સુકૃતા બરુઆહ, જિમી લીવોન : મણિપુરમાં મેઈતી અને કુકી સમુદાયો વચ્ચે બુધવારે થયેલી હિંસક અથડામણ બાદ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા છે, ત્રણ હોસ્પિટલોના વરિષ્ઠ અધિકારીઓએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને માહિતી આપી છે. ચુરાચંદપુરમાં, શુક્રવારના રોજ આમાંના સાત મૃત્યુ થયા હતા, જેમાં મેઈતી સમાજના લોકોને વિસ્તારમાંથી બહાર કાઢવાના પ્રયાસ દરમિયાન સુરક્ષા કર્મચારીઓના કથિત રૂપે લોકો પર ગોળીબાર કરવાના બનાવોનો સમાવેશ થાય છે.
ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીના જણાવ્યા અનુસાર, 3 મેના રોજ હિંસા ફાટી નીકળ્યા ત્યારથી 12 મૃતદેહો શબઘરમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી ત્રણને શુક્રવાર સાંજના ગોળીબાર પછી લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલના અન્ય એક વરિષ્ઠ ડૉક્ટરના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે ચુરાચંદપુર-બિષ્ણુપુર સરહદે ગોળીબાર બાદ દિવસ દરમિયાન ચાર મૃતદેહો લાવવામાં આવ્યા હતા.
ઇમ્ફાલ પશ્ચિમમાં પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થામાં, હિંસા દરમિયાન સુરક્ષા કર્મચારીઓ દ્વારા 26 મૃતદેહો – 24 પુરુષો અને 2 મહિલાઓ – શબઘરમાં લાવવામાં આવ્યા છે, હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. બિષ્ણુપુર જિલ્લાના નમ્બોલના એક પરિવારે માત્ર એક જ મૃતદેહનો દાવો કર્યો છે.
ઇમ્ફાલ પૂર્વમાં જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં, બે દર્દીઓએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો, જ્યારે વિવિધ જિલ્લાઓમાંથી સુરક્ષા કર્મચારીઓ દ્વારા 12 મૃતદેહોને શબઘરમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમના પરિવાર દ્વારા એક પણ વ્યક્તિનો દાવો કરવામાં આવ્યો નથી.
રાજ્ય સરકાર કે પોલીસ દ્વારા સત્તાવાર ટોલ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. મણિપુરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પી ડોંગલે શુક્રવારે આ નિર્ણય પાછળ સુરક્ષા કારણો દર્શાવ્યા હતા.
ચુરાચંદપુરમાં સુરક્ષાકર્મીઓ દ્વારા કથિત ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાં 34 વર્ષીય નિઆંગહોઇચિંગનો સમાવેશ થાય છે. તેના ભાઈ લેમ જેકબના જણાવ્યા મુજબ, તે આઠ વર્ષ સુધી દિલ્હીના જસોલા એપોલોમાં કામ કર્યા પછી 2021 થી ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર નર્સ તરીકે કામ કરી રહી હતી.
તેણે વધુમાં જણાવ્યું કે, “અમે સાંજે ઘરે હતા ત્યારે અચાનક અમે સાંભળ્યું કે સૈન્ય મેઈતી લોકોને વિસ્તારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે, અને અને અમારે રસ્તા રોકવા પડશે. દરેક જણ બહાર રસ્તા પર ઉતરી આવ્યા અને તેણે પણ એવું જ કર્યું. હું ઘરે જ રોકાઈ રહ્યો. તેણીના ગયા પછી લગભગ 10-15 મિનિટ, અમે સાંભળ્યું કે તેણી ઘાયલ થઈ ગઈ છે. પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, અમને કહેવામાં આવ્યું કે તે મૃત્યુ પામી છે.”
મુઆન હેંગિંગ (24), એક સંશોધક અને ચુરાચંદપુરના રહેવાસીના જણાવ્યા અનુસાર, સાંજનો ઘટનાક્રમ શહેરમાં “અસ્વસ્થ-શાંતી” ના અંતે આવ્યો હતો.
