NCERT book
(અંકિત રાજ) કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021માં NCERT (નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)ના પુસ્તકોમાં ફેરફારની જે પ્રક્રિયાનો આરંભ કર્યો હતો, તે હવે અમલમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. આ ફેરફારો કર્યા બાદ પુસ્તકો છાપવામાં આવ્યા છે અને બજારમાં આવી ગયા છે. આ પુસ્તકો CBSE સંલગ્ન શાળાઓમાં ભણાવવામાં આવે છે. કેટલાક રાજ્યના શિક્ષણ બોર્ડે પણ આ પુસ્તકોને જ અપનાવવાનું નક્કી કર્યું છે. શૈક્ષણિક સત્ર 2023-24 માટે પુસ્તકોમાં ઘણા ફેરફારોની જાહેરાત 2022માં જ કરવામાં આવી હતી. પાઠ્યપુસ્તકોમાં જે ફેરફારો કરાયા છે તે અત્યંત વિવાદિત છે.
તાજેતરનો વિવાદ એ વાતને લઈને છે કે નવા પાઠ્યપુસ્તકોમાં અમુક ફેરફારો કરાયા છે, જેની 2022માં ઘોષણા કરવામાં આવી ન હતી. મહાત્મા ગાંધી, નાથુરામ ગોડસે, ગુજરાતના રમખાણો, મુઘલ શાસક જેવા મુદ્દાઓ સાથે જોડાયેલી ઘણી બાબતો પુસ્તકોમાંથી હટાવી દેવામાં આવી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે ઈતિહાસ બદલવાના ઉદ્દેશ્યથી આવું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે.
ઈન્ડિયન એક્સપ્રેસના નેશનલ એજ્યુકેશન એડિટર રિતિકા ચોપરાએ તેમના વિગતવાર અહેવાલમાં જણાવ્યું છે કે, પુસ્તકોમાં ક્યા – કર્યા ફેરફારો થયા છે. આ રિપોર્ટમાં પણ આપણે સંક્ષિપ્તમાં તે ફેરફારોને સમજીશું, પરંતુ તેની પહેલા આપણે જાણીએ કે પરિવર્તનની આ કવાયતના મૂળમાં ક્યા-ક્યા વ્યક્તિઓ સામેલ છે.
કોના માર્ગદર્શનમાં અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો?
વર્ષ 2014 થી 2022 સુધીમાં NCERTના પાઠ્યપુસ્તકોમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ ફેરફાર વર્ષ 2017માં થયો હતો, તે સમયે NCERTના પાઠ્યપુસ્તકોમાં 1334 ફેરફારો કરવામાં આવ્યા હતા. બીજી વખત વર્ષ 2019માં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમનો બોજ ઘટાડવાનો હતો. ત્રીજો ફેરફાર વર્ષ 2022માં પૂર્ણ થયો, જેનો ઉદ્દેશ્ય ‘રેશનલાઇઝેશન’ અને ‘કન્ટેંટ લોડ ઓછો કરવાનો’ હતો. આ સમગ્ર કવાયત રાષ્ટ્રીય પાઠ્યપુસ્તક નક્કી કરવા સાથે સંકળાયેલી છે.
રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે સપ્ટેમ્બર 2021માં શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સંચાલન સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર માટે વ્યાપક માર્ગદર્શિકા આપી હતી. 12 સભ્યોની સમિતિના અધ્યક્ષ ઈસરોના ભૂતપૂર્વ વડા કે કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનને બનાવવામાં આવ્યા હતા. તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)-2020નો મુસદ્દો તૈયાર કરનાર નવ સભ્યોની સમિતિનું પણ નેતૃત્વ કર્યું હતું. પદ્મશ્રી (1982), પદ્મ ભૂષણ (1992) અને પદ્મ વિભૂષણ (2000)થી સમ્માનિત કે. કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન વર્ષ 1994થી 2003 સુધી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના વડા હતા.
