈ હતી. બાલાસાહેબના વિચારો અમારી સાથે છે.
આ પણ વાંચોઃ- દશેરા અકસ્માત : રાજસ્થાનમાં મૂર્તિ વિસર્જન સમયે 6નાં મોત, ફરીદાબાદમાં ગટર સાફ કરતા 4નાં મોત, દિલ્હીમાં આગ
શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું હતું કે આ તમારી પ્રાઈવેટ લિમિટેડ કંપની નથી. શિવસેના એ શિવસૈનિકોની છે જેમણે આના માટે પોતાનો પરસેવો વહાવ્યો છે. તમારા જેવા લોકો માટે નથી જેમણે પાર્ટનરશિપ કરી અને તેને વેચી દીધી
ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને કટપ્પા ગણાવ્યા
બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાના જૂથના નેતાઓની સાથે શિવાજી પાર્કમાં યોજાયેલી રેલીમાં એકનાથ શિંદેને કટપ્પા ગણાવ્યા હતા. શિંદે પર શાબ્દીક હુમલો કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જનતા કટપ્પાને ક્યારેય માફ નહીં કરે. તેમણે કહ્યું કે એ નક્કી છે કે શિવસૈનિકોની ગાદી પર માત્ર એક જ શિવસૈનિકનો અધિકાર હશે.
આ પણ વાંચોઃ- કોંગ્રેસ નેતાનો ભગવંત માન પર આરોપ, પંજાબ સરકારના પૈસાનો ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં કરી રહ્યા છે
ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે “ગદ્દારી કરનારાઓને ગદ્દાર જ કહેવાય. બધાને ખબર હોવી જોઈએ કે શિવસૈનિકોની પાસે જ અસલી શિવસેનાની ગાદી છે. બીજેપી પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપે પણ યોગ્ય કર્યું નથી. તેણે દગો આપવાનું કામ કર્યું છે.”