તેમણે કહ્યું, “સેનાની તૈનાતીને કારણે, દિવસ દરમિયાન કોઈ પણ અહીં-ત્યાં જવાની હિંમત કરતું નથી. પરંતુ સાંજે લગભગ 7 વાગ્યે, અમને માહિતી મળી કે, કસ્બામાં ફસાયેલા મેઈતી લોકોને નિકાળવા માટે સુરક્ષા વાહનો જઈ રહ્યા છે. અમે બધા ટિડીમ રોડ પર એકઠા થયા અને મહિલાઓ સાથે બેરિકેડ કર્યું, કારણ કે અમને લાગ્યું કે, સુરક્ષા કર્મચારીઓ તેમના પર ગોળીબાર નહીં કરે.”
અન્ય 30 વર્ષીય સ્થાનિક વ્યક્તિ કે, જે રસ્તા પર બેરિકેડ કરવા માટે એકઠા થયા હતા તેમણે કહ્યું કે, “મેઈતી અહીં ફસાયા છે, જ્યારે કુકી લોકો ઇમ્ફાલમાં ફસાયા છે”, અને જ્યાં સુધી કુકી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી સ્થાનિક લોકો નહોતા ઈચ્છતા કે, મેઈતી લોકોને વિસ્તારમાંથી સુરક્ષિત બચાવી કાઢી જવામાં આવે.
જ્યારે રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં કુકીઓને હિંસાના અંતે જોયા છે, ત્યારે મેઈતીને પહાડી આદિવાસીઓના પ્રભુત્વવાળા વિસ્તારોમાં નિશાન બનાવવામાં આવ્યા છે.
ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને ઇનપુટ મળ્યા હતા કે “80-200” લોકો એકઠા થયા હતા અને તેમણે પુષ્ટિ કરી હતી કે, ગોળીબારમાં લોકોના મોત થયા છે. “રાજ્યના વિવિધ ભાગોમાંથી સ્થળાંતરનું કાર્ય સતત ચાલુ છે.” તેમણે કહ્યું હતું કે, રાજ્યના જુદા જુદા ભાગોમાં રસ્તાઓ બ્લોક કરવા સામાન્ય બાબત થઈ ગઈ છે.
કેન્દ્રીય સુરક્ષા દળોના એક વરિષ્ઠ અધિકારીએ પણ મૃત્યુની પુષ્ટિ કરી છે.
ઇમ્ફાલના JNIMS ખાતે હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હિંસા ફાટી નીકળી ત્યારથી 62 ઘાયલો હોસ્પિટલમાં આવ્યા છે, આવો છેલ્લો કેસ શુક્રવારે સવારે આવ્યો હતો.
“62 માંથી, ચાર-પાંચ કેસો સિવાય, બધા પેલેટ ઇજાનો ભોગ બન્યા છે. જેમાંથી 26ને દાખલ કરવામાં આવ્યા છે. આમાં કેટલીક ગંભીર ઇજાઓ છે, જેમ કે મગજમાં ગોળી વાગવાથી ખોપરીની ઇજા અને પેટની અન્ય ગંભીર ઇજાઓનો સમાવેશ થાય છે, ”અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગના ઇજાગ્રસ્તોને નાગરિક સ્વયંસેવકો દ્વારા લાવવામાં આવ્યા છે.
આ દરમિયાન, IRS (ભારતીય રેવન્યુ સર્વિસ) એસોસિએશને જણાવ્યું હતું કે, લેમિન્થાંગ હાઓકીપ તરીકે ઓળખાતા ટેક્સ સહાયકની ઇમ્ફાલમાં હત્યા કરવામાં આવી છે. તેમણે ટ્વીટ કર્યું, “કોઈપણ કારણ કે વિચારધારા – ફરજ પરના નિર્દોષ સરકારી કર્મચારીની હત્યાને યોગ્ય ઠેરવી શકે નહીં.”
