Independence Day 2023 : 2023ના સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોલકાતાના બેહાલામાં કહ્યું કે મંગળવારે સ્વતંત્રતા દિવસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લા પરથી તેમનું અંતિમ સ્વતંત્રતા દિવસનું ભાષણ હશે. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે 6 મહિના પછી યોજાનારી લોકસભા ચૂંટણી 2024માં ઇન્ડિયા ગઠબંધન જીતશે.
મમતા બેનર્જીએ કહ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન ટૂંક સમયમાં મેદાન પર કબજો કરશે અને ચૂંટણીમાં ખેલા થશે. તેમણે કહ્યું કે 2024ની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની જીત થશે. ઇન્ડિયા બ્લોક દેશભરમાં ભાજપને નેસ્તનાબુદ કરશે. બંગાળમાં ટીએમસી ભાજપને ખરાબ રીતે હરાવશે.
પીએમ પદ અંગે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન પદ માટે તેમની કોઇ મહત્વકાંક્ષા નથી. તેમણે કહ્યું કે બંગાળને ખુરશી નથી જોઈતી, બંગાળ માત્ર ભાજપ સરકારને હટાવવા માંગે છે. આ દરમિયાન ટીએમસી સુપ્રીમોએ મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બંગાળમાં ભ્રષ્ટાચારના કેટલાક કેસ નોંધાયા હતા જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ઉપર પણ ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા પછી તે રાફેલ જેટ ડીલ હોય કે પછી બે હજાર રૂપિયાની નોટોનું ડિમોનેટાઇઝેશન.
આ પણ વાંચો – 15મી ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદી 10મી વાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે, 1800 વિશેષ મહેમાનોને આમંત્રિત કર્યા
શત્રુઘ્ન સિન્હા મમતા બેનર્જીને પ્રધાનમંત્રી જોવા માંગે છે, કહ્યું – તે ફાયરબ્રાન્ડ નેતા
અભિનેતામાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિંહાએ સોમવારે કહ્યું કે તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવાનું પસંદ કરશે. શત્રુઘ્ન સિન્હા મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસના સભ્ય છે.
તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવાર તરીકે કેવી રીતે જોયા તે પ્રશ્નના જવાબમાં નિવેદન આપ્યું હતું. શત્રુઘ્ન સિન્હાએ પીટીઆઈ સાથેની એક મુલાકાતમાં કહ્યું કે દેશ માટે તે ખૂબ જ સારું રહેશે કે જ્યારે આપણી પાસે રાષ્ટ્રપતિ તરીકે પણ એક મહિલા છે, ત્યારે આપણી પાસે વડાપ્રધાન તરીકે પણ એક મહિલા હોય. મમતા બેનર્જી ફાયરબ્રાન્ડ નેતા છે, જેમની પાસે જનાધાર છે.





