Manipur Violence Updates: મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ હટાવ્યા બાદ ગુમ થયેલા બે યુવકોની તસવીર સામે આવી છે. બંનેના મૃતદેહ મળી આવ્યા છે. આ પછી આ વિસ્તારમાં ફરી એકવાર તણાવ વધી ગયો હતો. હવે મણિપુર સરકારે 19 પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યને અશાંત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ફરીથી હિંસા ફાટી નીકળી
ઇમ્ફાલના રહેવાસી હિજામ લિનથોઇંગામી (17) અને ફિજામ હેમજીત (20) આ વર્ષે 6 જુલાઈએ ગુમ થયા હતા. સોમવારે બે તસવીરો સામે આવી હતી. જેનાથી આ બંને યુવકોના મોતની પુષ્ટિ થઈ છે. આ પછી ફરીથી તણાવ વધી ગયો છે. એક તસવીરમાં બંને એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળે છે, જ્યારે બે વ્યક્તિ તેમની પાછળ હથિયારો સાથે ઉભેલા જોવા મળે છે. તેમના મૃતદેહો એકબીજાની બાજુમાં જમીન પર પડેલા જોવા મળે છે, જ્યારે હેમજીતનું માથું ગાયબ છે. આ તસવીરો સામે આવતા જ મૈતેઈ લોકોએ ખીણના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે.
શું છે સમગ્ર મામલો?
ગુમ થયેલા બંને વિદ્યાર્થીઓ એકબીજાના પડોશમાં રહેતા હતા. લિનથોઇંગામી તેરા ટોંગબ્રમ લિકાઇ નામના વિસ્તારમાં રહેતો હતો જ્યારે હેમજીત તક્યેલ કોલોમ લિકાઇનો રહેવાસી હતો. લિનથોઇંગામીના પરિવારે પોલીસને આપેલા નિવેદનો અનુસાર તે રોજ સવારે કીશમપત મુતમ લિકાઇના કોચિંગ સેન્ટરમાં ટ્યુશન ક્લાસિસમાં જતો હતો. જો કે 6 જુલાઇના રોજ તે સવારે 8.30 વાગ્યા સુધી પરત ફર્યો ન હતો. જ્યારે તેના પિતા હિજમ કુલજીત સિંહે તેને ફોન કરવાનો પ્રયત્ન કર્યો તો તેણે કહ્યું કે તે ઘરે આવી રહ્યો છે, પરંતુ થોડીવાર બાદ તેનો ફોન બંધ આવતો હતો. જ્યારે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું કે તે હેમજીત સાથે તેની મોટરસાયકલ પર નીકળ્યો હતો ત્યારે પરિવારે તેના વિરુદ્ધ તેમનું અપહરણ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 8 જુલાઈએ હેમજીત વિરુદ્ધ ઈમ્ફાલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો – આઈડિયા એક્સચેન્જમાં અધીર રંજન ચૌધરી: ‘મણિપુરના સીએમ મણિપુરની તમામ જાતિઓના મુખ્યમંત્રી બનવામાં નિષ્ફળ રહ્યા છે’
શું છે મણિપુરનો સમગ્ર વિવાદ?
મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિંસા ચાલી રહી છે. આ મામલાએ રાજકીય સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે અને સંસદમાં મણિપુર હિંસા મુદ્દે કલાકો સુધી ચર્ચા થઈ હતી. મણિપુરમાં ત્રણ સમુદાયો સક્રિય છે – તેમાંથી બે પર્વતોમાં રહે છે અને એક ખીણમાં રહે છે. મૈતેઇ સમુદાય ખીણમાં રહેતી વસ્તીના લગભગ 53 ટકા હિસ્સો ધરાવે છે. અન્ય બે સમુદાયો છે – નાગા અને કુકી, તે બંને આદિવાસી સમાજમાંથી આવે છે અને પર્વતોમાં સ્થાયી થયા છે. હવે મણિપુરમાં એક કાયદો છે, જે કહે છે કે મૈતેઇ સમુદાય માત્ર ખીણમાં રહી શકે છે અને તેમને પહાડી વિસ્તારમાં જમીન ખરીદવાનો કોઈ અધિકાર રહેશે નહીં. આ સમુદાય ચોક્કસપણે ઈચ્છે છે કે તેને અનુસૂચિત જાતિનો દરજ્જો મળવો જોઈએ, પરંતુ હજુ સુધી એવું થયું નથી.
તાજેતરમાં હાઈકોર્ટે એક ટિપ્પણીમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે મૈતેઇ સમુદાયની આ માંગ પર વિચારણા કરવી જોઈએ. ત્યારથી રાજ્યના રાજકારણમાં તણાવ છે અને વિરોધ પ્રદર્શન – હિંસા શરૂ થઇ ગઇ છે.