કુદરતે જાણે બે હાથે અહીં આપ્યું છે. નદીઓ, લીલા પહાડ સહિત કુદરતી સૌદર્ય એવું છે કે જોઇ રોકાઇ જવાની ઇચ્છા થાય. કુદરતે અહીં બે હાથે આપ્યું છે. પરંતુ કોણ જાણે છેલ્લા બે મહિનાથી અહીં કોઇની નજર લાગી, શાંત અને સુંદર વિસ્તાર ફાયરિંગ, બોમ્બ ધડાકા અને લોકોની ચીસોથી ગૂંજી રહ્યો છે. અહીંનું જીવન ઠપ થઇ ગયું છે. હિંસાનું વર્ચસ્વ એટલું વધી ગયું કે અહીં જાણે માણસાઇ મરી રહી છે. લોકોને જીવ બચાવવા ઘર, ગામ છોડી ભાગવું પડ્યું છે. ડાંગરના ખેતરો અને મેદાની વિસ્તારોથી સભર આ પ્રદેશ હિંસામાં હોમાઇ રહ્યો છે. આ સ્થિતિ છે ભારતના મણિપુર રાજ્યની. ખેતીની સિઝન આવી છે છતાં ખેડૂતો ડરના માર્યા ખેતર જઇ શકતા નથી. પરંતુ જગતનો તાત ક્યાં સુધી રાહ જોવે, જીવન માટે ખેડૂતો અહીં પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. છેવટે ખેડૂતો અહીં બંદૂકની અણીએ ખેતી કરવા મજબૂર બન્યા છે. પુખૌઉથી જીમી લીવોનનો દિલધડક ગ્રાઉન્ડ રિપોર્ટ જાણીએ.
મણિપુરમાં હિંસાએ રાજ્યના ઘણાખરા ભાગોમાં ખેતી પર અસર કરી છે, ખેડૂતો ચોખાની ખેતી કરવામાં નિર્ધારિત સમય કરતાં ઘણા મોડા પડ્યા છે. એક બાજુ હિંસાનું તાંડવ અને બીજી બાજુ ખેતીનો સમય વીતી રહ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોએ જીવન ટકાવવા જીવ જોખમમાં મુકીને પણ ખેતરની વાટ પકડી છે.
ચોમાસાની શરૂઆત સાથે, મણિપુર સરકારે મણિપુર રાઈફલ્સ અને ઈન્ડિયા રિઝર્વ બટાલિયન સહિત લગભગ 2,000 સુરક્ષા જવાનોને પહાડીઓને અડીને આવેલા ખેતીવાડી વિસ્તારોમાં એકત્ર કર્યા છે. જો કે, રાજ્યના ભાગોમાં હજુ પણ હિંસાના કિસ્સા નોંધાઇ રહ્યા છે, ખેડૂતો ભયભીત છે.
ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પુખાઓ વિસ્તારમાં સરકાર દ્વારા સુરક્ષાના પગલા લેવાયા હોવા છતાં ખેડૂતો હજુ સુધી ચોખાની ખેતીની પ્રક્રિયા શરૂ કરી શક્યા નથી. થોડા લોકો જેમણે શરૂઆત કરી છે તેઓ કહે છે કે આ વખતે પહેલેથી જ મોડું થઈ ગયું છે, અને ઓછી ઉપજની અપેક્ષા રાખી રહ્યા છે. 3 મેના રોજ હિંસા શરૂ થઈ ત્યારથી આસામ રાઈફલ્સના જવાન સહિત ઓછામાં ઓછા ચાર લોકો કાંગપોકપીના પહાડી જિલ્લાની સરહદે આવેલા પુખાઓમાં માર્યા ગયા છે.

હુમલાખોરાના ભય હેઠળ જીવી રહ્યા છીએ
પુખાઓ તેરાપુર ગામના રહેવાસી સેરમ ઇબેમ્ચા કહે છે કે, “અમે સતત સશસ્ત્ર બદમાશોના હુમલાના ભયમાં જીવીએ છીએ. અમે જાણીએ છીએ કે તેઓ નજીકની ટેકરીઓમાં છુપાયેલા છે. તેઓએ બંકરો બાંધ્યા છે અને હિંસા કરવા માટે યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યા છે. અમે બે દિવસ પહેલા એક વિસ્ફોટ સાંભળ્યો હતો.”
