નોઈડાના સેક્ટર 10માં અમલતાશ માર્ગ (Amaltash Marg) નું નામ બદલવામાં આવ્યું છે. હવે આ રોડનું નામ રામનાથ ગોએન્કા માર્ગ (Ramnath Goenka Marg) થઈ ગયું છે. ન્યૂ ઓખલા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (Noida) ની ગવર્નિંગ બોડીએ નોઈડાના સેક્ટર 10માં અમલતાશ માર્ગનું નામ ધ ઈન્ડિયન એક્સપ્રેસ અખબારના સ્થાપકના નામ પર રાખ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસ ઓફિસ પણ અહીં જ આવેલી છે.
ઓથોરિટીએ 28 ફેબ્રુઆરીએ આ અંગે આદેશ જાહેર કર્યો હતો. આ અંગે, ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ઈન્દુ પ્રકાશ સિંહે કહ્યું, “ઔદ્યોગિક વિકાસ વિભાગ-04 તરફથી મળેલા પત્રના સંદર્ભમાં, સંચાલક મંડળે અમલતાશ માર્ગનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. નોઈડાના સેક્ટર 10માં અમલતાશ માર્ગનું નામ તાત્કાલિક અસરથી રામનાથ ગોએન્કા માર્ગ (ઈન્ડિયન એક્સપ્રેસ ઑફિસની સામે) રાખવામાં આવ્યું છે.”
ઓર્ડરની એક કોપી પ્લાનિંગના જનરલ મેનેજરને પણ મોકલવામાં આવી છે, જેથી નામનો ફેરફાર નોઈડા માસ્ટર પ્લાનમાં પ્રતિબિંબિત થાય. 1904માં દરભંગામાં જન્મેલા રામનાથ ગોએન્કા અખબારનો વ્યવસાય શીખવા માટે ચેન્નાઈ ગયા હતા. ઇન્ડિયન એક્સપ્રેસ 1932 માં શરૂ કરવામાં આવ્યું હતુ અને તેમણે ખાતરી કરી હતી કે, આ અખબાર એક નિર્ભય, વિશ્વસનીય અને સંપૂર્ણ સ્વતંત્ર બને. તેમણે તેમની ટેગલાઈન ‘જર્નાલિઝમ ઓફ કૌરેજ’ રાખી હતી અને તેઓ ઈચ્છતા હતા કે, આ અખબાર તેના પર ખરૂ ઉતરે.
1975-77ની કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાના વિરોધ કરવા પર રામનાથ ગોએન્કા મુક્ત પ્રેસના પ્રતીક બન્યા હતા. સેન્સર કરવામાં આવેલા સંપાદકીયને બદલે એક ખાલી સંપાદકીય પ્રકાશિત કરવાનો તેમનો નિર્ણય તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકાર સામે એક શક્તિશાળી રીમાઇન્ડર બની ગયો. આનાથી એક એવો સંદેશ ગયો કે, ધ ઈન્ડિયન એક્સપ્રેસ નાગરિકોના જાણવાના અધિકાર માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે, પછી પરિણામો ગમે તેજ કેમ ન આવે.
1988માં, રામનાથ ગોએન્કાએ પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે રાજીવ ગાંધી સરકાર દ્વારા લાવવામાં આવેલા માનહાનિ બિલના વિરોધની પણ આગેવાની લીધી હતી. તેમણે વિરોધ કર્યા બાદ આ પ્રસ્તાવિત કાયદો પાછળથી સરકારે દ્વારા ખેંચી લેવામાં આવ્યો હતો. રામનાથ ગોએન્કાનું 1991માં નિધન થયું હતું.