Muslim League Jammu And Kashmir : ભારત સરકારે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ જૂથ)ને ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. આ માહિતી ગૃહમંત્રી અમિત શાહે એક્સ દ્વારા આપી છે. અમિત શાહે એક્સ પર લખ્યું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપે છે અને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરે છે.
પ્રતિબંધ કેમ મુકવામાં આવ્યો?
આ માહિતી શેર કરતી વખતે ગૃહમંત્રી અમિત શાહે કારણ પણ જણાવતા લખ્યું કે આ સંગઠન ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ છે અને લોકોને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. ગૃહમંત્રીએ આ સાથે લખ્યું કે સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની વિરુદ્ધ કામ કરનાર કોઈપણને છોડવામાં આવશે નહીં અને તેને કાનૂનના પૂર્ણ પ્રકોપનો સામનો કરવો પડશે. મસરત આલમ 2019થી જેલમાં બંધ છે.
આ પણ વાંચો – ઈઝરાયેલ એમ્બેસી બ્લાસ્ટ બાદ CCTVમાં બે શંકાસ્પદ દેખાયા, ઈઝરાયેલના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર
કોણ છે મસરત આલમ?
મસરત આલમ ભટ 2019થી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે, તેને 2021માં કાશ્મીરી કટ્ટરપંથી અલગાવવાદી જૂથ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (એપીએચસી)નો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. એનઆઈએએ 50 ટેરર ફંડિંગ કેસમાં કેસ નોંધ્યો ત્યારથી તે તિહાડ જેલમાં છે. આ પહેલા પણ મસરત આલમની 2010માં ધરપકડ કરવામાં આવી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આલમ સામે 27 એફઆઈઆર નોંધાયેલી છે અને 36 વખત પીએસએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.





