Bengal Panchayat Election 2023 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે બીએસએફ પર આરોપ લગાવ્યો કે તે ભાજપના ઈશારે રાજ્યના સરહદી વિસ્તારોમાં મતદાતાઓને ડરાવી રહ્યા છે. તેમણે પોલીસને તેમની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા પણ જણાવ્યું છે. રાજ્યની સરહદ પરના એક જિલ્લામાં પંચાયતની ચૂંટણી રેલીને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે અને તેમાં કેન્દ્રની કોઈ ભૂમિકા નથી. હું જાણું છું કે બીએસએફના કેટલાક અધિકારીઓ સરહદી વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને મતદારોને ધમકાવી રહ્યા છે અને તેમને મત ન આપવાનું કહી રહ્યા છે. હું લોકોને કહીશ કે ડરશો નહીં અને નિર્ભયતાથી ચૂંટણીમાં ભાગ લો.
ગયા વર્ષે બીએસએફ દ્વારા ગ્રામજનો પર કથિત રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરતા સીએમ મમતા બેનરજીએ કહ્યું હતું કે પોલીસ આવા કેસોમાં એફઆઈઆર નોંધશે અને કાયદો પોતાનું કામ કરશે. તેમણે કહ્યું કે, ટીએમસી 8 જુલાઈએ ગ્રામીણ ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે. અમે કેન્દ્રમાં ભાજપને હરાવીશું અને દેશમાં સારી સરકાર લાવીશું.
આ પણ વાંચો – લોકસભા 2024ની મુશ્કેલ સફર માટે તૈયાર વિપક્ષી દળો, નીતિશ અને રાહુલની મહત્વની ભૂમિકા!
સીએમ મમતા બેનરજીએ કહ્યું કે અમારી નજર એવા ઉમેદવારો પર છે જેમનો રેકોર્ડ સારો રહ્યો છે, માત્ર સ્વચ્છ રેકોર્ડવાળા ઉમેદવારોને જ તક આપવામાં આવશે. તેમણે આ સમય દરમિયાન કહ્યું કે અમારું મિશન ભ્રષ્ટાચારને ખતમ કરવાનું છે અને અમે તેના માટે પગલાં ભરી રહ્યા છીએ.
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી 8 જુલાઈએ યોજાવાની છે. પંચાયતની ચૂંટણીને લઈને રાજ્યના ઘણા ભાગોમાં હિંસાના સમાચાર આવ્યા હતા. આ પછી ટીએમસી અને ભાજપ બંને પક્ષો આમને સામને દેખાયા હતા. આ પછી કેન્દ્રીય અર્ધસૈનિક દળોની તૈનાતીનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ રાહત મળી ન હતી.





