ભારત સરકાર ટૂંક સમયમાં દેશમાં નવો શ્રમ કાયદો લાગુ કરવા જઈ રહી છે. આ નવા શ્રમ કાયદા (new labor law) લાગુ થતા બાદ કોઇ કર્મચારી એક વર્ષ કામ કર્યા પછી જ ગ્રેચ્યુઈટીનો હકદાર બનશે. ઉપરાંત જો કર્મચારીઓ નિર્ધારિત સમય કરતા 15 મિનિટથી વધુ કામ કરશે તો ઓવરટાઇમ (overtime) નો લાભ મળશે.
નવા શ્રમ કાયદામાં (new labor Code) ચાર દિવસ કામ અને ત્રણ દિવસની રજા આપવામાં આવે તેવી શક્યતા છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 31 થી વધુ રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. મોટાભાગના રાજ્યોએ આ માટે નિયમો પણ બનાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક રાજ્યોએ અમુક મુદ્દાઓ પર વાંધો ઉઠાવ્યો છે, જેના માટે ચર્ચા ચાલી રહી છે. જો કે, સરકાર આ કાયદો ક્યારે લાવશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ટૂંક સમયમાં નવો કાયદો લાગુ કરવામાં આવશે.
નવો શ્રમ કાયદો લાગુ થતા કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા મળશે. કર્મચારીઓએ અઠવાડિયામાં 48 કલાક કામ કરવું જોઈએ. કામકાજના દિવસ દરમિયાન કર્મચારીને અડધા કલાકનો બ્રેક પણ બે વખત મળશે. જો કંપની 12 કલાકની વર્ક શિફ્ટ લાગુ કરે છે, તો તેણે કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપવી પડશે.
મહિલા કર્મચારીઓની સંમતિ વિના નાઈટ શિફ્ટ નહીંઃ
નવા કાયદા હેઠળ જો કોઈ કર્મચારીને લાંબી રજા લેવી હોય તો તેણે વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસ કામ કરવું પડતું હતું, પરંતુ હવે માત્ર 180 દિવસ કામ કરવા માટે રજા લઈ શકાશે. .
મહિલા કર્મચારીઓને તેમની સંમતિ વિના નાઇટ શિફ્ટમાં કામ કરવાની ફરજ પાડવામાં આવશે નહીં.
નવા ડ્રાફ્ટ નિયમો અનુસાર, મૂળ પગાર કુલ પગારના 50 ટકા અથવા તેનાથી વધુ હશે.
બેઝિક સેલરીમાં વધારા સાથે પીએફ અને ગ્રેચ્યુટી માટે કપાતી રકમમાં વધારો થશે.
નવા નિયમો લાગુ થયા પછી, કર્મચારીના હાથમાં પગાર ઓછો આવશે, પરંતુ ભવિષ્ય નિધિ અને ગ્રેચ્યુઇટી વધુ હશે.
બે દિવસમાં ફાઇનલ સેટલમેન્ટઃ
નવો શ્રમ કાયદો આવ્યા બાદ કર્મચારીઓનું સંપૂર્ણ અને ફાઇનલ પેમેન્ટ નોકરી છોડ્યાના માત્ર બે દિવસમાં થઈ જશે. એટલે કે નોકરી છોડી દેવાની અથવા નોકરીમાંથી કાઢી મૂકવાના કિસ્સામાં, પૈસા સંબંધિત તમામ પ્રક્રિયા માત્ર બે દિવસમાં પતાવટ કરવામાં આવશે. હાલમાં ફાઇનલ સેટલમેન્ટ કરવામાં 45 દિવસનો સમય લાગે છે.
જો કર્મચારી યુનિયન અને કંપની વચ્ચે કોઈપણ મુદ્દા પર વાટાઘાટો નિષ્ફળ જશે, તો તેની જાણ સરકારને કરવામાં આવશે અને મામલો ટ્રિબ્યુનલને મોકલવામાં આવશે. અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કર્મચારીઓ હડતાળ પર જઈ શકશે નહીં. જેમાં સામૂહિક રજાને પણ હડતાલની શ્રેણીમાં રાખવામાં આવી છે.