Mamata Banerjee: વિપક્ષી દળોના નેતાઓ પર કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રની બીજેપી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આજે ભારતીય જનતા પાર્ટી એજન્સીઓનો ડર બતાવી રહી છે.
કોલકાતામાં મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે આજે તમે (ભાજપા) સત્તામાં છો અને કેન્દ્રીય એજન્સીઓનો ડર બતાવી રહ્યા છે. કાલે જ્યારે તમે સત્તામાં નહીં હોય તો આ કેન્દ્રીય એજન્સીઓ તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારે કાન પકડીને બહાર ખેંચી લેશે. તે દિવસો જલ્દી આવશે.
તમને જણાવી દઈએ કે ટીએમસીના ઘણા નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે. તેને લઇને મમતા બેનરજીનું આ નિવેદન સામે આવ્યું છે. થોડા દિવસો પહેલા મમતા બેનરજીનું એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે પીએમ મોદી તપાસ એજન્સીઓનો ખોટો ઉપયોગ કરતા નથી. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતા છે જે આ પ્રકારના કામમાં લાગ્યા રહે છે.
આ પણ વાંચો – અમિત શાહના નિવેદન પર નીતિશ કુમારનો વળતો પ્રહાર
મમતા બેનરજીએ કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં મહાત્મા ગાંધી જેવી દેખાતી મહિષાષુરની મૂર્તિને લઇને થયેલા વિવાદ પર નિશાન સાધ્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ તેને શરમજનક કૃત્ય ગણાવતા કહ્યું કે આ ઘણું નિરાશાજનક છે. દુર્ગા પૂજા દરમિયાન કેટલાક લોકો ગાંધીજીને અસુરની જેમ પ્રદર્શિત કરી રહ્યા હતા. તેમને શું સજા આપવી જોઈએ? આવી શરમજનક હરકતનો જનતા જવાબ આપશે. હું ઘણી નિરાશ હતી પણ કશું કહ્યું નહીં કારણ કે પૂજા દરમિયાન વિરોધ થઇ શકતો હતો.