Manipur CM N Biren Singh proposed solution of kuki meitei conflict : મણિપુરમાં ચાલી રહેલા જાતીય હિંસાનું રાજકીય સમાધાન શોધવાની દિશામાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ આપ્યો છે. જે મુજબ તેઓ રાજ્યમાં હાલની હિલ કાઉન્સિલોને વધુ સ્વાયત્તતા આપવા તૈયાર છે, પરંતુ પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કરશે નહીં.
સંઘર્ષની શરૂઆતથી જ કુકી સમુદાય તેમના સમુદાયને નાબૂદ કરવામાં રાજ્ય સરકાર પણ સામેલ હોવાના આરોપ લગાવીને અલગ વહીવટીતંત્રની માંગ કરી રહ્યા છે. મણિપુરના સીએમ એન બિરેન સિંઘની નજીકના સુત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અલગ વહીવટની માંગ, ભલે કુકી કઇ પણ સ્વરૂપમાં માંગણી કરી રહ્યા હોય, સરકાર અથવા રાજ્યની બાકીની જનતાને સ્વીકાર્ય નથી. જો કે, અમે પહાડી આદિવાસીઓની ચિંતાઓને દૂર કરવા તૈયાર છીએ. અમે દરખાસ્ત કરી છે કે પહાડી ક્ષેત્રોના વહીવટમાં તેમને વધારે સ્વતંત્રતા અને અંકુશો સોંપીને હિલ કાઉન્સિલોની સ્વાયત્તતામાં વધારો કરવામાં આવે. અમને આશા છે કે કુકી સમુદાય આ પ્રસ્તાવ સ્વીકારશે અને સંઘર્ષનો અંત લાવશે.”
ગૃહ મંત્રાલયની મેઇતેઇ અને કુકી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટ
ગૃહ મંત્રાલય મણિપુરમાં ચાલી રહેલી હિંસાનો ઉકેલ શોધવા માટે મેઇતેઇ અને કુકી બંને સમુદાયોના પ્રતિનિધિ જૂથો સાથે વાટાઘાટો કરી રહ્યું છે. સંઘર્ષની શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં આવી એક ડઝનથી વધુ બેઠકો યોજાઇ છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે તે પેકી અમુક બેઠકોમાં હાજરી આપી ચૂક્યા છે.
મણિપુર હિંસામાં 160 લોકોનો મોત
પૂર્વોત્તરના કેન્દ્રના પ્રભારી એકે મિશ્રા સરકાર સાથે સસ્પેન્શન ઓફ ઓપરેશન (SoO) કરાર હેઠળ કુકી બળવાખોર જૂથો સાથે અલગથી વાટાઘાટો કરી રહ્યા છે. ગુરુવારે, બિરેન સિંહે મણિપુરની પરિસ્થિતિ વિશે પણ ચર્ચા કરી, જ્યાં ગત 3 મેના રોજ હિંસા શરૂ થઈ ત્યારબાદથી 160 થી વધુ લોકોના મોત થયા છે.