પરિસ્થિતિ એવી થઇ કે ખેતરે ન જઇ શક્યા
ખેતી કરવા માટે નજીકના રાહત કેમ્પમાંથી પરત ફરેલ ઇબેમ્યા જણાવે છે કે, સામાન્ય રીતે, ચોખા સહિતની ખેતી જૂનના પહેલા અઠવાડિયામાં અથવા મહિનાના છેલ્લા અઠવાડિયાથી શરૂ થાય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિએ મજબૂર કર્યા છે. સુરક્ષા દળોના આગમના બાદ અમે 8 જુલાઈએથી જ અમારા ખેતરોએ જવાનું શરૂ કર્યું છે.
ઓછી ઉપજ થવાની આશા છે – ઇબેમ્યા
ઇબેમ્યા તેના 54 હજાર ચોરસ ફૂટ ખેતરમાંથી સામાન્ય રીતે ચોખાની 30 બેગ ઉપજ મેળવે છે. પરંતુ આ વખતે ઓછી ઉપજ થવાની અપેક્ષા રાખે છે. ઇબેમ્યા કહે છે કે, તે વાવેલા બીજ વિશે ચિંતિત છે. ચોખા રોપવા માટે ઘણી તૈયારી અને યોગ્ય સિંચાઈની જરૂર પડે છે. આ વખતે તૈયારી માટે સમય નહોતો. મારી પાસે સૂકા ખેતરમાં બીજ વાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો કારણ કે હું પહેલેથી જ સમયપત્રકથી પાછળ હતો. હું હવે માત્ર વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યો છું.

સુરક્ષા જવાનો બે પાળીમાં કરી રહ્યા છે રક્ષા
7 મણિપુર રાઈફલ્સ બટાલિયનના લગભગ 20 જવાનો, કેન્દ્રીય દળો ઉપરાંત ટીમો અહીં 8 જુલાઈથી આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. પરંતુ હજુ પણ લોકોમાં ભય પ્રવર્તિ રહ્યો છે. હુમલાખોરાના ડરને લીધે ખેડૂતો ખેતી કરવા માટે ખેતર જતા ડરી રહ્યા છે. સુરક્ષા દળો અહીં એમની સુરક્ષા માટે બે રાઉન્ડ પાળીમાં કરે છે – પ્રથમ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલે છે.
સુરક્ષા માટે જવાનો ખેડૂતોની સાથે ખેતરમાં
10 મણિપુર રાઇફલ્સના જવાનો પુખાઓ તેરાપુર લુકોન (ખેતી વિસ્તાર) ની રક્ષા કરી રહ્યા છે. અહીં ત્રણ ખેડૂતો તેમના ખેતરોની સંભાળ રાખી રહ્યા છે. મોટાભાગના ડાંગરના ખેતરો વાવેતરના પ્રારંભિક તબક્કામાં છે, બીજ વાવવા માટે તૈયાર છે. પરંતુ ખેતરનો મોટો વિસ્તાર સુકાઈ ગયો છે. જે દર્શાવે છે કે આ ખેતરોની સંભાળ લેવાની બાકી રહી ગઇ છે.
મણિપુરને 1543 મેટ્રિક ટન ચોખાનું નુકસાન
રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ વર્ષે મુખ્ય પાકની ખેતી ન થઈ શકે તો મણિપુરને 1,543.23 મેટ્રિક ટનનું નુકસાન થઈ શકે છે. મણિપુરમાં ખરીફ સિઝનમાં ચોખાની ખેતી માટે કુલ 1,95,000 હેક્ટર જમીન છે. જૂન સુધીમાં, 5,127 હેક્ટર ચાલુ સંઘર્ષથી પ્રભાવિત થયા હતા, ખેડૂતો જમીન પર ખેતી કરી શકતા ન હતા. બિષ્ણુપુર જિલ્લો 2,191 હેક્ટર સાથે સૌથી વધુ અને જીરીબામ 37 હેક્ટર સાથે સૌથી વધુ અસરગ્રસ્ત છે.





