Bihar Government Cabinet Ministers Portfolio : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંત્રીઓ વચ્ચે વિવિધ મંત્રાલયોની વહેંચણી કરી દીધી છે. બધાની નજર ગૃહ વિભાગ પર હતી અને નીતીશ કુમારે પોતાની પાસે રાખ્યું છે. આ પહેલા પણ ગૃહ વિભાગ નીતિશ કુમાર પાસે હતું.
બંને નાયબ મુખ્યમંત્રીને 9-9 મંત્રાલય મળ્યા
બિહારમાં નવી સરકાર રચાયા બાદ મંત્રીમંડળની રચના થઇ ગઇ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. તો બંને નાયબ મંત્રીઓને 9-9 મંત્રાલય મળ્યા છે. સમ્રાટ ચૌધરીને નાણાં, વાણિજ્ય કર, નગર વિકાસ અને આવાસ, આરોગ્ય, રમતગમત, ઉદ્યોગ, પંચાયત રાજ, પશુ અને મત્સ્ય સંશાધન વિભાગ તેમજ કાયદા વિભાગ સંભાળશે. તો વિજય કુમાર સિન્હાને કૃષિ, માર્ગ નિર્માણ, મહેસૂલ, જમીન સુધારણા, શેરડી ઉદ્યોગ, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર, શ્રમ સંસાધન, કલા સંસ્કૃતિ અને યુવા, લઘુ જળ સંસાધન અને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ મંત્રાલય મળ્યા છે.

વિજય કુમાર ચૌધરીને જળ સંસાધન, સંસદીય બાબતો, મકાન બાંધકામ, પરિવહન, શિક્ષણ અને માહિતી અને જનસંપર્ક વિભાગ મળ્યા છે. જ્યારે બિજેન્દ્ર પ્રસાદ યાદવને ઊર્જા, આયોજન વિકાસ, આબકારી અને નોંધણી, ગ્રામીણ બાબતો અને લઘુમતી કલ્યાણ મંત્રાલય મળ્યું છે. ડૉ.પ્રેમ કુમારને સહકાર, પછાત વર્ગ, આપત્તિ વ્યવસ્થાપન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન અને પ્રવાસન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
શ્રવણ કુમારને ગ્રામીણ વિકાસ, સમાજ કલ્યાણ અને ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગ મળ્યું છે, તો HAM ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવેલા જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમનને માહિતી ટેકનોલોજી, અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ વિભાગ મળ્યું છે. અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહને વિજ્ઞાન, ટેકનોલોજી અને ટેકનિકલ શિક્ષણ વિભાગ મળ્યું છે.
આ પણ વાંચો | નીતિશ કુમારને જેડીયુ- ભાજપના ગઠબંધનથી હંમેશા ફાયદો, બિહાર વિધાનસભા અને લોકસભા ચૂંટણીના આંકડા પર એક નજર
નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરી બિહારમાં નવી સરકાર બનાવી
તમને જણાવી દઈએ કે 28 જાન્યુઆરીએ નીતિશ કુમારે 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અગાઉ તેમણે આરજેડી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી પરંતુ અચાનક તેમણે ગઠબંધન તોડી નાખ્યું હતું. 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન જીત્યું હતું. પરંતુ ઓગસ્ટ 2022માં નીતિશ કુમારે લગભગ દોઢ વર્ષ સુધી ભાજપ સાથે સરકાર ચલાવ્યા બાદ રાજીનામું આપી દીધું અને આરજેડી સાથે સરકાર બનાવી. આ પછી નીતીશનું આરજેડી સાથેનું ગઠબંધન પણ માત્ર દોઢ વર્ષ જ ચાલ્યું.





