દિલ્હીમાં સ્થિત સંસદ ભવન બહુ જૂનું અને નાનું હોવાનું કારણ ધરીને નવું સંસદ ભવનના નિર્માણ માટે 10 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનને લઇને મોટ સમાચાર સામે પ્રકાશમાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર 31 જાન્યુઆરી સુધીમાં એટલે કે બજેટ સત્રના એક દિવસ પહેલા નવું સંસદ ભવન તૈયાર થઇ જશે.

કેંન્દ્રીય આવાસ અને શહેરી મામલોના મંત્રાલય (MoHUA) જેણે નવા સંસદ ભવનના નિર્માણ તેમજ સેંન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ મંત્રાલયે નવા ત્રિકોણીય આકારના સંસદ ભવનની અંદરની કેટલીક તસવીરો પ્રકાશિત કરી છે. આ તસવીરો જોઇને તમે ચોક્કસથી બોલી ઉઠશો કે શું વાહ!

આ પ્રોજેક્ટ તેની નવેમ્બર 2022ની સમયમર્યાદા ચૂકી ગયો. પરંતુ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે તે જાન્યુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે. જો કે, બજેટ સત્ર નવા બિલ્ડીંગમાં શરૂ થશે કે સત્રનો ઉત્તરાર્ધ તેમાં યોજાશે તે અંગે સરકારે હજુ કોઇ પણ પ્રકારની જાહેરાત કરી નથી.

મહત્વનું છે કે, નવું સંસદ ભવન 850 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થશે..હાલમાં જ્યાં સંસદ ભવન પરિસર છે ત્યાં જ સંસદની નવી ઈમારતનુ પણ નિર્માણ થશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયોની કચેરીઓ હશે.

1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો જેને સેન્ટ્રલ વિસ્ટા નામ આપ્યું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે.

હાલમાં જૂના સંસદભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે (CPWD) આ અઠવાડિયે ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં રાયસીના રોડ અને રેડક્રોસ રોડ પર સેવાઓ માટે પ્લોટ વિકસાવવાને લઇને 9.29 કરોડ રૂપિયા અને મિકેનાઇઝ્ડ હાઉસકીપિંગ માટે રૂ. 24.65 કરોડનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ ટાટા પ્રોજેક્ટ્સને 2020માં રૂ.861.9 કરોડમાં સોંપવામાં આવ્યો હતો. જોકે સૂત્રો મુજબ ખર્ચ વધીને ઓછામાં ઓછો રૂ.1,200 કરોડ સુધી પહોંચ્યો છે. જે અંગે એક અધિકારીએ જણાવ્યા હતું કે, બાંધકામ પરના જીએસટી (Construction GST) માં વધારો એ એક કારણ છે, જેને 2022માં 12%થી વધારીને 18% કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, લોકસભામાં કુલ 888 બેઠકો તેમજ ભવિષ્યમાં જો સદનમાં સભ્યોની સંખ્યામાં વધારો થાય તો તે માટે પણ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભાની વાત કરીએ તો તેમાં કુલ 384 બેઠકો છે. ખાસ વાત એ છે કે, રાજ્યસભામાં અંદરનો ભાગ રાષ્ટ્રીય ફૂલ કમલની થીમ આધારિત તૈયાર કરાયો છે, જ્યારે લોકસભા રાષ્ટ્રીય પક્ષી મોરની ડિઝાઇન પરથી તૈયાર કરાયું છે. આપને જણાવી દઇએ કે, નવા ભવનમાં હાલની સંસદની જેમ સેન્ટ્રલ હોલ નથી, તેના બદલે લોકસભા ચેમ્બરનો ઉપયોગ સંયુક્ત સત્ર માટે કરવામાં આવશે. MoHUAની સેન્ટ્રલ વિસ્ટા વેબસાઈટ મુજબ, નવી સંસદમાં “લાકડાના માળખાનો વ્યાપક ઉપયોગ પરંપરાગત રૂપરેખાઓ અને તત્ત્વો પર આધારિત હશે.