ઉપરાંત, શનિવારે સીઆરપીએફના ડીઆઈજી (ઓપ્સ) એ તેમના દળને આંતરિક સંદેશાવ્યવહારમાં લખ્યું: “મણિપુરમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દરમિયાન, રજા પર રહેલા સીઆરપીએફ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંદર્ભે, સક્ષમ અધિકારીએ તમામ યુનિટ એકમોને, તેમના મણિપુરના કર્મચારીઓ સાથે સંપરપ્ક કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તેઓ અસુરક્ષિત/અસુરક્ષિત અનુભવે છે, તો તેમને તેમના પરિવારના સભ્યો સાથે નજીકના CRPF, BSF, SF સ્થાન પર તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવે છે. કૃપા કરીને અગ્રતાના ધોરણે આવા કર્મચારીઓને શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી કરો.
આ એક દિવસ પછી આવે છે, જ્યારે CRPF કોન્સ્ટેબલની ઓળખ ચોંખોલેન હાઓકીપ તરીકે થઈ, જે રજા પર હતો, જ્યારે તેણે ગામમાં આગ લગાડતા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
હિંસાની શરૂઆત ક્યાંથી થઈ?
મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન (એટીએસયુએમ) એ બુધવારે મેઈતી સમુદાયને એસટી કેટેગરીમાં સમાવવાની માંગના વિરોધમાં ‘આદિજાતિ એકતા માર્ચ’ નામની રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દરમિયાન મણિપુરમાં વિવિધ સ્થળોએ હિંસક અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણા વિસ્તારોમાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
હિંસા ફાટી નીકળવાનું કારણ શું છે?
બુધવાર (3 મે) ના રોજ, ઓલ-ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર (ATSUM) એ માર્ચની જાહેરાત કરી હતી. મેઈતી સમાજને એસટી કેટેગરીમાં સમાવવાની લાંબા સમયથી ચાલતી માંગના વિરોધમાં આ પદયાત્રા કાઢવામાં આવી હતી. જેને ગયા મહિને મણિપુર હાઈકોર્ટના આદેશથી પ્રોત્સાહન મળ્યું હતું.
મણિપુર હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કરવામાં આવેલી માંગ અને આદેશ, બંનેનો રાજ્યના આદિવાસી સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા જૂથો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. એપ્રિલ 14 જાહેર અદાલતના આદેશમાં સરકારને માંગ પર વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ આદિવાસી સમૂહો તેની વિરુદ્ધ આવી ગયા.
મેઇતી સમાજને એસટીનો દરજ્જો કેમ જોઈએ છે?
2012 થી, આ માંગના સમર્થનમાં એક સંગઠિત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મણિપુર હાઈકોર્ટ સમક્ષ તાજેતરની અરજી મીઈત જનજાતિ સંઘ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં મણિપુર સરકારને કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયને મીતેઈ/મેઈતી સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવા ભલામણ તથા નિર્દેશ આપવા માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો – મણિપુરમાં હિંસા ભડકી ઉઠી, શૂટ એન્ડ સાઇટનો આદેશ જારી કરવામાં આવ્યો
મીતેઈ (મેઈતી) જનજાતિ સંઘ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે, Meitei સમુદાયને 1949 માં મણિપુર રજવાડાના ભારત સંઘ સાથે વિલીનીકરણ પહેલા એક આદિજાતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી અને વિલીનીકરણ પછી એક આદિજાતિ તરીકે તેની ઓળખ ગુમાવી દીધી છે. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, ST દરજ્જાની માંગ સમુદાયને “સંરક્ષિત” કરવાની જરૂરિયાતમાંથી ઉભી થઈ છે. આનાથી આ સમુદાયની ભાષા અને ઓળખને બચાવવામાં મદદ મળશે.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો