money laundering case : જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ઇડી ઝારખંડના સીએમ હેમંત સોરેનને શોધી રહી છે. સોમવારે ઇડીની ટીમ દિલ્હીના શાંતિ નિકેતન સ્થિત હેમંત સોરેનના નિવાસસ્થાને પહોંચી ત્યારે સોરેન ત્યાં મળ્યા ન હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સોરેન અડધી રાત્રે ઘરે જ હતા. ત્યારબાદ તે કોઈ અજાણ્યા સ્થળે ચાલ્યા ગયા હતા. ઇડીની ટીમને હજી સુધી સોરેનના લોકેશનની માહિતી મળી નથી.
જમીન કૌભાંડ મામલે ઈડીની ટીમ સોરેનની પૂછપરછ કરવા માંગે છે. સૂત્રોનું કહેવું છે કે ઇડી આ કેસમાં સોરેનની ધરપકડ કરી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નવા સમન્સ જારી કરવામાં આવ્યા બાદ સોરેન દિલ્હીથી ગાયબ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે હેમંત સોરેનની પહેલા પણ પૂછપરછ કરી છે. ટીમે રાંચીમાં 8 કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. ઇડીએ કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે થોડા દિવસ પહેલા સોરેનને 10મું સમન્સ જારી કર્યું હતું, જેમાં તેમને 29 કે 31 જાન્યુઆરીએ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. સાથે કહ્યું હતું કે જો મુખ્યમંત્રી હાજર નહીં થાય તો ઇડીની ટીમ જાતે પહોંચીને તેમની પૂછપરછ કરશે.
ઇડીએ 13 જાન્યુઆરીએ હેમંત સોરેનને આઠમું સમન્સ જારી કર્યું હતું. 16-20 જાન્યુઆરી વચ્ચે આ કેસમાં પૂછપરછ માટે હાજર રહેવા પણ જણાવ્યું હતું. આ પહેલા સોરેન સાતમાં સમન્સ પર ઈડી સામે હાજર થયા ન હતા. ઇડીના સમન્સનો જવાબ આપતા મુખ્યમંત્રી સોરેને કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી 20 જાન્યુઆરીએ તેમના નિવાસસ્થાને તેમનું નિવેદન નોંધી શકે છે. જોકે નિવેદન નોંધ્યું ન હતું.
ઝારખંડ જમીન કૌભાંડનો સંપૂર્ણ કેસ શું છે?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રાંચીમાં આર્મીના કબજા હેઠળની 4.55 એકર જમીનની ગેરકાયદેસર ખરીદી અને વેચાણનો પર્દાફાશ કર્યો હતો. ઈડીએ આ કેસમાં રાંચીના બડગાઇ ઝોનના રેવન્યુ સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદની ધરપકડ કરી હતી. તેમના નિવાસસ્થાન અને મોબાઇલ ફોનમાંથી મોટી માત્રામાં સત્તાવાર દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોની તપાસ અને તેનાથી જોડાયેલા તથ્યોની ચકાસણીને લઇને એજન્સી હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો – રાજ્યસભા ચૂંટણી : ગુજરાતની 4 સહિત 56 રાજ્યસભા સીટો પર 27 ફેબ્રુઆરીએ મતદાન
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝારખંડ પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી અનેક એફઆઈઆરના આધારે પ્રદીપ બાગચી, વિષ્ણુકુમાર અગ્રવાલ, ભાનુ પ્રતાપ પ્રસાદ અને અન્યો સામે મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ કેસ નોંધીને ત્રણ જમીન કૌભાંડોની તપાસ શરૂ કરી હતી.
અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
ઇડીએ આ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ સરકારી અધિકારીઓની મિલીભગતથી ભૂમાફિયાઓની તરફેણમાં આ પ્લોટો છેતરપિંડીથી ટ્રાન્સફર કર્યા હતા.
અત્યાર સુધીમાં જે 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં પ્રદીપ બાગચી, સદ્દામ હુસૈન, તલ્હા ખાન, અફસર અલી, ઇમ્તિયાઝ અહેમદ, ફૈયાઝ ખાન, ભાનુ પ્રતાપ પ્રસાદ, છવી રંજન, આઈએએસ (પૂર્વ ડીસી રાંચી, દિલીપ કુમાર ઘોષ, વિષ્ણુ કુમાર અગ્રવાલ, અમિત કુમાર અગ્રવાલ સામેલ છે. રૂપિયાની વાત કરીએ તો ઈડીની ટીમે આ સમગ્ર મામલામાં અત્યાર સુધી 236 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.





