Amit Shah Speech : મણિપુર હિંસાને લઈને સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ હંગામો જોવા મળી રહ્યો છે. બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુર હિંસાને લઈને સરકાર તરફથી જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસાનાં કારણો જણાવ્યાં હતાં. લોકસભામાં બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું વિપક્ષની એ વાત સાથે સહમત છું કે ત્યાં હિંસાનું તાંડવ થયું છે, તેનું દુખ છે. તેનું કોઇ સમર્થન કરી શકે નહીં. આ ઘટના શરમજનક છે અને તેના પર રાજકારણ કરવું વધુ શરમજનક છે.
અમિત શાહે કહ્યું કે દેશભરના લોકોમાં એક ગેરસમજ ફેલાવવામાં આવી છે કે સરકાર મણિપુર પર ચર્ચા માટે તૈયાર નથી. પહેલા દિવસથી જ અમે ચર્ચા માટે તૈયાર હતા, તેમણે વિરોધ કરવો હતો. જો તમને મારી ચર્ચાથી સંતોષ ન થયો હોત તો આગળ માંગ કરી હોત. અમિત શાહે કહ્યું કે મણિપુરમાં વંશીય હિંસાના સ્વભાવને જાણવો પડશે. એ પણ જાણવું પડશે કે જ્યારે-જ્યારે પણ આવું થાય છે ત્યારે તે કેવી રીતે થાય છે.
તેમણે કહ્યું કે અમે છેલ્લા સાડા છ વર્ષથી ત્યાં સત્તામાં છીએ. જ્યારથી ત્યાં અમારી સરકાર બની છે ત્યારથી 3 મે સુધી એક પણ દિવસનો કર્ફ્યૂ ન હતો. ઉગ્રવાદી હિંસાનો પણ લગભગ સમાપ્ત થઇ ગઇ હતી.
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે વર્ષ 2021માં મ્યાનમારમાં સત્તા પરિવર્તન થયું, ત્યાં સૈન્ય શાસન આવ્યું. ત્યાં કુકી ડેમોક્રેટિક ફ્રન્ટ છે, તેમણે ત્યાં લોકશાહી માટે આંદોલન શરૂ કર્યું હતું. જેથી ત્યાના સૈન્ય શાસને તેમના પર કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું. અમિત શાહે કહ્યું કે ત્યાંની બોર્ડર ફ્રી બોર્ડર છે. ત્યાં કોઈ ફેન્સિંગ નથી. તેથી કુકી ભાઈઓ અહીં આવવા લાગ્યા. હજારોની સંખ્યામાં કુકી આદિવાસીઓ અહીં આવ્યા હતા.
આ પણ વાંચો – મણિપુર સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગણી પર અમિત શાહે કહ્યું – તે પુરી રીતે સહકાર કરી રહ્યા છે, કેમ લઇએ રાજીનામું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુકીઓની હિજરત એક રીતે મણિપુરના બાકીના ભાગોમાં ચિંતાનું કારણ બની હતી કે ત્યાંની ડેમોગ્રાફી બદલી જશે. અમે તે જોયું, તે જ સમયે અમે 2022માં ગૃહ મંત્રાલયમાં દ્વારા ફેન્સિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમે 10 કિમી ફેન્સિંગ પૂરી કરી છે, 7 કિમીનું કામ ચાલી રહ્યું છે, 600 કિમીનો સર્વે ચાલી રહ્યો છે. તમે 2014 સુધી ક્યારેય ફેન્સિંગ કરી નથી. અમે આ કામ 2021માં જ શરૂ કરી દીધું હતું, જેથી ઘૂસણખોરી અટકાવી શકાય.
અમિત શાહે કહ્યું કે ત્યાં ડેમોગ્રાફી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખીણમાં મૈતેઈ રહે છે, કુકી અને નાગા પહાડ પર રહે છે. અમે જાન્યુઆરીમાં શરણાર્થીઓને ઓળખકાર્ડ આપવાનું શરૂ કર્યું હતું. 2023માં રમખાણો થયા હતા, 2021 માં ફેન્સિંગ શરૂ થઈ હતી. 2023ની શરૂઆતમાં અમે અંગૂઠાની છાપ અને આંખની છાપ લેવાનું શરૂ કર્યું. તેમ છતાં જેમ જેમ સંખ્યા વધતી ગઈ તેમ તેમ અસલામતીની ભાવના ફેલાઈ ગઈ. ત્યાં એક ફ્રી રિઝીમ છે, નેપાળની જેમ ત્યાં પાસપોર્ટની જરૂર નથી. કોઈને રોકવા પણ અસંભવ છે. ફેન્સિંગ પણ ન હતી એટલે અસલામતી વધી ગઈ.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે 29 એપ્રિલે એક અફવા ફેલાઈ હતી કે શરણાર્થીઓના વસવાટને ગામ જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે ઘાટીમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. આ પછી આગમાં તેલ નાખવાનું કામ મણિપુર હાઈકોર્ટના એપ્રિલના એક નિર્ણયે કર્યું હતું. જેણે વર્ષોથી પેન્ડિંગ પડેલી એક અરજી અચાનક શરુ કરી હતી. આ ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું કે 29 એપ્રિલ પહેલા મૈતૈઈ જાતિને આદિવાસી જાહેર કરી દેવા જોઈએ. જેને પગલે આદિવાસી લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પછી 3 તારીખે અથડામણ થઈ હતી, જે રમખાણો હજુ પણ ચાલી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે કોર્ટના આદેશના વિરોધમાં એક જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં બંને સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ હતી અને ત્યારબાદ ઘાટી અને પહાડ બંને જગ્યાએ હિંસા શરૂ થઈ હતી.





