Modi Government Hike Kharif Crop MSP: કેન્દ્ર સરકારે ખરીફ ટેકાના ભાવ વધારીને કરોડો ખેડૂતોને ભેટ આપી છે. કેન્દ્ર સરકારી ખરીફ પાક સીઝન 2025 માટે 14 ખરીફ કૃષિ પાકોના ખેડૂતોના લઘુતમ ટેકાના ભાવમાં 70 થી 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કર્યો છે. ખરીફ પાકોના મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSP વધવાથી ખેડૂતોની આવક વધવાની ધારણા છે. આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખરીફ પાકોના ટેકાના ભાવમાં વૃદ્ધિ ઉપરાંત 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.
ખરીફ પાકની MSP વધી
કેન્દ્ર સરકારે દેશના કરોડો ખેડૂતોને ભેટ આપી છે. સરકારે ખરીફ પાક માટે રૂ. ૨.૦૭ લાખ કરોડના એમએસપીને મંજૂરી આપી છે. વર્ષ 2025-26ની ખરીફ સિઝન માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)ને મંજૂરી આપવામાં આવી છે. તેનાથી જુવાર, બાજરી, ડાંગર, મકાઈ, રાગી, કઠોળ, કપાસ જેવા 14 પાકના ખેડૂતોને ફાયદો થશે.
MSP શું છે?
એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેને ગુજરાતીમાં લઘુત્તમ ટેકાના ભાવ કહેવાય છે. એમએસપી એ ભાવ છે જે કિંમતે સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. MSP લાગુ હોવાથી કૃષિ બજારોમાં પાકની કિંમતમાં વધઘટને કારણે ખેડૂતોને નુકસાન થતું નથી. જો બજારમાં ભાવ ઘટે તો. ત્યારે પણ સરકાર એમએસપી પર પાક ખરીદશે.
ક્યા ખરીફ પાકની MSP કેટલી વધી?
ખરીફ પાક | પાક વર્ષ 2024 (₹) | પાક વર્ષ 2025 (₹) | વધારો (₹) |
---|---|---|---|
ડાંગર | 2300 | 2369 | 69 |
ડાંગર(A ગ્રેડ) | 2320 | 2389 | 69 |
જુવાર (હાઇબ્રિડ) | 3371 | 3699 | 328 |
જુવાર (માલદંડી) | 3421 | 3749 | 328 |
બાજરી | 2625 | 2775 | 150 |
રાગી | 4290 | 4886 | 596 |
મકાઇ | 2225 | 2400 | 175 |
તુવેર | 7550 | 8000 | 450 |
મગ | 8682 | 8768 | 86 |
અડદ | 7400 | 7800 | 400 |
મગફળી | 6783 | 7263 | 480 |
સનફ્લાવર | (પીળા) 4892 | 5328 | 436 |
સનફ્લાવર સીડ | 7280 | 7721 | 441 |
સફેદ તલ | 9267 | 9846 | 579 |
કાળા તલ | 8717 | 9537 | 820 |
કપાસ | 7121 | 7710 | 589 |
કપાસ (લોંગ સ્ટેપલ) | 7521 | 8110 | 589 |
સરકાર MSP હેઠળ 2.07 લાખ કરોડ ખર્ચ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકારનો નિયમ છે કે એમએસપી પાકની કિંમતથી ઓછામાં ઓછી 50 ટકા વધારે હોવી જોઈએ. તાજેતરમાં 14 ખરીફ કૃષિ પાકોના ટેકાના ભાવમાં વૃદ્ધિ કરાયા બાદ સરકાર MSP પર કૃષિ પાકોની ખરીદી માટે કુલ 2.07 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
ખરીફ પાક કયા છે?
ચોમાસા દરમિયાન ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે એટલે કે આ પાકોનું વાવેતર જૂન-જુલાઇ માસમાં કરવામાં આવે છે અને આ પાકની લણણી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં કરવામાં આવે છે. ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, સોયાબીન, મગફળી, કપાસ, અડદ, મગ, અરહર, શેરડી, શણ વગેરેનો સમાવેશ થાય છે.