ડો. કસ્તુરીરંગન ઉપરાંત આ સમિતિમાં ગોવિંદ પ્રસાદ શર્મા, મહેશ ચંદ્ર પંત, નજમા અખ્તર, ટીવી કટ્ટીમણી, મિશેલ ડેનિનો, મિલિંદ કાંબલે, જગબીર સિંહ, મંજુલ ભાર્ગવ, એમકે શ્રીધર, ધીર ઝિંગરાન અને શંકર મારુવાડાનો સમાવેશ થાય છે.
સંઘના સભ્ય ગોવિંદ પ્રસાદ શર્મા
ગોવિંદ પ્રસાદ શર્મા નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેઓ આરએસએસની શિક્ષણ શાખા વિદ્યા ભારતીના પ્રમુખ રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ શાખા દેશભરમાં શાળાઓની શ્રૃંખલા ચલાવે છે. તેઓ વિદ્યા ભારતીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીના પણ સભ્ય છે.
ઓક્ટોબર 2020માં ગ્વાલિયરમાં આયોજિત ‘જ્ઞાન પ્રબોધિની લેક્ચર’માં નિવેદન આપતા શર્માએ કહ્યું હતું કે, “હાલનું શિક્ષણ સંસ્થાનવાદી અને વામપંથી વિચારસરણીથી પીડાઈ રહ્યું છે. આ વિસંગતતાને સમજીને મોદી સરકારે તેને દૂર કરવા કસ્તુરીરંગનની ભલામણો લાગુ કરી છે.
જે મંચ પરથી શર્મા નિવેદન આપી રહ્યા હતા ત્યાં RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને અન્ય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની ફૂલોથી સુશોભિત તસવીરો હતી.
‘માર્ક્સવાદી ઇતિહાસ’ના આલોચક મિલેશ ડૈનિનો
ફ્રેન્ચ મૂળના મિશેલ ડૈનિનો IIT ગાંધીનગરમાં વિઝિટિંગ પ્રોફેસર છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ ભારત સરકારે વર્ષ 2017માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. ડૈનિનોએ ‘ધ લોસ્ટ રિવરઃ ઓન ધ ટ્રેલ ઓફ સરસ્વતી’ પુસ્તક લખ્યું છે, જેમાં તેણે આ પૌરાણિક નદીનું અસ્તિત્વ હોવાનો દાવો કર્યો છે. મિશેલ ડેનિનોની વિચારસરણી હિન્દુત્વ તરફી ઝૂંકાવ ધરાવતી હોવાનો આરોપ મૂકાયો છે.
મિશેલ ડેનિનો આર્યોના આક્રમણના સિદ્ધાંતને કાલ્પનિક માને છે. જો કે, જાણીતા ઈતિહાસકાર રોમિલા થાપર અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સહિત ઘણા વિદ્વાનો આ સિદ્ધાંતને સાચો માને છે. દક્ષિણપંથી જૂથમાં રોમિલા થાપરની આલોચના ‘વામપંથી ઇતિહાસકાર’ ગણાવીને કરવામાં આવે છે.
મિશેલ ડેનિનોએ વર્ષ 2012માં ‘The Problem of India history’ શિર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે લખ્યુ હતુ કે, ભારતીય ઇતિહાસનું વર્તમાન મોડલ વ્યાપક રીતે ‘ઇતિહાસનું માર્કસવાદી મોડલ’ છે. તેમણે આ લેખમાં રોમિલા થાપર પર કટાક્ષ કરતા લખ્યુ કે, ભારતમાં ઇતિહાસનું માર્કવાદી મોડલ છે આથી વૈદિક ધર્મ ‘Primitive animism’ (પ્રાચીન જીવાત્મવાદ) અને ગીતા “સામંતવાદ” ને પ્રોત્સાહન આપનાર બની જાય છે.

તેમણે વધુમાં લખ્યુ છે કે, “માર્ક્સવાદી દ્વંદ્રવાદ માત્ર તે બાબતોને નાની કરી દે છે જેને તે સમજી શકતું નથી, જેમ કે અતિ-બૌદ્ધિક સિન્થેટીક આધ્યાત્મિકતા, જે ભારતીય પ્રતિભાની માટે વિશિષ્ટ છે.”
ડેનિનો ધર્મના આધારે ભારતીય ઈતિહાસના કાળ વિભાજનની ટીકા કરતા પૂછે છે કે, જો પ્રથમ ચાર સમયગાળાને ધર્મના આધારે વૈદિક, બૌદ્ધ, હિંદુ અને મુસ્લિમમાં વિભાજિત કરવામાં આવે છે, તો પાંચમાને ‘બ્રિટિશ કાળ’ના બદલે ‘ઇસાઇ કાળ’ કેમ ન કહેવો જોઈએ.
આટલું જ નહીં ડેનિનોને એવો પણ વાંધો ઉઠાવ્યો છે કે, ઈતિહાસમાં વૈદિક કાળને ઓછું સ્થાન આપવામાં આવ્યું છે. વૈદિક કાળ વિશે આજે પણ લગભગ એટલું ઓછું જાણીયે છીએ જેટલું બે સદી પહેલા હતું.
તેઓ ઇતિહાસમાં બૌદ્ધો અને હિંદુઓ વચ્ચે રજૂ કરાયેલા તણાવની ટીકા કરતા લખે છે કે બૌદ્ધ અને હિંદુ ધર્મ આપણને જેટલા દેખાડવામાં આવ્યા છે તેના કરતા ઘણા ઓછા વિભાજિત હતા.
ભારતના હિન્દુ દક્ષિણપંથીઓની જેમ જ મિશેલ ડેનિનો પણ એવું માને છે કે ઇતિહાસમાં ભારતની ઉપલબ્ધતિઓને પુરતા પ્રમાણમાં આવરી લેવામાં આવી નથી. ભારતની ઐતિહાસિક ઉપલબ્ધિઓને રેખાંકિત કરતા લખે છે કે, “ભારતની સૌથી મોટી ઉપલબ્ધિ ચોક્કસપણે તેનું સાંસ્કૃતિક એકીકરણ છે, જે પારસ્પરિક સમ્માનના આધાર પર વૈદિક સંસ્કૃતિ અને સ્થાનિક પરંપરાઓની વચ્ચે એક લાંબી જૈવિક વાર્તાલાપથી શક્ય બન્યું છે, જેનું સમકાલીન પરિણામ છે હિંદુ ધર્મ.
RSS નેતાના આશીર્વાદ લેનાર નઝમા અખ્તર
નઝમા અખ્તર જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વાઇસ ચાન્સેલર છે. વર્ષ 2019થી આ પદ પર છે. જામિયા મિલ્લિયાં ઇસ્લામિયામાં નઝમા અખ્તરની નિમણુંક બાદ તાત્કાલિક એક તસ્વીર વાયરલ થઇ હતી, જેમાં RSSના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇન્દ્રેશ કુમાર તેમને આર્શીવાદ આપી રહ્યા છે.
દક્ષિણપંથી દલિત મિલિંદ કાંબલે
મિલિંદ કાંબલે એક પ્રખ્યાત વેપારી છે, તેઓ IIM જમ્મુના ચેરપર્સન પણ છે. વર્ષ 2013માં તેમને પદ્મશ્રીથી સમ્માનિત કરાયા હતા. કાંબલે દલિત સમુદાયમાંથી આવે છે પરંતુ ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક કાર્યક્રમ આઇડિયા એક્સચેન્જમાં તેમણે કહ્યુ હતુ કે, અનામત એક રનવે છે, જ્યાંથી ટેકઓફ કરવું જોઇએ, નહીં કે રનવે પર જ ફરતા રહેવું જોઇએ. જાન્યુઆરી 2023માં તેમણે કહ્યું હતું કે, મેં અનામતનો લાભ લેવાનું બંધ કરી દીધું છે જેથી જેમને જરૂર હોય તેમને આપી શકાય. બાબાસાહેબે જે અનામતની નીતિ બનાવી, તે એક રન-વે છે. તમે આ રન-વે પર આવો અને ત્યાંથી ઝડપથી ટેકઓફ કરો. નહીં કે એ રન-વે પર જ ફરતા રહો.
આઉટલૂકમાં પ્રકાશિત (જૂન 2017) એક આર્ટીકલમાં દલિત એક્ટિવિસ્ટ (પૂર્વ આરએસએસ સભ્ય) અને લેખક ભંવન મેઘવંશીએ મિલિંદ કાંબલેની આલોચના કરી હતી. તેમણે લખ્યુ હતુ કે, દલિતોમાં એક ઉદ્યોગસાહસિક વર્ગ પણ ઉભો થયો છે, જે DICCI જેવી સંસ્થાઓ દ્વારા દલિત મૂડીવાદની તરફેણ કરે છે. આ દલિત મૂડીવાદનું વિલય દક્ષિણપંથી સંઘી મનુવાદ સાથે ભળી રહ્યો હોય તેવું લાગે છે. DICCIના વડા મિલિંદ કાંબલે સંઘના વડા મોહન ભાગવત સાથે મંચ શેર કરી રહ્યા છે અને આરએસએસના મુખપત્ર પંચજન્યનો અંક બહાર પાડવો એ દલિત મૂડીવાદ બ્રાહ્મણવાદી મનુવાદની સમક્ષ ઘુંટણ ટેકવા સમાન છે. બાય ધ વે, બજારવાદ અને મનુવાદ એક જ સિક્કાની બે બાજુઓ છે.
મિલિંદ કાંબલે સંઘની જેમ ધર્માંતરણ કરનાર દલિતો અને આદિવાસીઓને અનામત આપવાની વિરુદ્ધ છે. માર્ચ 2023માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સત્તાવાર મીડિયા સેન્ટર ‘વિશ્વ સંવાદ કેન્દ્ર’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કાંબલેએ કહ્યું હતું કે, અનામતની જોગવાઈ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે કરવામાં આવી હતી. પરંતુ જેમણે તે મળવું જોઈએ તેમની પાસેથી તેનો લાભ છીનવીને ધર્માંતરણ કરનાર લોકો (ખ્રિસ્તીઓ અને મુસ્લિમો) અને હજુ પણ તેને છીનવી લેવાના પ્રયાસો ચાલુ છે. કેટલાક લોકો ધર્માંતરણ કરનારાઓને અનામત આપવાના નામે દેશની રાજકીય સત્તા પર કબજો કરવા માગે છે. ધર્માંતરણ કરનાર લોકોએ લઘુમતી આયોગ સમક્ષ તેમના અધિકારો માટે રડવું જોઈએ.
NIEPAના ચાન્સેલર છે મહેશ ચંદ્ર પંત
મહેશ ચંદ્ર પંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિશનના ચાન્સેલર છે. પંત ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી અને એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે. તેમણે ઘણા હાઇ- પ્રોફાઇલ પદો પર કામગીરી કરી છે અને ભારતમાં શૈક્ષણિક સુધારણામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડથી સન્માનિત છે ટીવી કટ્ટિમણી
આંધ્રપ્રદેશના સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી (CTUAP) ના પ્રથમ વાઇસ ચાન્સેલર ટી વી કટ્ટિમણીએ ઉચ્ચ શિક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ માટે તેમને કર્ણાટકનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ’ પણ મળ્યો છે.
જગબીર સિંહ, PUના પૂર્વ ચાન્સેલર
પ્રો. જગબીર સિંહ દિલ્હી યુનિવર્સિટીના પંજાબી વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર અને વડા છે. તેઓ પંજાબની સેન્ટ્રલ યુનિવર્સિટી, ભટિંડાના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.
મંજુલ ભાર્ગવ, ગણિત માટેના નોબેલ ફિલ્ડ્સ મેડલથી સમ્માનિત
મંજુલ ભાર્ગવ ભારતીય મૂળના અમેરિકન ગણિતશાસ્ત્રી છે. તેમને 2014માં ફિલ્ડ્સ મેડલ મળ્યો હતો.