(જીજ્ઞાસા સિંહા) 16 ડિસેમ્બર, 2012ની એ રાત જ્યારે દેશની રાજધાન દિલ્હીમાં ચાલતી બસમાં એક મેડિકલ સ્ટુડન્ટ પર ગેંગરેપ થયો. આ ઘટનાથી સમગ્ર દેશમાં હોબાળો મચ્યો અને મહિલાઓની સુરક્ષા અંગે ચર્ચા શરૂ થઇ ગઇ. ગેંગરેપનો ભોગ બનેલી આ યુવતીને બચાવી ન શકાય, તેનું લાંબી સારવાર બાદ મૃત્યુ થયું. આ યુવતીને આજે ‘નિર્ભયા’ તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીઓ પર આવા દુષ્કૃત્યોને રોકવા અને તેમની સુરક્ષા વ્યવસ્થા ઉભા કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2013માં ‘નિર્ભયા ફંડ’ બનાવવામાં આવ્યુ. જો કે મહિલાઓ માટેના આ ફંડની રકમનો સદોપયોગ કરવામાં સરકાર ઉદાસીન રહી છે. છેલ્લા 10 વર્ષમાં નિર્ભયા ફંડ માટે ફાળવેલી રકમમાંથી અડધાથી પણ ઓછા નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
‘નિર્ભયા ફંડ’ના કેટલાં નાણાં ખર્ચાયા
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MoWCD)ના અહેવાલ મુજબ, ‘નિર્ભયા ફંડ’ હેઠળ રૂ. 9,176 કરોડના 35 પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
‘નિર્ભય ફંડ’ની શરૂઆતથી લઇ 2020-21 સુધીમાં કુલ રૂ. 5712.85 કરોડના નાણાંની ફાળવણી કરવામાં આવી છે, જેમાં છેલ્લા પાંચ વર્ષ એટલે કે 2016-17 થી 2020-21 સુધીમાં રૂ.3712.85 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. મંત્રાલયો અને રાજ્યોએ આ રકમનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને મહિલાઓની સુરક્ષા માટેના પ્રોજેક્ટ પર કામ કરવા માટે કરવાનો છે.
‘નિર્ભયા ફંડ’નો ઉપયોગ કરવામાં રાજ્યો ઉદાસીન
જુલાઇ 2021 સુધીના આંકડા અનુસાર રાજ્યોએ નિર્ભયા ફંડના નાણાંનો ઉપયોગ કરવામાં ભારે ઉદાસીનતા દર્શાવી છે. આંધ્ર પ્રદેશે નિર્ભયા ફંડમાંથી ફાળવેલ રૂ. 112 કરોડમાંથી રૂ. 38 કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો. તો ટકાવારીની રીતે બિહારે નિર્ભયા ફંડમાંથી ફાળવેલ કુલ રકમના 41 ટકા, ઝારખંડે 48 ટકા, મધ્યપ્રદેશે 55 ટકા, મહારાષ્ટ્રે 52 ટકા અને ઉત્તર પ્રદેશે 62 ટકા જ નાણાં ખર્ચ્યા છે જ્યાં આ અમાનવીય કૃત્ય થયુ હતુ તે દિલ્હીમાં 413 કરોડ રૂપિયામાંથી 404 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સરકારનો લૂલો બચાવ
ઓગસ્ટ 2022માં જ્યારે મંત્રાલયને ‘નિર્ભયા ફંડ’ના નાણાંના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે જણાવ્યુ હતું કે “…વિવિધ અન્ય પરિબળો જેમ કે સત્તાવાળાઓ પાસેથી આવશ્યક મંજૂરીઓ મેળવવામાં વધારે સમય, કોન્ટ્રાક્ટ આપવા માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા, કોરોના મહામારી જેવા અણધાર્યા અવરોધો નિર્ભયા ફંડ હેઠળની વિવિધ યોજનાઓ/પ્રોજેક્ટોના અમલીકરણ પર પણ અસર કરે છે…”