મહારાષ્ટ્રના મુંબઈમાં બુધવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી બાંદ્રા વર્લી સી લિંક ઉપર એક એમ્બ્યુલન્સ અને ચાર કારો વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત પોલ નંબર 76 અને 78 વચ્ચે સવારે 2.20 વાગ્યાની આસપાસ થયો હતો.
અકસ્માતમાં ઘાયલ બધા 13 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બી વાઈ એલ નાયર હોસ્પિટલ લઈ જવાયેલા 10માંથી પાંચ લોકોને દાખલ કરતા પહેલા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બે મહિલા અને એક પુરુષ સારવાર માટે દાખલ છે. અન્ય બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર કરીને ઘરે મોકલી દેવાયા હતા.
સી લિંક સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ લોકોને ત્રણ અલગ-અલગ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ અને સૈફી હોસ્પિટલમાં લઈ જવાયા છે.
આ પણ વાંચોઃ- રોડ અકસ્માત માટે રખડતા પશુઓ સૌથી મોટું કારણ, બનશે નવા નિયમ!
કેવી રીતે થયો અકસ્માત
મીડિયા રિપોર્ટ પ્રમાણે બાંદ્રા વર્લી સી લિંક પર એક ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જાય એ પહેલા જ પાછળ આવી રહેલી ત્રણ ગાડી એમ્બ્યુલન્સ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તરત જ બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ- ઉત્તરાખંડઃ પૌડી જિલ્લામાં જાન લઈને જતી બસ ખીણમાં ખાબકી, 25 ના મોત અને 21 ઘાયલ
ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે પોલીસને સ્થાનિક લોકોની મદદ લેવી પડી હતી. પ્રશાસન આ મામલે તપાસમાં લાગી છે. જોકે સાવધાની વર્તવા માટે બાંદ્રાથી વર્લી તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું
બાંદ્રા વર્લી સી લિંક રોડ ઉપર થયેલા અકસ્માત અંગે વડાપ્રધાન મોદી પણ દુઃખી થયા હતા. તેમણે શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે, ”મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંક પર થયેલા અકસ્માતમાં લોકોના મોતથી હું દુઃખી છું. શોક સંપપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું આશા રાખું છું કે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય”