Maharashtra : અપક્ષ ધારાસભ્ય રવિ રાણાના દાવા પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે. શરદ પવારના નજીકના મનાતા એનસીપીના પ્રવક્તા મહેશ તપાસેએ કહ્યું કે પવાર સાહેબ ક્યાંય જવાના નથી. તેઓ ઇન્ડિયા ગઠબંધન સાથે રહેશે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સાથે અમારી પાર્ટીનો મજબૂત નાતો છે. શરદ પવાર તેને છોડીને કોઈ પણ સંજોગોમાં ભાજપમાં જવાના નથી.
મહારાષ્ટ્રમાં શિંદે સરકારને સમર્થન આપનાર અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું હતું કે શરદ પવારે દેશના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની જરૂર છે. મેં ભગવાનને આ પ્રાર્થના કરી છે. આગામી 15-20 દિવસમાં રાજ્યમાં ચમત્કાર થશે.
અમરાવતીના ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું છે કે શરદ પવાર કેન્દ્ર સરકારમાં જોડાશે. તેમના ભાજપમાં જોડાવાથી નરેન્દ્ર મોદી સરકારને મજબૂતી મળશે. રવિ રાણાએ અજિત પવારના મુખ્યમંત્રી બનવાની પણ ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા, તેઓ નાયબ મુખ્ય મંત્રી બની ગયા. અજીત પવાર વિપક્ષના નેતા હતા, તેઓ ઉપ મુખ્યમંત્રી બન્યા હતા. એકનાથ શિંદે એક સમયે ઉદ્ધવ ઠાકરે સરકારમાં શહેરી વિકાસ મંત્રી હતા, તેઓ મુખ્યમંત્રી બની ગયા. રાજકારણમાં બધુ જ શક્ય છે. રવિ રાણાએ કહ્યું કે શરદ પવાર મોદી સરકારમાં સામેલ થશે તો અજિત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે.
આ પણ વાંચો – કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિંદ ધર્મનો અર્થ સમજાવતો લેખ લખ્યો – ‘નબળાની રક્ષા કરવી એક ધર્મ છે’
રવિ રાણાના આ નિવેદન બાદ મહેશ તપાસે સાથે ઉદ્ધવ ઠાકરેના નેતાએ પણ આકરી ટિપ્પણીઓ કરી હતી. સચિન આહિરે રવિ રાણાને પૂછ્યું હતું કે શું તેમણે આવું કહેતા પહેલા દેવેન્દ્ર ફડણવીસની પરવાનગી લીધી હતી? આવું છે તો રવિ રાણાની ભવિષ્યવાણીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભાજપે સત્તામાં આવવા માટે જોડતોડની રાજનીતિ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપને ગમે તેટલા સપના જુવે પણ શરદ પવાર તેમની સાથે જવાના નથી. બીજી તરફ કોંગ્રેસે પણ રવિ રાણા પર આકરો પ્રહારો કરતા કહ્યું હતું કે, આ લોકો પેઇડ વર્કર છે. તમે ભાજપના ઇશારે કંઈપણ કહી શકો છો. તેનું કોઇ મહત્વ નથી.